સાચા ઈતિહાસને બહાર લાવવાનો સમય પાકી ગયો છેઃ હિઝ મેજેસ્ટી ધ કિંગને ખુલ્લો પત્ર

કપિલ દૂદકીઆ Tuesday 06th June 2023 16:26 EDT
 
 

 

હિઝ મેજેસ્ટી ધ કિંગ

બકિંગહામ પેલેસ

લંડન SW1A 1AA

મહેરબાન સાહેબશ્રી,

યુનાઈટેડ કિંગ્ડમ 6 મે, 2023ના દિવસે અનોખા ઈવેન્ટ-પ્રસંગનું સાક્ષી બન્યું હતું. ચોક્કસપણે આપના માટે યુનાઈટેડ કિંગ્ડમ અને અન્ય કોમનવેલ્થ રાજ્યોના કિંગ ચાર્લ્સ તૃતીય બનવાની તાજપોશીનો દિવસ હતો.

એક મહિના પછી, હું માનું છું કે આપના માટે સૌથી અગત્યની બાબતોની ઈન-ટ્રેમાં એક બાબત ઉમેરવાનું મદદરૂપ બની રહેશે. એક બાબત કે જે એક રાજવી તરીકે આપના કાર્યકાળ અને આપના વારસાની વ્યાખ્યા કરશે. હું માનું છું કે આપના માટે ‘સત્ય, મનમેળ અને ક્ષતિપૂર્તિ કમિશન (Truth, Reconciliation and Reparation Commission)ની હિમાયત કરવાનો સમય આવી પહોંચ્યો છે. ચોક્કસપણ તે રોયલ કમિશન જ હશે.

બ્રિટને સદીઓના કાલખંડ દરમિયાન સમગ્ર વિશ્વમાં અનેક દેશો પર આક્રમણો કર્યા હતા. આવાં આક્રમણોના શિકાર બનેલા અમે અમારું જીવેલું સત્ય જાણીએ છીએ. એવું સત્ય જે પેઢીઓ દર પેઢી પસાર થતું આવ્યું છે. આજ દિવસ સુધી એ સત્ય કદી બહાર આવ્યું નથી. સામ્રાજ્યવાદી ઉપકાર- ઉદારતાની જૂઠી કથા કહેવા માટે ઉત્તરોત્તર બ્રિટિશ સરકારો દ્વારા સામ્રાજ્યવાદી ઈતિહાસ-કહાણીઓ રચવામાં આવી હતી. હું માનું છું કે બ્રિટન માટે સત્ય બહાર લાવવા માટે, આ જૂઠો ઈતિહાસ સુધારવા માટે અને મનમેળ, પુનઃસ્થાપના અને સ્વીકારના માર્ગની ગતિ પ્રસ્થાપિત કરવામાં આગળ આવવાનો સમય આવી ગયો છે.

આ સત્ય ધીરે ધીરે પરંતુ, અસંગઠિત અને મુખ્યત્વે અપ્રમાણિત રીતે બહાર આવી જ રહ્યું છે. આના પરિણામે, આપણે બધાએ જેની ઉત્કટ ઈચ્છા કે આકાંક્ષા રાખવી જોઈએ તે સાચો ઈતિહાસ ગૂંચવાયો છે અને ગૂંચવાતો રહેશે. એક જોખમ છે કે અર્ધસત્યો અને જૂઠાણાઓથી દૂષિત સત્યનું આ મિશ્રણ આપણા રાષ્ટ્ર અને અન્ય રાષ્ટ્રોમાં પણ વિષાક્ત વાતાવરણ સર્જશે. આ સમય ઐતિહાસિક સત્યોનો સ્વીકાર કરવાનો છે. જો સત્ય અને ન્યાયના મૂળભૂત સિદ્ધાંતો સાથે જ સમાધાન સાધી લેવાયું હોય ત્યારે આપણે સારા વંશીય સંબંધો, સમાનતા અને નિષ્પક્ષતા, સંસ્થાગત સત્યનિષ્ઠા અને એકતાની આકાંક્ષા રાખી શકીએ નહિ.

સર, હું આપ નામદારને ‘ટ્રુથ એન્ડ રીકન્સિલીએશન રોયલ કમિશન’ સ્થાપવાનો આપની સરકારને આદેશ કરવા અનુરોધ કરું છું. આવા કમિશનને બ્રિટનના ભૂતકાળના દરેક પાસાની તપાસ કરવા અને સાચો ઈતિહાસ રેકોર્ડ પર મૂકવાની, પુનર્સ્થાપન અને સ્વદેશ પરત મોકલવા (જેના વિના તો રચનાત્મક અને ફળદાયી ભવિષ્ય કદી હોઈ જ ન શકે), ક્ષતિપૂર્તિ કે વળતર (જેના અનેક પ્રકાર હોઈ શકે), સંતોષ (બ્રિટિશ આક્રમણોના શિકાર બનેલાઓને લાગવું જોઈએ કે તેમને ન્યાય મળ્યો છે) અને પુનર્વાસની સત્તા અપાવી જોઈએ.

રોયલ કમિશન માટે આ કાર્યભાર મહત્ત્વપૂર્ણબની રહેશે. આથી, મારું એવું સૂચન છે કે તેણે બ્રિટિશ રાજના ‘જ્વેલ ઈન ક્રાઉન’ ગણાવાયેલા ભારત (એટલે કે ભારતીય ઉપખંડ)થી શરૂઆત કરવી જોઈએ. આપણો દેશ અત્યંત કટોકટીપૂર્ણ તબક્કાઓમાંના એકમાંથી પસાર થઈ રહ્યો છે અને આપણા કિંગ તરીકેની આપની ભૂમિકા સાથે તે બંધબેસતું થયેલ છે. આપણા ઈતિહાસમાં સૌથી નિર્ણાયક સમયે આપણા ભૂતકાળને કબૂલ કરવાનો સમય છે જેથી આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ જેનો મનમેળ ભૂતકાળના બોજાઓ સાથે સધાઈ ગયો હોય.

દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી પશ્ચિમ યુરોપના પુનર્નિર્માણ માટે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્યોર્જ માર્શલે 5 જૂન, 1947ના દિવસે ‘માર્શલ પ્લાન’ની રૂપરેખા જાહેર કરી હતી. આજનું યુરોપ એ પ્રભાવશાળી દિવસના પાયા પર સ્થપાયું છે. આ જ પ્રમાણે, આપની સમક્ષ પણ માનવ ઈતિહાસમાં કદી પ્રયાસ કરાયો ન હોય તેવી સૌથી મોટી અને વ્યાપક રીકન્સિલીએશન કવાયતને પ્રેરિત કરવાની પસંદગી છે. સર, આપના પાસે 21મી સદીને સુસંગત માર્ગ પર રાષ્ટ્રનું નેતૃત્ત્વ કરવાની તક છે. આ માર્ગ સત્યને જાણવા થકી સશક્ત બનશે જેથી, એક પ્રજા તરીકે આપણે આપણી માનવીય અપૂર્ણતાઓની ચંગૂલમાં ન ફસાઈએ અને આપણા ફાયદા માટે અન્યોનું શોષણ ન કરીએ.

‘ડોક્ટ્રિન ઓફ ડિસ્કવરી’ તેના તમામ પ્રકારના સ્વરૂપો અને આજ સુધીની તેની શાખા-પ્રશાખાઓની શરમને સ્વીકારવી જોઈશે. એ ઘૃણિત વ્યવહારોના અવશેષોને પણ સુધારવા પડશે. મેં એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બજાવી છે તે જાણવા સાથે હું આ બાબત આપને હસ્તક સુપરત કરું છું. જો આપને કોઈ વધુ સ્પષ્ટતા અથવા માહિતી જોઈતી હશે તો હું હંમેશાં હાજર જ છું.

આપનો આભાર.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter