સાયન્સ, સાહિત્ય અને સખાવતનો જીવઃ ડો. દિનેશ શાહ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 25th January 2020 04:58 EST
 
 

અમેરિકામાં વસતી ભારતીય પ્રજા મુખ્યત્વે હિંદુ છે. હિંદુ ધર્મ કે પ્રજા વિશે પાઠ્યપુસ્તકોમાં કે સરકારી સંસ્થાના અહેવાલોમાં ગેરસમજ ફેલાતી રોકવા અને અમેરિકી હિન્દુઓમાં જાગૃતિ લાવવા તાજેતરમાં હિંદુ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. સંગઠન સ્થાપવું સહેલું પણ નિભાવવું મુશ્કેલ. વોશિંગ્ટન ડીસીમાં એનું કાર્યાલય. હિંદુ પ્રજાને લગતી ભાતભાતની પ્રવૃત્તિથી ધમધમે. એ ચાલુ રાખવા પૈસા જોઈએ. ડો. દિનેશ શાહે ૫૦,૦૦૦ ડોલરનું તે માટે દાન આપ્યું. હિંદુ ફાઉન્ડેશન ફંડ રેઈઝિંગ માટે ગાલા ડિનર ગોઠવે. એમાં ૨૫થી માંડીને ૧૦૦ ડોલરની ટિકીટ હોય. ટેમ્પામાં આવો કાર્યક્રમ. દિનેશભાઈ શાંતિનિકેતનમાં રહે. ત્યાં વસતા હિંદુઓને તેમાં જવા પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં. ટેક્સીમાં જવું ના પોસાય. દિનેશભાઈ પોતાના ખર્ચે ૫૬ બેઠકોની બસ કરીને બધાંને લઈ ગયા. ડિનરના પૈસા હિંદુ ફાઉન્ડેશનને મળ્યા.

દિનેશભાઈ કવિ જીવ છે. કોમળ હૈયાધારી તે કોઈના દુઃખે દ્રવી જાય. પછી તે વ્યક્તિ હોય કે સમાજ. દિનેશભાઈ દુઃખભંજક બનવા થાય તે કરી છૂટે. તેમણે બાળપણમાં ગરીબી અનુભવી છે.
દિનેશભાઈ કપડવંજના મૂળ વતની. નવ વર્ષની વયે તેમણે પિતાની ઓથ ગુમાવી. ૧૧ વર્ષની વયે પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીએ લખ્યુંઃ
‘મારા જીવનના બે છે સહારા,
વહેતાં ઝરણાં અને ખરતાં સિતારા
મળે જો કદી ના મુજને કિનારા,
અંધારી રાતે ઝબકી બુઝી જાઉં
ભૂલ્યા પ્રવાસીને દઈને ઈશારા
વિંધી શિલાઓ આઘે જવું
મળે ના કદી મુજને કિનારો
આગળ વધવા દૃઢ નિશ્ચયી એ બાળકે આડશો વિંધીને વિજ્ઞાનના ક્ષેત્રે આવતી પેઢીઓને માર્ગ ચીંધે એટલાં બધાં ક્ષેત્રોમાં પહેલ કરી.
અમેરિકામાં ફ્લોરિડાના ગ્યાન્સ વિલમાં આવેલી ફ્લોરિડા યુનિવર્સિટીમાં કેમિકલ સાયન્સના સરફેસ સાયન્સના વિભાગીય વડા બન્યા. ૧૮૫૩માં સ્થપાયેલી આ યુનિવર્સિટીમાં ભણતા અડધો લાખ વિદ્યાર્થીઓમાં ૭૦૦-૮૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને ડઝનબંધ ભારતીય અધ્યાપકો છે. દિનેશભાઈ એમની વિદ્વતા, પ્રેમાળ અને સંવેદનશીલ સ્વભાવ અને વર્તાવથી નોખી ભાત પાડે છે. વિદ્યાર્થીઓ માટે દિનેશભાઈ ભારતીય ગુરુ પરંપરાના ગુરુ શા અને તેમાંય ભારતીય વિદ્યાર્થીઓ માટે તે પિતા શા બની રહેતા. ગમેતેવા અઘરા વિષયને સરળ રીતે શીખવવાની એમની ફાવટથી તેઓ વિદ્યાર્થીઓના માનીતા હતા. વિદ્યાર્થીઓ દિનેશભાઈનું ઘર પોતાનું માનીને વર્તતા.
એક જ વર્ષમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓએ આપઘાત કરતાં દિનેશભાઈ અને તેમનાં પત્ની સુવર્ણાબહેન દ્રવી ઊઠ્યાં. તેમણે યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોને પોતાના ઘરે જમવા બોલાવ્યા અને આપઘાત રોકવાનાં પગલાંની ચર્ચા કરી. અંતે વિચાર્યું, ઈન્ડિયા કલ્ચર અને એજ્યુકેશન સેન્ટર હોય તો વિદ્યાર્થીઓ તેમાં ભેગા મળે. પરસ્પર નજીક આવે. એકલતા ટળે અને પોતાની મુશ્કેલીઓ બીજાને ય જણાવે. ઊભરો શમે અને આપઘાત અટકે.
સેન્ટર માટે ૧૦ લાખ ડોલરની રકમ જોઈએ. ભેગા કરવાની જવાબદારી દિનેશભાઈને શિરે આવી. પ્રોફેસરોએ યથાશક્તિ આપ્યું. આસપાસના શહેરોના ભારતીયોનો સંપર્ક સાધીને રકમ ભેગી કરી. ખૂટતી રકમ વિના વ્યાજની લોન મેળવી અને અંતે ૧૯૯૮માં મકાનનું ઉદ્ઘાટન કર્યું. અમેરિકામાં જૂજ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે આવી સવલત છે.
શિક્ષણની જ વાત કરીએ તો દિનેશભાઈએ વતનમાં પોતે જ્યાં ભણ્યા હતા તે કપડવંજની હાઈસ્કૂલમાં લેબોરેટરી ઊભી કરવા ૧૮ લાખ રૂપિયાથી વધારે રકમ તાજેતરમાં આપી છે. નડિયાદમાં ડી.ડી.આઈ.ટી. યુનિવર્સિટીમાં સતત ૧૦ વર્ષ અમેરિકાથી પોતાના ખર્ચે જઈને, રહીને નેનો ટેકનોલોજીના વિકાસ માટે કામ કર્યું છે. આ અંગે એમની રજૂઆતથી ત્યારના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ કરોડ રૂપિયાની સહાય આપેલી. જોકે, આની અગત્ય સમજવા નરેન્દ્રભાઈએ દિનેશભાઈને ઘરે આમંત્રેલા. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં તેમને દોઢ લાખ ડોલરનું દાન આપેલું. આવી જ રીતે યુનિવર્સિટીના ગેઈન્સવિલના સંકુલમાં ઈસ્કોનને વેજિટેરિયન ફૂડના વિતરણ માટે પણ તેમણે મોટી મદદ કરી હતી.
દિનેશભાઈની સેવા, વિદ્વતા અને સખાવતની વારંવાર કદર થઈ છે. ફ્લોરિડા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને એમની શૈક્ષણિક ક્ષમતાના આધારે બેસ્ટ ટીચર એવોર્ડથી બિરદાવ્યા હતા. બીએપીએસ સંસ્થાએ એમને પ્રાઈડ ઓફ ઈન્ડિયાના એવોર્ડથી નવાજ્યા તો વિશ્વ ગુર્જરીએ તેમને એવોર્ડ આપીને સન્માન્યા હતા. તેમના વતન કપડવંજે નગરના એક રસ્તાને ડો. દિનેશ શાહ માર્ગના નામાભિધાનથી તેમની સ્મૃતિને જીવંત બનાવી છે.
દિનેશભાઈ મોટા ગજાના વૈજ્ઞાનિક છે. ઉપરાંત ગુજરાતીમાં જાણીતા કવિઓમાંના એક છે. તેમનાં કાવ્યો ગેય અને હૃદયસ્પર્શી છે. ‘પરબ તારા વહેતાં પાણી’, ‘આંબે આવ્યા મહોર’, ‘તુલસીક્યારો’ અને ‘સુવર્ણસરિતા’ નામના તેમના કાવ્યસંગ્રહો સીડીરૂપ પામ્યા છે.
દિનેશભાઈની જીવનસરિતા અનેક અડચણો ઓળંગીને અખંડ વહેતી રહી છે. વિધવા માતાના આ પુત્રની શૈક્ષણિક કારકિર્દી ઝળહળતી રહી હોવાથી તેમને મુંબઈમાં જી.ટી. હોસ્ટેલમાં પ્રવેશ મળેલો. જેમાં છાત્રાલય નિવાસ, ભોજન અને કોલેજની અડધી ફી માફીનો સમાવેશ હતો. બાકીનું અડધું ખર્ચ કાઢવા ટ્યુશનની શોધમાં નીકળેલા તેમને રાષ્ટ્રવાદી અને દેશભક્ત વકીલ ભૂલાભાઈ દેસાઈનાં પુત્રવધૂ માધુરીબહેન દેસાઈનો સાથ સાંપડ્યો. બી.એસસી.માં ઝળહળતી ફતેહ પછી માધુરીબહેનના સાથથી ૧૯૬૧માં અમેરિકા આવ્યા. ભણ્યા. પીએચ.ડી. થયા અને પ્રોફેસર થઈને વૈજ્ઞાનિક તરીકે નામના પામ્યા. કવિતાઓ લખતા અને અમેરિકામાં સંગીતના કાર્યક્રમો યોજતા. માનસ માતા શાં માધુરીબહેનનું ઋણ ફેડવા સ્વરચિત કાવ્યોના સંગીતનો મુંબઈમાં પુરુષોત્તમ ઉપાધ્યાય મારફતે કાર્યક્રમ યોજ્યો. તેમાં થયેલી બે લાખ રૂપિયાની આવક માધુરીબહેનના ટ્રસ્ટમાં દાન આપી. આ પ્રસંગે ‘પરબ તારાં વહેતાં પાણી’ નામે લેખનો કાવ્યસંગ્રહ લોકાર્પણ પામ્યો. તેમના માટે માનસ માતા સ્વરૂપ માધુરીબહેન પરબ શાં હતાં.
સાયન્સ, સાહિત્ય અને સખાવતનો જીવ ડો. દિનેશ શાહ તેમનો નિવૃત્તિકાળ પ્રવૃતિથી શોભાવે છે અને ગુજરાતીઓની શોભા વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter