સરત બોઝ અને સુહરાવર્દીની બંગાળ દેશ યોજના

Wednesday 08th March 2017 08:00 EST
 
 

બ્રિટિશ હકૂમતની સામે જંગે ચડેલા બોઝ બંધુઓમાંથી વિશ્વખ્યાત બનેલા સુભાષચંદ્રના વ્યક્તિત્વની છાયામાં એમના મોટા ભાઈ અને લંડનની લિંકન્સ ઈનમાં ભણીને બેરિસ્ટર થઈ સ્વદેશ પાછા ફરેલા સરતચંદ્રને ઈતિહાસે પણ અવગણ્યા હોવાનું સૌ કોઈ કબૂલે છે. રાષ્ટ્રીય ચળવળમાં સતત પોતાના ભાઈ સુભાષને પડખે રહેલા અને ઈન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ને સમર્થન પૂરું પાડવામાં પણ અગ્રેસર રહેવા બદલ સરતચંદ્ર બોઝે ખૂબ સહન કરવું પડ્યું હતું. બંગાળમાં પ્રધાનપદાના શપથ લેવા પૂર્વે જ ૧૯૪૧માં એમની ધરપકડ થઈ અને ૧૯૪૫માં છૂટ્યા પછી ગાંધીજીના આગ્રહથી કોંગ્રેસ સાથે જોડાણ તાજું કરવા છતાં નેહરુના વડપણવાળી ૧૯૪૬ના સપ્ટેમ્બરની વચગાળાની સરકારમાં માંડ બે મહિના રહીને એમણે રાજીનામું આપવું પડ્યું.

સરતચંદ્રનાં સંતાનો તેજસ્વી ખરાં, પણ રાજકીય દૃષ્ટિએ આમનેસામને આવી ગયાં. જોકે મોડે મોડે પણ એમના વંશમાંના પુત્ર શિશિર કે પૌત્ર સુગત બોઝ જેવા ઈતિહાસકાર કે અન્ય રાજકીય અગ્રણીઓ થકી સરત બોઝના અલગ બંગાળ રાષ્ટ્ર માટેના પ્રયાસો બદલ એમનું સ્મરણ તાજું કરવામાં આવ્યું છે. સુભાષબાબુ કોંગ્રેસના બબ્બે વાર રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા હતા.

અનેક ભારતીય સપૂતોની ભૂમિ બંગાળ

બંગાળની ધરતીએ દેશને અનેક રત્નો પૂરાં પાડ્યાં છે. ભારતનો ઈતિહાસ ઘડવામાં પણ આ ભોમકાનું મહામૂલું યોગદાન છે. માત્ર રાજનેતાઓ જ નહીં, સમાજ સુધારકો અને શિક્ષણવિદો પણ આ જ બંગાળની ભૂમિએ પૂરા પાડ્યા છે. બંગાળની સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય એ અજોડ છે. સંભવતઃ એટલે જ ભારત અને બાંગલાદેશ બેઉનાં રાષ્ટ્રગીત બંગાળના સપૂત અને નોબેલ પારિતોષિક મેળવનાર મહામાનવ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર થકી જ રચાયેલાં છે. છેક ૧૯૧૧ સુધી કોલકાતા બ્રિટિશ ભારતના અંગ્રેજ શાસકોની રાજધાની રહ્યું. એ પછી રાજધાની દિલ્હી સ્થળાંતરિત થયા છતાં બંગાળ પ્રદેશનું મહત્ત્વ અને મહાત્મય જરાય ઓછું થયું હોય એવું અનુભવાતું નથી.

બંગાળના ૧૯૦૫ના ભાગલા અને એકીકરણ

૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના કોમી ધોરણે ભાગલા પડાવવાની કુટિલ ચાલ ચાલી, પણ પ્રદેશની હિંદુ અને મુસ્લિમ પ્રજાએ ‘વંદે માતરમ્’ના પ્રાણપ્યારા નારા સાથે જે આંદોલન જગાવ્યું એના પ્રતાપે બ્રિટિશ હકૂમતે લોર્ડ કર્ઝનને પાછા તેડાવવાની સાથે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા હતા.

જે બંગાળના ભાગલા રદ કરવા માટેની બ્રિટિશ હકૂમતને ફરજ પડાઈ હતી એ જ બંગાળના ભાગલા પાડવા માટે ભારતના રાષ્ટ્રવાદી લેખાનારા અગ્રણીઓ અને ભાગલાના વિરોધી બંગાળી નેતાઓ વચ્ચે ૧૯૪૭માં ઘણો મોટો જંગ ખેલાયો હતો.

૨૦ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ બ્રિટિશ આમસભામાં વડા પ્રધાન ક્લેમન્ટ એટલીએ જૂન ૧૯૪૮ પૂર્વે ભારતમાંથી ઉચાળા ભરવાની ઘોષણા કરી હતી. આ પૂર્વે માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન મોહમ્મદ અલી ઝીણાના વડપણ હેઠળ મળ્યું હતું અને તેમાં બંગાળના મુસ્લિમ લીગ અગ્રણી ફઝલુલ હકે ‘પાકિસ્તાન ઠરાવ’ રજૂ કરીને મુસ્લિમો માટેના અલગ દેશની માગણી મૂકી હતી. આ ઠરાવને મંજૂર કરવામાં આવ્યો હતો. બંગાળના પ્રીમિયર (મુખ્ય મંત્રી) એવા ફઝલુલ હક્ક ૧૯૪૧માં ફરીને સરકારના વડા બન્યા ત્યારે હિંદુ મહાસભાના ડો. શ્યામાપ્રસાદ મુકરજી એમની સરકારમાં નાણા પ્રધાન બન્યા હતા.

હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકારો

વિરોધાભાસ કેવો હોય છે કે કોંગ્રેસે ધારાસભાઓનો બહિષ્કાર કરવાનું પસંદ કર્યું અથવા તો બહુમતી છતાં સરકારની રચના કરવાનું નકાર્યું ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો બની હતી. કોંગ્રેસે ‘ક્વિટ ઈન્ડિયા’ (હિંદ છોડો)નો નારો આપતાં અંગ્રેજોને ચલે જાઓ કહ્યું ત્યારે ગાંધીજી, નેહરુ, સરદાર પટેલ સહિતના મોટા ભાગના કોંગ્રેસી આગેવાનોને જેલમાં ઠાંસી દેવાયા હતા. એ વેળા મુસ્લિમ લીગ, હિંદુ મહાસભાના નેતા અને ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિટિશ સરકારોમાં હોદ્દા ભોગવતા હતા.

કોલકાતામાં હિંદુ હત્યાકાંડના ખલનાયક

વડા પ્રધાન એટલીએ અંગ્રેજો ભારતમાંથી સ્વદેશ ચાલ્યા જશે એવી જાહેરાત કરવાની સાથે જવાબદારોને સત્તાસોંપણી કરવાના સંકેત પણ આપ્યા હતા. આવા સંજોગોમાં બ્રિટિશ ઈન્ડિયામાંથી પાકિસ્તાન બનાવવા મથામણ કરી રહેલા ઝીણા અને એના મુસ્લિમ લીગ ઉપરાંત મદ્રાસ પ્રાંતમાં પેરિયાર ઈ. વી. રામાસ્વામી દ્રવિડ દેશ માટે પ્રયત્નશીલ હતા. માસ્ટર તારાસિંહના અકાલી દળને શીખો માટે અલગ રાષ્ટ્રની અપેક્ષા હતી. દેશી રજવાડાં એક કે વધુ જોડાણ કરીને સ્વતંત્ર થવા તલપાપડ હતાં. આવા સંજોગોમાં ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના ઝીણાપ્રેરિત ‘ડાયરેક્ટ એક્શન ડે’ના પ્રતાપે કોલકાતામાં ૧૭ હજાર જેટલા હિંદુઓને મોતને ઘાટ ઉતારનાર હત્યાકાંડના સૂત્રધાર મનાતા બંગાળના પ્રીમિયર અને મુસ્લિમ લીગી આગેવાન હુસૈન શહીદ સુહરાવર્દી નોખા ખેલ માંડી રહ્યા હતા.

ગાંધીજી સાથે સુહરાવર્દીની નિકટતા અને સુધરી ગયાનો ડહોળ મહાત્માને પણ ભોળવી રહ્યો હતો. સુહરાવર્દી અને સરત બોઝ તેમજ અબુલ હાશમી જેવા બંગાળી હિંદુ-મુસ્લિમ અગ્રણીઓએ અંગ્રેજા પાછા જાય પછી અલગ બંગાળ દેશ માટેની યોજના હાથ ધરવાનું વિચાર્યું. ૨૦ મે ૧૯૪૭ના રોજ એને આકાર પણ અપાયો. સરત બોઝે મહાત્મા ગાંધી અને ઝીણા બેઉને એ માટે મનાવવાની કોશિશ કરી. ગાંધીજી એ ભણી ઢળ્યા પણ ખરા અને ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત સામે આ ફોર્મ્યુલા મૂકવા તૈયાર થયા. ઝીણાની આંખમાં સાપોલિયાં રમતાં હતાં. મુસ્લિમ લીગી સુહરાવર્દી અને બંગાળની બહુમતી મુસ્લિમ પ્રજા હોવાને કારણે ભવિષ્યમાં પાકિસ્તાન સાથે એનું જોડાણ થઈ શકે એવી ગણતરીએ એમને સાનુકૂળતા દાખવી.

સરત બોઝ વિરુદ્ધ શ્યામાપ્રસાદ

હિંદુ મહાસભાના નેતા ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને બંગાળ કોંગ્રેસના હિંદુ નેતાઓને સરત-સુહરાવર્દી-હાશ્મીની યોજના પાછળના બદઈરાદાનો આગોતરો અણસાર આવી ગયો. ડો. મુકરજીએ તો બાપુને પ્રશ્ન પણ કર્યો કે અલગ બંગાળ દેશ ભારતને બદલે પાકિસ્તાન સાથે જોડાણ કરે તો? પંડિત નેહરુ અને સરદાર પટેલ પણ ગાંધીજીની બંગાળ દેશ માટેની સહાનુભૂતિ છતાં એકના બે થયા નહીં. બંગાળ અને પંજાબના ભાગલા માટે એ સંમત હતા. ડો. મુકરજી માટે બંગાળના ભાગલા કોમી ધોરણે કરીને સરદાર પટેલની આંખમાં વસી જવાનું થયું. એટલે તો એ હિંદુ મહાસભાના નેતા હોવા છતાં કોંગ્રેસે પહેલ કરીને એમને નેહરુના વડપણવાળી સરકારમાં પ્રધાન બનાવવા માટે બંધારણ સભામાં ચૂંટી મોકલ્યા. સરત બાબુ પણ બંધારણ સભામાં હતા. ડો. આંબેડકર પણ પૂર્વ બંગાળની બેઠક પરથી બંધારણ સભામાં હતા. ઈતિહાસને ઉછાળીને વર્તમાનમાં રાજકારણ ખેલવા તથા લાભ ખાટવાના પ્રયાસ થતા હોય ત્યારે સરત બોઝ વિરુદ્ધ શ્યામાબાબુના ઘટનાક્રમને અવગણી શકાય નહીં.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice ૧૧ માર્ચ ૨૦૧૭ - અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2mt5K8r


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter