સિવિલ સર્વીસીસમાં ડાયસ્પોરા મહિલાઓ ક્યાં?

રુચિ ઘનશ્યામ Tuesday 27th June 2023 10:29 EDT
 
ઓક્સફર્ડ યુનિયનમાં પેનલચર્ચા
 

હું જ્યારે 1982માં ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS)માં જોડાઈ ત્યારે રાજનીતિ ક્ષેત્રમાં મોટા ભાગે પુરુષોનું જ વર્ચસ્વ હતું. IFSમાં સૌપ્રથમ મહિલા મિસિસ મુથામ્માએ પુરુષો માટેના વિશિષ્ઠ પ્રોફેશનમાં જે સંઘર્ષ કર્યો તેનાથી ભારતમાં અન્ય સ્ત્રીઓ માટે આ ક્ષેત્રમાં પ્રવેશના અવરોધો થોડા દૂર થયા હતા. હું IFSમાં જોડાઈ ત્યારે પણ સમજણશક્તિ સંબંધિત પડકારો યથાવત્ જ હતા. આ સેવામાં મહિલાઓને અને ખાસ કરીને વિદેશમાં પોસ્ટિંગ આપવામાં તરફેણ કરીને રચનાત્મક ભેદભાવ કરાતો હોવાની ફરિયાદો પુરુષ સહકર્મીઓ દ્વારા કરાતી હોવાનું પણ મેં કદી સાંભળ્યું હતું. પોતાનું સ્વાભિમાન જાળવી રાખવાનો સૌથી સારો માર્ગ જાતિના સંબંધે કોઈની તરફેણ ન માગવી કે તેની અપેક્ષા નહિ રાખવાનો જ છે. મેં મારી જાતને સૌપ્રથમ અને મુખ્યત્વે પ્રોફેશનલ તરીકે વિચારવામાં તાલીમબદ્ધ કરી હતી.

હવે IFSમાં મહિલાઓના 26.5 ટકા હિસ્સા સાથે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. વર્ષ 2021માં IFSમાં આશરે 43 ટકા મહિલાએ પ્રવેશ મેળવ્યો હતો. મહિલાઓએ હેડક્વાર્ટર્સમાં લગભગ દર સ્તરે કામગીરી બજાવી છે અને સૌથી શક્તિશાળી અને મહત્ત્વપૂર્ણ તેમજ સંઘર્ષરત દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્તમાનમાં 23 મહિલા ભારતના મિશન્સ અને પોસ્ટ્સમાં નેતૃત્વ સંભાળે છે. ભારતમાં આ વર્ષે સિવિલ સર્વિસીસમાં પ્રવેશ મેળવવામાં એક તૃતીઆંશ હિસ્સો મહિલાઓનો છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, આ વર્ષે મહિલાઓએ 4 ટોપ રેન્ક હાંસલ કરવા ઉપરાંત, ટોપ 25 ઉમેદવારમાંથી 14 ઉમેદવાર મહિલા છે. મહિલા ઉમેદવારે ટોપ 3 પોઝિશન હાંસલ કરી હોય તેવું આ સતત બીજું વર્ષ છે.

યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે મારી પોસ્ટિંગ થઈ ત્યારે છ દાયકાના ગાળામાં આ જોબ મહિલાને મળવા બાબતે ભારે રોમાંચ છવાયો હતો. જોકે, આ સન્માનથી હું સ્થિતપ્રજ્ઞ જ રહી હતી કારણકે હું મારી જાતને પ્રોફેશનલ ડિપ્લોમેટ જ માનું છું! એક દિવસ ભારતીય ડાયસ્પોરામાંથી ઉચ્ચ સિદ્ધિપ્રાપ્ત પ્રોફેશનલ્સનું ડેલીગેશન મળવા આવ્યું હતું જેમાંથી એક મહિલા અતિ સફળ વ્યક્તિ હતી. તેમણે ભારતની મહિલા હાઈ કમિશનરની પોઝિટિવ અસરનો ઉલ્લેખ કર્યો હતો. મેં તેમને ઠાવકાઈથી કહી દીધું કે,‘હું મારી જાતને સૌપ્રથમ અને મુખ્યત્વે પ્રોફેશનલ તરીકે જ લેખું છું.’ તેમણે મને મહત્ત્વ દર્શાવતાં સ્પષ્ટ કર્યું કે સારા હોદ્દા પરની મહિલા ડાયસ્પોરાની અન્ય મહિલાઓ માટે રોલ મોડેલ રહે છે. હું હંમેશાં યુવા મહિલાઓની માર્ગદર્શક બની રહેવા પ્રયાસ કરું છું.

આ વર્ષે જૂનની શરૂઆતમાં ઓક્સફર્ડ યુનિયન દ્વારા ‘ઈથેનિક માઈનોરિટી વિમેન ઈન ફોરેન સર્વિસ’ વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી. મને આમંત્રણ મળ્યું ત્યારે હું જરા મૂંઝવણમાં હતી. મેં વિચાર્યું કે,‘મારાં દેશમાં હું વંશીય લઘુમતી મહિલા નથી; ભારતમાં આવાં કોઈ ભેદભાવ નથી.’ પરંતુ, ઈવેન્ટ આયોજક અને ગ્લોબલ એફેર્સની અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ મિશા મિઆને સ્પષ્ટતા કરી કે યુકેમાં અને તે અગાઉ સાઉથ આફ્રિકામાં ઈથેનિક માઈનોરિટીમાં ગણાતા ડાયસ્પોરા સાથે મારી કામગીરી વિશે મારાં દૃષ્ટિકોણ રજૂ કરવાનાં હતાં. આ પેનલચર્ચામાં મારી સાથે ચાર અસામાન્ય મહિલાઓ હતી જેમાં યુકેમાં કાર્યરત બાંગલાદેશના હાઈકમિશનર સઈદા મુના તસનીમ અને ક્યુબન એમ્બેસેડર બાર્બરા મોન્ટાલ્વો અલ્વારેઝ તેમજ નાઈજરમાં પૂર્વ યુએસ એમ્બેસેડર બિસા વિલિયમ્સ અને મોઝામ્બિકમાં પૂર્વ યુકે હાઈ કમિશનર મ્નેન્ને ઈવુજી-એમેનો સમાવેશ થયો હતો. તેમણે પોતાના દેશોમાં વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બધાએ પોતાની સામેના પડકારોની વાત કરી યુવા મહિલાઓ અને ખાસ કરીને વંશીય લઘુમતી મહિલાઓને નિર્ભયપણે તેમની કારકિર્દીના વિકલ્પોની પસંદગી કરવાં પ્રોત્સાહિત કરી હતી.

ઈન્ડિયન ફોરેન સર્વિસમાં મારાં 38 વર્ષના ગાળામાં મેં ઘણા દેશોમાં સેવા આપી છે. ખાસ કરીને ન્યૂ યોર્કમાં યુનાઈટેડ નેશન્સના ભારતીય મિશનમાં લગભગ ચાર વર્ષની કામગીરી દરમિયાન સહિત લગભગ દરેક દેશના રાજદ્વારીઓ સાથે સંપર્ક થયો છે. આ બધા વર્ષોમાં હું પોતાના દેશની વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ કરતી ગણીગાંઠી મહિલાઓને મળી છું. હું સૌપહેલા ગઈ તે અકારા, ઘાનામાં યુનાઈટેડ સ્ટેટ્સની પ્રતિનિધિ અશ્વેત મહિલા રાજદ્વારીઓ, યુએસ એમ્બેસેડર અને તેમના ડેપ્યુટી, બંને અશ્વેત મહિલા હતી. બેલ્જિયન ફોરેન સર્વિસમાં કાર્યરત ભારતીય મૂળની મહિલાને હું જાણું છું જેમણે મુંબઈમાં બેલ્જિયન કોન્સ્યુલેટમાં સેવા આપી અને કેમેરૂનમાં પોસ્ટિંગ પછી હાલ ઈસ્તંબુલમાં સેવારત છે. સાઉથ આફ્રિકન ફોરેન સર્વિસમાં પાકિસ્તાની ડાયસ્પોરાની મહિલાને પણ જાણું છું. આ થોડાં ઉદાહરણ સિવાય ફોરેન સર્વિસમાં વંશીય લઘુમતીની અન્ય મહિલાઓ મને યાદ આવતી નથી. મેં હાલમાં જ સાંભળ્યું છે કે પાકિસ્તાની મૂળની એક મહિલા યુકે ફોરેન સર્વિસમાં જોડાઈ છે. ભારતીય મૂળના પુરુષ રાજદ્વારીઓ વિશે હું જાણું છું પરંતુ, ભારતીય મૂળની કોઈ મહિલા યુકે ફોરેન સર્વિસમાં હોય તે યાદ આવતું નથી.

યુકેમાં ઘણા વ્યવસાયોમાં સાઉથ એશિયન ડાયસ્પોરાની મહિલાઓ નજરે તરી આવે છે. તેમણે યુકેમાં પાર્લામેન્ટના સભ્ય સહિત યુકેના રાજકારણમાં વિવિધ સ્તરે મિનિસ્ટર્સ અને રાજકીય નેતાઓ તરીકે અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડોક્ટર્સ, નર્સીસ, ટીચર્સ, પ્રોફેસર્સ, જર્નાલિસ્ટ્સ, એન્જિનીઅર્સ. સંશોધકો, બેન્કર્સ.. કોઈ પણ વ્યવસાય વિશે વિચારો અને આપણને તેમાં ડાયસ્પોરાની મહિલાની યાદ આવશે. આમાં ફોરેન સર્વિસ સહિત સિવિલ સર્વિસીસ જરા અપવાદ દેખાય છે. ડાયસ્પોરામાંથી પ્રતિભાશાળી યુવતીઓ આ ક્ષેત્રમાં પણ પોતાની ઉપસ્થિતિની નોંધ લેવડાવે તેનો સમય આવી ગયો છે. આ સંદર્ભે મને ડાયસ્પોરાની યુવાન મહિલાઓને માર્ગદર્શન આપવાના બેરોનેસ સેન્ડી વર્માના પ્રયાસની પણ યાદ આવે છે જેઓ આ પ્રયાસના ભાગરૂપે ડાયસ્પોરા મહિલાઓનું મોટું ગ્રૂપ લઈને હાઈ કમિશનમાં આવ્યા હતાં.

લંડનમાં હાઈ કમિશનર તરીકે મેં ગ્રાન્ટ થોર્ન્ટનને યુકેમાં ભારતીય ડાયસ્પોરાની અસરનો અભ્યાસ કરવા વિનંતી કરી હતી. FICCI સાથે તેમના પ્રયાસો થકી ‘ડાયસ્પોરા ઈફેક્ટ’ રિપોર્ટમાં યુકેમાં ડાયસ્પોરાના યોગદાન વિશે આશ્ચર્યજનક હકીકતો જાણવા મળી હતી. લોન્ચિંગ વેળાએ બેરોનેસ ઉષા પ્રશારે જણાવ્યું તેમ સંખ્યાબંધ ભારતીય કંપનીઓના બોર્ડ્સમાં મહિલા ડાયરેક્ટર્સ છે.

હવે ડાયસ્પોરા મહિલાઓનાં યોગદાનના અભ્યાસનો સમય પાકી ગયો છે. કોઈ આગળ આવશે?

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter