સિદ્ધિનું રહસ્ય માલ અને માનવીની પરખઃ હર્ષ મહેતા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 14th September 2019 06:17 EDT
 
 

યુરો સ્ટાર નામની હીરા વ્યવસાયની આંતરરાષ્ટ્રીય કંપની. મુંબઈ, એન્ટવર્પ, હોંગ કોંગ અને દુબઈમાં એમની ઓફિસો, રશિયા, ચીન, મુંબઈ, બોત્સવાના અને કોઈમ્બતુરમાં એની ફેક્ટરીઓ. આમાંય એન્ટવર્પ તો વિશ્વના હીરા વ્યવસાયનું પાટનગર. ન્યૂ યોર્કની શાખાના વાઈસ પ્રેસિડેન્ટ હર્ષ મહેતા. હજી જીવનના માંડ સાડા ચાર દસકા વટાવેલા નવયુવક હર્ષ મહેતાને પૂછ્યું, ‘આવડી મોટી મલ્ટિનેશનલ કંપનીના તમે વાઈસ પ્રેસિડેન્ટ થયા, આ સિદ્ધિનું રહસ્ય શું?’

હર્ષ કહે, ‘ધંધા અને ઉત્પાદનનું બધું જ જ્ઞાન કોઈ એક વ્યક્તિ પાસે ના હોઈ શકે. દરેક પાસે એનું અંશતઃ જ્ઞાન હોય. જેની પાસે જે જ્ઞાન હોય એની કિંમત આપીને ઉપયોગમાં લેવાની આવડત એ જ સિદ્ધિનું રહસ્ય છે. સારી રસોઈ જમવા માટે દરેકે રસોઈ કરતાં શીખવાની જરૂર નથી. સારા રસોઈયાને એને સંતોષ થાય એવા પગારે રાખો તો સારી રસોઈ મળે. કંપનીમાં પણ એવું જ છે, જેની પાસે જે આવડત હોય તે પારખો. આ પરખ પછી એની યોગ્ય કિંમત આપીને આવડત ખરીદો તો બધું જ સારું થાય.’
હર્ષની પાસે જવાબદારી છે. છતાં આ જવાબદારીએ એની સ્વસ્થતા હરી લીધી નથી. કોઈ વડીલનો ફોન આવે તો વાત ટૂંકાવ્યા વિના નમ્રતાથી જવાબ આપે છે.
પાલનપુરના મૂળ વતની, મુંબઈમાં જન્મેલા જતીન મહેતા એ હર્ષના પિતા. કેમિકલ ગ્રેજ્યુએટ જતીનભાઈ મુંબઈમાં વ્યવસાય કરે. મા રૂપાબહેનના પિતા મ્યાન્મારમાં ઝવેરાતના વેપારી. રૂપાબહેનના પિયર પક્ષે પણ હીરાનો વેપાર. જતીનભાઈ શરૂમાં સુરતમાં અને પછી મુંબઈમાં સ્થાયી થયા. તેથી હર્ષનો ઉછેર બંને સ્થળે. ૧૯૯૩માં હર્ષે મુંબઈમાં મામા સાથે હીરાના વ્યવસાયમાં કામ શરૂ કર્યું. મામા સાથે રહીને હીરાની પરખ આવી. માણસો સાથે કામ લેવાની આવડત અને લે-વેચમાં ફાવટ આવી. ધંધાના સંચાલનમાં સૂઝ આવી. મામા - ભાણાને બરાબર મેળ હતો. મામા સાથે આઠ વર્ષ કાઢ્યાં.
હર્ષનું લગ્ન થતાં મામા સસરા પંકજભાઈ મહેતાએ હર્ષનું નૂર પારખ્યું. યુરો સ્ટાર નામની ડાયમંડના વ્યવસાયમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય કંપનીના એ માલિક. કંપનીની ન્યૂ યોર્કમાં નવી શાખા શરૂ કરવાની હતી. તેમણે હર્ષને એ જવાબદારી લેવા અને કંપની જોડાવા સૂચવ્યું. હર્ષે નવી દિશા અને સ્વતંત્ર વ્યવસાયના સંચાલનમાં જવાનું અને અમેરિકા વસવાનું સ્વીકાર્યું.
હર્ષ પોતાની સફળતાના એક કારણ તરીકે તેણે ન્યૂ યોર્ક આવવા લીધેલા નિર્ણયને ગણાવે છે. કહે છે કે સમગ્ર વિશ્વના આર્થિક પાટનગર શા ન્યૂ યોર્કમાં અમારી મલ્ટીનેશનલ કંપનીની શાખા હોય ત્યારે આ શાખાના વડા તરીકે દુનિયાના બીજા દેશોમાં આવેલી અમારી શાખાઓની તુલનામાં અહીંનું કામ ઓછું ના દેખાય માટે સતત જાગૃત રહેવું પડે અને માનસિક દબાણમાં રહીને કામ કરવું પડે છે.
હર્ષે અમેરિકાનાં જુદાં જુદાં નગરોમાં આવેલા એમના રિટેલરોને મળવા પ્રવાસ કરવો પડે છે. માલ ખરીદવા દર માસે એન્ટવર્પ કે મુંબઈ જવું પડે છે. આમ સતત ફરતા રહેવું પડે છે.
હર્ષની ચબરાકી, નમ્રતા અને માણસની પરખ કરવાની શક્તિને લીધે યુરો સ્ટાર કંપનીએ ન્યૂ યોર્કના હીરાબજારમાં નામના મેળવી છે.
સદા હસતા અને જાગૃત રહીને કામ કરતા અને માલ અને માણસની પરખ કરી જાણતા યુવકો જ ભારતની પ્રગતિમાં પાયારૂપ બનીને ભારતનું નામ ઉજાળશે એવું હર્ષ સાથેની મુલાકાતે અનુભવ્યું!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter