મોટા ભાગની જિંદગી વિશ્વના એક ખૂણેથી બીજા ખૂણે પ્રવાસમાં વીતી હોવાં છતાં, અમે ખરેખર સાઉથ અમેરિકાની મુલાકાત લીધી ન હતી. યુએસએની દક્ષિણે મારો એક માત્ર પ્રવાસ નિકારાગુઆની કોન્ફરકન્સનો હતો જ્યારે મારા પતિ મીટિંગ્સ માટે મેક્સિકો ગયા હતા. મેં મોટા ભાગનું જીવન આ ખંડ પર કેન્દ્રિત કર્યું હતું જ્યારે મારી કારકીર્દિની શરૂઆતમાં ફરજિયાત વિદેશી ભાષા તરીકે સ્પેનિશની ફાળવણી થઈ હતી અને આ ભાષા શીખવા મારું પોસ્ટિંગ બ્યુએનોસ એઈર્સમાં થયું હતું. પરંતુ, આ મારાં નસીબમાં ન હતું જોકે, તેની કહાણી અલગ છે.
મારી કારકીર્દિમાં સાઉથ અમેરિકા હંમેશાં મારી સભાનાવસ્થામાં રહ્યું હતું. પેરુમાં વિશ્વપ્રસિદ્ધ મચ્ચુ પિછુ હોવાનું જાણવા છતાં, આ ખંડ દૂર જ ભાસતો હતો. વિશ્વના આ વિસ્તારના પ્રવાસે જવાનું સ્વપ્ન પણ નિહાળ્યું ન હતું. મારી ઈચ્છાના બકેટ લિસ્ટમાં આવો પ્રવાસ લખાયો ન હતો!
સદનસીબે જીવનમાં રસપ્રદ તક આવી અને મેં તેને ઝડપી લીધી જે મોટા પજકાર જેવી લાગતી હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં અમે કેટલાક મિત્રો સાથે જોડાયા એવા પ્રવાસમાં જે અમારા જીવનમાં યાદગાર યાત્રા બની રહેશે- બ્રાઝિલ, આર્જેન્ટીના, ઉરુગ્વે અને ચિલીનો પ્રવાસ જેમાં, ફોકલેન્ડ (માલવિનાસ) આઈલેન્ડ્સની રાજધાની સ્ટેનલી આઈલેન્ડનો પણ સમાવેશ થતો હતો.
સાઉથ અમેરિકામાં એક સ્થળ એમેઝોનની છાનબીન કરવાની મારી ઘણી ઈચ્છા હતી. એમેઝોન રેઈનફોરેસ્ટ અથવા એમેઝોન જંગલ સાઉથ અમેરિકાના એમેઝોનના મોટા ભાગના તળને આવરી લે છે અને નવ દેશોના પ્રદેશો તેમાં સંકળાયેલા છે. આ વિશ્વના રેઈનફોરેસ્ટ્સનો અડધાથી વધુ હિસ્સો એમેઝોનમાં છે જે સૌથી વિશાળ અને સૌથી વધુ ટ્રોપિકલ બાયોડાયવર્સિટી ધરાવે છે.
કમનસીબે, રેઈનફોરેસ્ટનું વધુ ખેડાણ કરવાનો સમય અમે ફાળવી શક્યાં નહિ પરંતુ, એમેઝોન અને નેગ્રો નદીઓનાં વહેતાં જળ અવશ્ય નિહાળ્યા. વિશ્વમાં પાણીના ફેંકાતા જથ્થાની દૃષ્ટિએ એમેઝોન નદી સૌથી મોટી છે. માનાઉસ ખાતે મીટિંગ ઓફ વોટર્સ (જળસંગમ)માં રિઓ નેગ્રો સાથે તેનો સંગમ જોવાલાયક છે જ્યાં રિઓ નેગ્રોના ઘેરા જળ તદ્દન અલગ દેખાય છે તે ઘણું સુંદર દૃશ્ય છે!
આર્જેન્ટીના અને બ્રાઝિલની સરહદે ઈગુઆઝુ રિવર પરના ઈગુઆઝુ અથવા ઈગુઆકુ ફોલ્સ વિશ્વમાં સૌથી મોટી જળધોધ સિસ્ટમ બનાવે છે. સ્થાનિક ભાષામાં ઈગુઆઝુનો અર્થ ‘બિગ વોટર’ થાય છે. નદીનો આશરે અડધો પ્રવાહ ડેવિલ્સ થ્રોટ (સ્પેનિશમાં ગારગાન્ટા ડેલ ડાયાબ્લો અથવા પોર્ટુગીઝમાં ગારગાન્ટા ડો ડાયાબો) કહેવાતા લાંબા અને સાંકડા સરોવરમાં ઠલવાય છે. ઈગુઆઝુ ફોલ્સનો આકાર અંગ્રેજી અક્ષર ‘J’ના ઊંધા તરીકે ગોઠવાયેલો છે. આર્જેન્ટીના - બ્રાઝિલની સરહદ ડેવિલ્સ થ્રોટમાં થી પસાર થાય છે. કેનેડામાં નાયગ્રા ફોલ્સ અને ઝિમ્બાબ્વેમાં વિક્ટોરિયા ફોલ્સ નિહાળ્યા પછી બ્રાઝિલ અને આન્જેન્ટીનાની તરફથી ઈગુઆઝુ ફોલ્સ સ્તબ્ધ કરી દેનારો હતો. અલગ અલગ 275 ધોધ, બે ટુકડાના ધોધ અને અતિશય વિસ્તાર અને તદ્દન નિકટતા આ કુદરતી કરિશ્માને અનોખો બનાવે છે!
કુદરતની અજાયબીઓ આર્જેન્ટીનાથી ચિલી તરફ આગળ વધે છે. બ્યુએનોસ એઈર્સથી માત્ર 30 મિનિટના ડ્રાઈવિંગ પછી ડિગ્રે ડેલ્ટા આવે છે. આ ત્રિકોણપ્રદેશમાં થઈને નૌકાની સવારી મુશ્કેલ છે. હજારોની સંખ્યામાં નાનકડા ટાપુઓને નિહાળી ફરી લાંબો સમય રોકાવા પાછા આવવાનું મન ન થાય તો જ નવાઈ કહેવાય. હજુ નીચે જઈએ તો, આર્જેન્ટીનાના ટીએરા ડેલ ફૂએગોની રાજધાની ઉસુઆઈઆની મુલાકાત લઈ શકાય છે. તે વિશ્વમાં સૌથી દક્ષિણે આવેલા શહેરનો દરજ્જો ધરાવે છે. ફિન ડેલ મુન્ડો અથવા એન્ડ ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખાતી પોસ્ટ ઓફિસમાં પેન્ગ્વિન્સ અને સ્નોફ્લેક્સના સિક્કા સાથેનો કાલ્પનિક પાસપોર્ટ પણ મેળવી શકાય છે. ઓગસ્ટો લેસેરે દ્વારા 12 ઓક્ટોબર 1884માં સ્થપાયેલું ઉસુઆઈઆ વિશાળ બે ઓફ ઉસુઆઈઆ પર આવેલું છે. તે એન્ટાર્ન્ટિક પેનિન્સ્યુલાથી માત્ર 1100 કિલોમીટર (680 માઈલ)ના અંતરે છે અને આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત પાંચ એન્ટાર્ન્ટિક ગેટવે સિટીઝમાં એક છે.
વિશ્વના આ હિસ્સામાં પ્રવાસ કરવાનો એક આનંદ એ છે કે તમારો ભેટો અવારનવાર પેન્ગ્વિન્સ સાથે થતો રહે છે.ફોકલેન્ડ/ માલવિનાસ આઈલેન્ડ્સની રાજધાની સ્ટેનલી આઈલેન્ડમાં અમે બર્થાઝ બીચ ખાતે આ ભવ્યતમ પ્રાણી/પક્ષીને નિકટથી નિહાળવાનો લહાવો લીધો હતો. આ ટાપુ પર ફોકલેન્ડ યુદ્ધમાં માર્યા ગયેલાનું સ્મારક છે અને તેની પાસે જ માર્ગારેટ થેચરની અર્ધપ્રતિમા પણ છે. સ્ટેનલી આઈલેન્ડ પર લગભગ બધું જ યુકેથી આવતું જણાય છે.
સાઉથ અમેરિકાની હજુ વધુ દક્ષિણે જઈએ ત્યારે જિંદગીનો અનુપમ અનુભવ જોવાં મળે છે. ચિલીના ઊંચી ભેખડો વચ્ચેથી પસાર થતા સાંકડા સમુદ્ર (fjord)માં પ્રવાસ, ગ્લેશિયર્સ અને વોટર ચેનલ્સ અદ્ભૂત છે. ચિલીના 1800 ગ્લેશિયરોમાં 73 સ્ક્વેર માઈલ્સમાં ફેલાયેલો એમેલિયા ગ્લેશિયર સૌથી મોટો છે. fjordમાં જળમાર્ગોમાં થઈને પસાર થતી વેળાએ આ ગ્લેશિયરની તદ્દન નિકટ પહોંચી શકાય છે.
અન્ય દર્શનીય આકર્ષણ ઓસોર્નો જવાળામુખી છે જેની તદ્દન નજીક કાલબુકો જવાળામુખી આવેલો છે. 2652 મીટર ઊંચો ઓસોર્નો જવાળામુખી જાપાનના માઉન્ટ ફ્યુજીયામા જેવો શંકુકાર સ્ટ્રેટોવોલ્કેનો છે. ઓસોર્નો અને કાલબુકો જવાળામુખીની વચ્ચે આવેલું ભવ્ય લેક લાનકુહીએ સુંદર અને રમણીય દૃશ્ય સર્જે છે. કાલબુકો જવાળામુખીને અડીને અન્ય સરોવર ચાપો લેક છે. નાના ઘણા ધોધમાંથી ખળખળ અવાજ સાથે પડતાં પાણી અતિ સુંદર દૃશ્ય બનાવે છે. અમે ચિલીના તમામ સુંદર સ્થળોની મુલાકાત લઈ શક્યા નહિ પરંતુ, નદીના પાતળા પ્રવાહની અલગ પડતા સુકાં પર્વતોના લેન્ડસ્કેપમાં થઈને સાન્ટિઆગોથી આગળ પહોંચી શક્યા હતા. અમે સુંદર વાલપારાઈસો ટાઉનની મુલાકાત પણ લીધી અને ત્યા નોબેલ પારિતોષિકવિજેતા પાબ્લો નેરુદાનું ઘર પણ નિહાળ્યું હતું.
સાઉથ અમેરિકા માત્ર પ્રાકૃતિક અજાયબીઓથી ભરેલો ખંડ નથી. અહીં સુંદર શહેરો પણ છે. તેમાં બ્રાઝિલનું સમુદ્રતટે વસેલું સૌથી સુંદર શહેર રિઓ ડી જાનેરિઓ તેના કોપાકાબાના અને ઈપાનેમાં બીચીઝ, માઉન્ટ કોર્કોવાડોની ટોચે 38 મીટર ઊંચી ક્રાઈસ્ટ ધ રીડીમર પ્રતિમા, ગ્રેનાઈટ શિખર સુગરલોફ માઉન્ટેઈન માટે પ્રખ્યાત છે. રિઓ ડી જાનેરિઓનું હાર્બર કુદરતની સાત અજાયબીઓમાં એક છે. રિઓ તેની ફેલાયેલી ઝૂંપટપટ્ટીના નગરો, પરેડ ફ્લોટ્સ, ઝાકમઝોળ કોસ્ચ્યુમ્સ અને સામ્બા ડાન્સરોની સાથે રોમાંચકારી કાર્નિવલ માટે પણ જાણીતું છે. અમે નસીબદાર રહ્યા કે કાર્નિવલના આખરી દિવસે પ્રસિદ્ધ સામ્બાડ્રોમને નિહાળી શક્યાં હતાં.
બ્યુએનોસ એઈર્સ તેના વિશાળ બુલેવાર્ડ્સ, પાર્ક્સ, અને ખુલ્લી જગ્યાઓ સાથે જીવંત શહેર જણાય છે. અમે ઈવા પેરોનનું નિવાસ રહેલી સુંદર બુટિક હોટેલમાં રોકાણ કર્યું હતું જે વિશ્વમાં સૌથી અસામાન્ય રેકોલેટા સેમેટ્રીથી તદ્દન નજીક હતી. આ સેમેટ્રીને 1822માં શહેરના પ્રથમ સત્તાવાર જાહેર કબ્રસ્તાન તરીકે જાહેર કરાઈ હતી અને તે સામાન્ય કબ્રસ્તાનથી અલગ અને વિશાળ છે. શહેર અસંખ્ય ટેન્ગો શો અને ફૂડનું આકર્ષણ પણ ધરાવે છે. આ ઉપરાંત, સાઓ પાઉલો, મોન્ટેવિડીઓ શહેરો પણ જોવાલાયક છે. અમે આ પ્રવાસમાં સાઉથ અમેરિકાના ઘણા હિસ્સાનું ખેડાણ કર્યું. હવે તે અમારી ઈચ્છાઓમાં ધરબાઈને રહ્યું નથી તે તદ્દન દૂર પણ ભાસતું નથી. ખરેખર, પ્રવાસ શ્રેષ્ઠ શિક્ષણ છે!
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


