સાઉધમ્પટન યુનિવર્સિટીમાં ધબકી રહેલી ભારત-યુકે મૈત્રી

રુચિ ઘનશ્યામ Wednesday 30th March 2022 02:48 EDT
 
ડાબેથી- ઈન્ડિયા બિઝનેસ ગ્રૂપની સીઈઓ અમરજિત સિંહ, યુકેમાં પૂર્વ ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ (ત્રીજા ક્રમે), લોર્ડ જો જ્હોન્સન, લોર્ડ રેમી રેન્જર અને સાઉધમ્પટન યુનિવર્સિટીના પ્રોફેસર સાબુ એસ.પદ્મદાસ 
 

ત્રણ વર્ષ અગાઉ, યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન ખાતે ‘ઈન્ડિયા સેન્ટર ફોર ઈન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ની સ્થાપના કરવામાં આવી હતી. સંશોધનો પર વિશેષ ભાર મૂકતી આ યુનિવર્સિટી રસેલ ગ્રૂપની સ્થાપક સભ્ય છે જેમાં, યુકેની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની 24 યુનિવર્સિટીઓ સંશોધન અને શિક્ષણના સર્વોચ્ચ માપદંડોને જાળવી રાખવાને સમર્પિત છે. ઈન્ડિયા સેન્ટર ‘અગ્રણી સંશોધકોને સંયુક્ત મંચ પુરું પાડે છે જેમાં, નીતિ ઘડવૈયાઓ તેમજ બિઝનેસ અને ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સ સાથે મળીને ભારતને પુરાવા આધારિત ઉપાયો પૂરાં પાડવા સાથે પોલિસી ચેન્જ, સમાવેશી આર્થિક વૃદ્ધિ, ટેકનોલોજી અને ટકાઉ વિકાસ માટેની તકને વ્યાપકપણે ખોલે છે.’

ઈન્ડિયા સેન્ટર ભારતને તેના ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવામાં સમર્થનકારી ભૂમિકા ભજવવાની આશા ધરાવે છે. આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર તરીકે ચીનને પાછળ પાડી દેશે ત્યારે ગણનાપાત્ર યુવા વસ્તીની મજબૂતાઈ સાથે તેનું ગતિશીલ અર્થતંત્ર ભારત અને સમગ્ર વિશ્વ બંને માટે નોંધપાત્ર આર્થિક અને સામાજિક અસર ઉભી કરશે.

ગત ત્રણ વર્ષ દરમિયાન, ઈન્ડિયા સેન્ટર તેના મહત્ત્વાકાંક્ષી એજન્ડા સાથે સ્પર્ધામાં આગળ દોડવા ઉત્સુક બન્યું છે. ગત વર્ષે પુડુચેરીમાં સરોવરના કાયાકલ્પના રસપ્રદ પ્રોજેક્ટ પર તેણે કામગીરી હાથ ધરી હતી. જોકે, તે પહેલા મહામારીના સમયગાળાએ તેની અપાર શક્તિને કડક રીતે બાંધી રાખી હતી. યુકેમાં મહામારીના નિયંત્રણો ઉઠાવી લેવાયાની સાથે મહાન પળ આવી હતી.

ઈન્ડિયા સેન્ટરે 14-18 માર્ચ 2022ના ગાળામાં ભારત વિશેષ સપ્તાહ–સ્પેશિયલ ઈન્ડિયા વીકને લોન્ચ કર્યું હતું. સેન્ટરે સાઉધમ્પટન સિટી કાઉન્સિલ, સાઉધમ્પટન સિટી ઓફ કલ્ચર 2025, ઈન્ડિયા બિઝનેસ ગ્રૂપ અને અન્ય સપોર્ટિંગ પાર્ટનર્સ સાથે મળીને સાઉધમ્પટન અને ભારતના વધી રહેલા સંબંધોને ઉજવવા અનેક ઈવેન્ટ્સનું સંમિશ્રણ રજૂ કર્યું હતું. આ શ્રેણીબદ્ધ કાર્યક્રમો આ પ્રકારના પ્રથમ અને સીમાચિહ્નરુપ બની રહ્યા હતા. આ ઉપરાંત, ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ, યુનિવર્સિટીના રોયલ ચાર્ટર સ્ટેટસની 70મી વર્ષગાંઠ તેમજ યુનિવર્સિટી ઈન્ડિયા સેન્ટરની ત્રીજી વર્ષગાંઠ જેવા ત્રણ વિશિષ્ટ પ્રસંગોને અનુરુપ સંયુક્ત ઉજવણીના સંદર્ભમાં તે શ્રેષ્ઠ સમય હતો.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) મિનિસ્ટર લોર્ડ તારિક અહેમદે યુકે અને ભારત બંને માટે આશીર્વાદરુપ બની રહેલા ડાયવર્સિટીના અભૂતપૂર્વ લાભોનું વર્ણન કર્યું હતું. તેમણે યુકે કેબિનેટમાં પ્રીતિ પટેલ, સુનાક, શર્મા, જાવિદ, ક્વારટેન્ગ સહિતના નામોની સમૃદ્ધિ દર્શાવી હતી! તેમણે ભારત અને યુકે વચ્ચેની મિત્રતા કદી તૂટશે નહિ તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી.

યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટનના અગ્રણી પ્રોફેસર તથા ઝેપ્લર ઈન્સ્ટિયૂટ ફોર ફોટોનિક્સ એન્ડ નેનોઈલેક્ટ્રોનિકસ/ ઓપ્ટોઈલેક્ટ્રોનિકસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર સર ડેવિડ પાયનેએ તેમના અને તેમના સાથીઓ દ્વારા કરાયેલાં કાર્યોની સુંદર રજૂઆત કરી હતી. તેઓ જે વિશ્વસ્તરીય ટેકનોલોજી ક્ષેત્રમાં કાર્યરત છે તેના પ્રણેતારુપ અગ્રણી તરીકે તેમને નિહાળવાનું જરા પણ મુશ્કેલ નથી. ગત ચાર દાયકા દરમિયાન, તેમની કામગીરીએ ટેલિકોમ્યુનિકેશન્સ અને લેસર ટેકનોલોજી પર ભારે અસર સર્જી છે. વર્તમાનમાં ઈન્ટરનેટની વ્યાપક ટ્રાન્સમિશન કેપિસિટી 1980ના દાયકામાં સર ડેવિડ અને તેમની ટીમની શોધખોળનું પ્રત્ક્ષ પરિણામ છે.

આ કાર્યક્રમની શાનદાર સાંજે કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર અને યુનિવર્સિટી ખાતે વેબ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેમ વેન્ડી હોલ દ્વારા સાઉધમ્પટન યુનિવર્સિટીના સમૃદ્ધ વૈજ્ઞાનિક સંગ્રહનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. મલ્ટિમીડિયા અને હાઈપરમીડિયા ક્ષેત્રોમાં ગંભીર સંધોધનો હાથ ધરનારા અગ્રણી કોમ્પ્યુટર વિજ્ઞાનીઓમાં એક તરીકે તેઓ આગળ વધ્યા હતા અને આ કામગીરી દરમિયાન તેમણે અનેક અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી હતી.

બોલીવૂડના શાનદાર દંપતી જાવેદ અખ્તર અને શબાના આઝમીની ઉપસ્થિતિએ ઈન્ડિયા વીકને વધુ રોમાંચક બનાવ્યું હતું. કાવ્યપઠન, ફિલ્મોમાં સ્ત્રીઓ સંદર્ભે બૌદ્ધિક ચર્ચાઓ અને ઉર્દુ કવિતાઓમાં ભારત સહિતના વિષયોને આ પ્રખ્યાત દંપતીની સુઝબુઝ-બૌદ્ધિકતા અને પ્રતિભાએ અનોખી રીતે સુંદર નિખાર આપ્યો હતો. તેમના દરેક કાર્યક્રમમાં તેઓની સર્જનાત્મક વિલક્ષણતા સ્પષ્ટ તરી આવતી હતી. સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા શબાના આઝમીના તદ્દન નવા સાહસ Haloના પ્રીમીઅરના ગણતરીના દિવસો પહેલા તેમણે જે રીતે ઉદારતાથી સમય અને ઊર્જા ફાળવ્યાં તેનાથી યુનિવર્સિટી અને મિજવાન વેલ્ફેર સોસાયટી પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતા પારદર્શકપણે દેખાઈ આવતી હતી.

ભારતીય હાઈ કમિશનનું પ્રતિનિધિત્વ કરતા વિશ્વેશ નેગીએ સમજાવ્યું હતું કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષી સમિટ દરમ્યાન અપનાવાયેલા ઈન્ડિયા- યુકે રોડમેપ-2030માં ભારત અને યુકેના સંબંધોને પાર્ટનરશિપના સુવર્ણ તબક્કામાં લઈ જવાની સારી ક્ષમતા છે. બંને નેતાઓ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ-સુગઠિત વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પરિમાણોના અસરકારક અમલ, ભારત અને યુકે વચ્ચે મુક્ત વ્યાપાર વાટાઘાટોને ઝડપી બનાવવાનું માર્ગદર્શન કરવા પ્રતિબદ્ધ છે. આ બાબતને બંને દેશ માટે લાભકારી આર્થિક સંપર્કના સ્પષ્ટ પ્રભાવ તરીકે નિહાળી શકાય છે. આ ઉપરાંત, ગત 10 મહિનામાં સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં કન્સલ્ટેશન વ્યવસ્થાતંત્રની સ્થાપના પણ દ્વિપક્ષી અને બહુલક્ષી યથાર્થતાની દૃષ્ટિએ સારું ભાવિ દર્શાવે છે. પડકારો તો રહ્યાં જ છ અને હજું ઘણું કરવાનું બાકી રહ્યું છે છતાં, બંને દેશો ‘સંબંધોના સુવર્ણયુગ’ નિર્માણના માર્ગે મક્કમપણે પ્રગતિ સાધવા સજ્જ છે.’

ભારત અને યુકેમાં કાર્યરત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સ્વચ્છ ઊર્જા, ક્લાઈમેટ ચેન્જ અને રોગના બોજ જેવાં મહત્ત્વપૂર્ણ વૈશ્વિક સસ્ટેનેબિલિટી પડકારોના નિરાકરણના ઉદ્દેશ ધરાવતાં સંશોધન અને ઈનોવેશનને આગળ ધપાવવામાં વૈજ્ઞાનિક સહયોગો અને ભાગીદારીઓને લાભકારી ઉપયોગમાં લઈ શકે છે.

ઈન્ડિયા સેન્ટરના બોર્ડ ઓફ પેટ્રન્સના સભ્ય અને યુકેમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર હોવાં તરીકે મેં પણ અનેક પડકારોની મર્યાદામાંથી પાર ઉતરવા અને દ્વિપક્ષીય સંબંધોમાં વધુ ઊંચા સ્તર સુધી હરણફાળ ભરવાની સુક્ષમતાના સંદર્ભે રોડમેપ 2030ના વિશિષ્ટ મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, મેં બે દેશ વચ્ચે જીવંત સંપર્કસેતુ તરીકે કાર્યરત ભારતીય ડાયસ્પોરાની રચનાત્મક અને પ્રભાવશાળી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

રોડમેપ 2030એ ભારત અને યુકેના સંબંધોને આસમાન તરફ ઊંચે લઈ જવાના માર્ગે ગોઠવ્યા છે. સાઉધમ્પટન યુનિવર્સિટીએ સંશોધન અને નવીનતા આધારિત કાર્યોમાં પોતાના યોગદાનને હાઈલાઈટ કરવા જે સમયોચિત ક્ષણની પસંદગી કરી છે તે બંને દેશોના ઉત્કૃષ્ટ દ્વિપક્ષી લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરુપ બનશે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter