સાહસિક ઉદ્યોગપતિ અને સમાજસુધારકઃ બહેચરદાસ લશ્કરી (ભાગ-૨)

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Monday 02nd December 2019 07:47 EST
 
 

બહેચરદાસ લશ્કરીએ કરેલા ઠરાવો માત્ર કાગળ પર જ ન રહી જાય અને અમલી બને માટે એક કમિટી બનાવી. ઠરારનો ભંગ કરનાર પાસે ૭૦૦ રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું. પાટીદાર સમાજમાં સુધારાની જરૂરનો પાયો ઊભો કરવામાં અગાઉ પણ તેમનો સાથ હતો. મુંબઈ સરકારે ૧૮૪૮માં ન્યાયાધીશોને બાળહત્યાની તપાસનો આદેશ આપ્યો હતો. આ માટે છોકરા અને છોકરીની સંખ્યા ગણવામાં અમદાવાદના કલેક્ટરને તેમણે મદદ કરી હતી. તેમાં ૭૧,૭૪૦ છોકરા હતા અને છોકરી હતી માત્ર ૫૧,૭૦૩. જો છોકરીઓની હત્યા થતી હોય તો જ છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા દોઢી હોય એમ તારવ્યું. છોકરીઓની હત્યા રોકવા પાટીદારોના લગ્નમાં કન્યાના પિતાને બોજો ના પડે તેવા સરકારી હુકમો અને જ્ઞાતિપંચના ઠરાવોમાં તેમણે ભાગ ભજવ્યો.
બહેચરદાસ લશ્કરીની આ સેવા બદલ તેમને પાટીદાર જ્ઞાતિનાં વિવિધ જૂથોએ માનપત્ર આપીને તેમનું સન્માન કર્યું. ગાયકવાડ સરકારે શાલ અને પાઘડીના શિરપાવથી તેમને નવાજ્યા. ઉમિયા માતાજીની સંસ્થાની કમિટીએ તેમની છબીને માતાજીના ગોખમાં પધરાવીને બહુમાન કર્યું. વાઈસરોય લોર્ડ લિટને દિલ્હીમાં ભરેલા રાજ દરબારમાં તેમને આમંત્રણ આપીને ચંદ્રકથી સન્માન્યા. કડવા પાટીદાર જ્ઞાતિને સંગઠિત કરવામાં અને તેના કુરિવાજો નાબૂદ કરવામાં તેમનું અનન્ય સ્થાન છે.
ઊંઝાનું ઉમિયા માતાનું મંદિર ભારતભરમાં કડવા પાટીદારો માટે અનન્ય શ્રદ્ધા અને યાત્રાનું ધામ છે. ઉમિયા માતા કડવા પાટીદારોનાં કૂળદેવી છે. વર્ષો સુધી દર દશ કે બાર વર્ષે માતાના પૂજારીની સલાહ મુજબ સમગ્ર પાટીદારોમાં એક જ દિવસે ૪૫ દિવસથી શરૂ કરીને પરણનારની જે ઉંમર હોય તે બધાનું લગ્ન થાય. બાકી રહી જાય તેનો ફરી દશ કે બાર વર્ષે પૂજારી ઊમિયા માતાના નામે આદેશ આપે ત્યારે ગોઠવાતાં સમૂહ લગ્નમાં જ વારો આવે. આથી લોકો નાની ઉંમરે લગ્ન પતાવી દેતા. આ કુરિવાજની નાબૂદીમાં બહેચરદાસ લશ્કરીનું મહત્ત્વનું પ્રદાન છે.
ઉમિયા માતાનું મંદિર અનેક સાધન અને સવલતથી સજ્જ છે. હવે તો ઉમિયા માતાનો રથ પરદેશમાં ય ફરી વળ્યો છે. અમેરિકામાં ય મંદિર છે. ઉમિયા માતાજીનું મોટું મંદિર બંધાવવામાં અને તેનું સુંદર વહિવટી માળખું ગોઠવવામાં બહેચરદાસ લશ્કરીની આગેવાની હતી.
બહેચરદાસ લશ્કરી તે જમાનામાં કડવા પાટીદારોના અજોડ દાતા હતા. અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં બહેચરદાસ લશ્કરી હોસ્પિટલ હજીય ચાલે છે. ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. છોકરાઓના ભણતરનું ય ઠેકાણું ન હતું ત્યારે ૧૮૭૧માં બહેચરદાસ લશ્કરીએ મહાલક્ષ્મી નામની તેમની પુત્રીના નામે મહાલક્ષ્મી મહિલા કોલેજ કરી. જેમાં મહિલાઓને પ્રાથમિક શિક્ષક બનવાની તાલીમ મળતી. ગુજરાતમાં મહિલાઓની માટેની એ પ્રથમ કોલેજ હતી.
બહેચરદાસ સુંદર પિયાનોવાદક હતા. ભજનો ગાવાના શોખીન હતા. ઉમિયા માતાજીના અને શિવના ભક્ત હતા. રોજ શિવસ્તુતિ કરતા. તેમણે ઘણાં મંદિરો બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યો. રાયખડમાં દૂલેશ્વર મહાદેવનું મંદિર કર્યું. શાહપુરમાં લક્ષ્મીનારાયણ મંદિર કર્યું. બહેચરદાસ લશ્કરીની હવેલીમાં મહાદેવનું મંદિર કર્યું. પાંચાભાઈ પોળ, કડવા પોળ, જેઠા ભગતની પોળ, જાદા ભગતની પોળ એવી અમદાવાદની પોળોમાં જ્યાં યજ્ઞ થતાં ત્યાં એમનું મુખ્ય યજમાન તરીકે બેસાડીને સન્માન થતું.
બહેચરદાસની હવેલીનો વૈભવ રજવાડા જેવો હતો. હવેલીના રક્ષણ માટે ચાર પોલીસ રહેતા. ઘોડા, રથ, ઘોડાગાડી, પાલખી વગેરે રાખતા. રજવાડી ઠાઠમાઠમાં બહેચરદાસ જીવતા. આમ છતાં તેઓ વ્યસન વિનાના હતા. સરકારે એમની સેવાઓની કદર કરીને ૧૮૬૨માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય નીમ્યા તે પદે ૨૭ વર્ષ રહ્યા. ઈ.સ. ૧૮૬૬માં તેઓ લોકલ ફંડ કમિટીના સભ્યપદે નિમાયા અને ૧૮૬૮માં માનદ્ મેજિસ્ટ્રેટ બન્યા. બહેચરદાસ બે સદી પહેલાં સુધારાના ઝંડાધારી હતા. ગુજરાતના એ આગેવાન સાધુચરિત નેતા હતા. ૧૮૮૯માં તેમનું અવસાન થયું. (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter