સુખ દુઃખ મનમાં ન આણીએ...

સી. બી. પટેલ Tuesday 07th January 2020 07:54 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, હવે આપણે એકવીસમી સદીના ત્રીજા દસકામાં પ્રવેશ્યા છીએ અને તેના પ્રથમ અંકમાં આપ સૌને ફરી એક વખત નૂતન વર્ષાભિનંદન અને હાર્દિક શુભકામનાઓ... પશ્ચિમી સમાજમાં વર્ષાંત સાથે સંકળાયેલી એક વણલીખી પરંપરા છે. જેમાં નૂતન વર્ષારંભે વીતેલા વર્ષના અને વીતેલા દાયકાને નજરમાં રાખીને ભાવિ વહેણ કેવા રહેશે તેની સંભાવનાઓ દર્શાવતા સંશોધનાત્મક અહેવાલો પ્રકાશિત થાય છે. સર્વાંગી દૃષ્ટિએ જોઇએ તો, ૨૦૨૦થી શરૂ થયેલો દસકો સમગ્રતયા વધુ આશાસ્પદ હોવાનું સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ અને રાજકીય બાબતોના વિશ્લેષકોનું માનવું છે. આ તો વાત થઇ સમસ્ત વિશ્વના પરિપ્રેક્ષ્યમાં... પરંતુ વ્યક્તિગત મામલે કેવી સ્થિતિ હોય શકે છે? આપણે જરા વધુ ધ્યાનથી વિચારીએ...
વિધવિધ ક્ષેત્રે ઊંડાણપૂર્વક સંશોધન કરતી રહેતી અમેરિકાની અગ્રણી કંપની પ્યૂ રિસર્ચે અસંખ્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરીને, ચર્ચાયેલા મુદ્દાઓ પર ઊંડું મનોમંથન કરીને તારવ્યું છે કે વિશ્વમાં માનવમાત્રને મુખ્યત્વે ત્રણ પ્રકારની સમસ્યા મૂંઝવતી હોય છે. કઇ સમસ્યા? સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંતાન. આમ જોઇએ તો, માનવમાત્રને એક યા બીજા મુદ્દે અવનવા સંશય, દ્વિધા કે અવઢવ રહેતા હોય છે, સતાવતા જ હોય છે. આમાંથી કોઇ કરતાં કોઇ બાકાત હોતું નથી. અને આમાં કંઇ નવું પણ નથી. આદિકાળથી આમ થતું રહ્યું છે, અને ભવિષ્યમાં પણ બનતું જ રહેવાનું છે કારણ કે મનુષ્યનો આ સ્વભાવ છે. પરંતુ આમાંથી માર્ગ કેમ કાઢવો તે વ્યક્તિની સમજદારી પર નિર્ભર કરે છે. પ્યૂ રિસર્ચે તારવેલી - માનવમાત્રને કનડતી - ત્રણ સમસ્યાઓ પૈકી આજે આપણે સ્વાસ્થ્ય બાબતે વિચારવિનિમય કરીએ.
ચાલોને, મારી જ વાત કરું... મારે સદાબહાર સ્વસ્થ દીર્ઘાયુ ભોગવવું છે. લાબું જીવવા, તંદુરસ્તી સારી રાખવા, સક્રિય રહેવા અને મારું આ લક્ષ્ય સિદ્ધ કરવા હું આહારવિહારની પૂરતી કાળજી લઉં છું અને વૈચારિક રીતે સદા જાગ્રત રહું છું. જોકે ૧૦-૧૨ દિવસની આ રજાઓમાં એક ઘટના એવી બની ગઇ કે તેણે મને મારા આરોગ્ય પ્રત્યે વધુ સભાન કર્યો. રજાના દિવસોમાં - જો કોઇ કાર્યક્રમમાં હાજરી આપવાની ન હોય તો - સામાન્યતઃ હું ઘરે જ રહું છું અને આ દરમિયાન ઘરનો સાદો, પરંતુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ આહાર લેવાનું પસંદ કરું છું. જોકે નવા વર્ષના આ વેકેશનમાં મારે ત્રણેક વખત બહાર જમવાનું બન્યું. એક વેળા ન્યૂ યર પાર્ટીમાં ઉપસ્થિત રહેવાનું હતું તો વળી એક વખત સ્વજનો સાથે રેસ્ટોરાંમાં જમવા જવાનું હતું. મારી ભોજનશૈલી સાદગીભરી છે એટલે સ્વાભાવિકપણે જ હોજરી તે પ્રકારની ખાણીપીણી પચાવવા ટેવાઇ ગઇ હોયને?! આમાં તમે હોજરીને તીખા-તમતમતા અને તળેલાં વ્યંજન પચાવવાનું અતિશય કામ સોંપો તો ગરબડ થાય તેમાં નવાઇ શી? સાંજે ભોજન બહુ તીખું લાગ્યું, એટલે ઓછું જમ્યો. વિચાર્યું કે થોડુંક પછી જમી લઇશ, અને આમાં કંઇ નવું પણ નહોતું. ક્યારેક ક્યાંક ભોજન માફક આવે તેવું ન હોય ત્યારે હું આવું કરતો જ હોઉં છું. પરંતુ આ વખતે એ વાત ધ્યાન બહાર રહી કે ઇન્સ્યુલિન લઇ લીધું છે, અને ઇન્સ્યુલિન લીધું હોવાથી પૂરતી માત્રામાં ભોજન લેવું જરૂરી હતું.
થોડાક કલાક પછી શરીરે તકલીફના સંકેત આપવાનું શરૂ કર્યું. પેટમાં કંઇક ચૂંકાતું હોય તેવું લાગે, અશક્તિ વર્તાય, ઊંઘ ન આવે, વિચારવાયુએ મન પર કબ્જો જમાવ્યો. એક તબક્કે તો થોડીક ક્ષણો માટે જાણે એમ જ લાગ્યું કે જીવનની અંતિમ પળો તરફ ધસી રહ્યો છું. પરંતુ મનને સાબદું કર્યું. દિમાગને થોડુંક કષ્ટ આપ્યું તો સમજાયું કે ઇન્સ્યુલિનના મામલે મેં લોચો માર્યો છે. તેના ડોઝના પ્રમાણમાં અપૂરતું ભોજન કર્યું હોવાથી શરીર ‘ફરિયાદ’ કરી રહ્યું છે. પહેલાં થોડુંક ઠંડુ પાણી પીધું, પછી ગરમ પાણી પીધું. થોડાક સમયમાં પાચનતંત્ર નરવું થઇ ગયું. શરીરનું તંત્ર પૂર્વવત કામ કરતું થઇ ગયું. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા કે બધું સરખું થઇ ગયું. બહુ શાતા અનુભવી.
આ પછી આરામની પળો દરમિયાન સહજપણે જ મનમાં પ્રશ્ન ઝબકી ગયોઃ આખરે આ શરીર છે શું? અને જવાબમાં જે માહિતી મળી તે અહીં આપ સહુ સમક્ષ સાદર કરી રહ્યો છું. આ તમામ માહિતી એકદમ વિશ્વાસપાત્ર અને જવાબદાર અહેવાલોમાં પ્રકાશિત થઇ છે અને તેમાંથી આપને ઉપયોગી જાણકારી તારવી છે, એટલે તેની પ્રમાણભૂતતા અંગે રતિભાર પણ શંકાને સ્થાન નથી.
માનવશરીર એક અદ્ભૂત યંત્ર છે. તેમાં ૩૭ ટ્રિલિયન સેલ્સ (હા.. પૂરા ૩૭,૦૦૦,૦૦૦,૦૦૦ કોષ) આવેલા છે. એટલું જ નહીં, આ દરેક કોષ પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. તે દરેકની કામગીરી સ્વતંત્ર છે. આ કોષનો ના તો કોઇ વડો છે કે અને ના તો કોઇ ઇન્ચાર્જ. આ દરેક સેલને જગતનિયંતાએ પોતિકી આગવી રીતે પ્રોગ્રામ કરેલા છે. દરેક પોતપોતાનું કાર્ય કર્યે જાય છે.
આ ઉપરાંત પ્રત્યેક શરીરમાં ૬૦૦ સ્નાયુઓ હોય છે. જો તમે ખુરશીમાં બેઠા હો અને તેમાંથી ઉભા થાવ છો તો તે વેળા ૧૦૦ સ્નાયુઓનું સંયોજન કાર્યરત બનતું હોય છે. આ બધા સ્નાયુઓ સાથે મળીને કામ કરે છે ત્યારે ખુરશીમાંથી ઉભા થવાનું શક્ય બનતું હોય છે.
આવા અદભૂત માનવયંત્રની રચના ભલે અત્યંત જટિલ હોય, પરંતુ તેને સદાબહાર સ્વસ્થ રાખવાનું જરા પણ મુશ્કેલ નથી. થોડીક બાબતોની કાળજી લઇને આપણે તન-મનને નિરામય રાખી શકીએ. અહીં આવા જ કેટલાક મુદ્દા ટાંક્યા છે.
• સામાન્ય રીતે તબિયત સારી રાખવા માટે પ્રત્યેક વ્યક્તિએ પ્રતિ દિન અઢી કલાકની શારીરિક સક્રિયતા દાખવવી જરૂરી છે. આમાં ઉભા રહેવાથી માંડીને ચાલવા કે દોડવા સહિતનું હલનચલન આવી ગયું.
• સારા આરોગ્ય માટે કંઇ દરરોજ જીમમાં જઇને કસરત કરવાની જરૂર નથી. જો મસ્તકથી માંડીને બીજા બધા અવયવોને સારી રીતે વપરાશમાં લેવાય તો તે આરોગ્ય માટે અત્યંત લાભકારક છે. માણસના શરીરમાં રહેલા ૩૭ ટ્રિલિયન કોષમાંથી મસ્તિષ્કમાં રહેલા ગ્રે મેટરનું સરેરાશ વજન ૩ પાઉન્ડ હોય છે. કુદરતે આપણા શરીરની જે રચના કરી છે તેનો ‘કન્ટ્રોલ રૂમ’ મગજમાં મૂક્યો છે. આથી જ તમે - હકારાત્મક કે નકારાત્મક - જેવું વિચારો છો લગભગ તેવો જ પ્રતિસાદ તમારું શરીર આપે છે. આરોગ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને આયુર્વેદ પણ આ વાત કહે છે. મતલબ કે વૈજ્ઞાનિક તથ્યોના આધારે આ બાબત પુરવાર થઇ ચૂકી છે.
વાચક મિત્રો, આજે મારું આરોગ્ય હેમખેમ હોય તો તેમાં કંઇ કેટલાયનું યોગદાન છે, તેમના સહયોગ થકી જ આ બંદો આજે પણ ટનાટન સ્વાસ્થ્ય ધરાવે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. મારા પરિવારજનો, મારા સાથીઓ, મારા મિત્રોનો સાથ-સહકાર આજની સ્થિતિએ પહોંચવામાં મને વિવિધ પ્રકારે ઉપકારક બન્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, જેમાં સ્થિતપ્રજ્ઞ માણસના લક્ષણો જણાવાયા છે. હું પણ કંઇક આવું જ જીવન જીવવા પ્રયાસ કરું છું. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શ્લોક છેઃ
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:
વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરુચ્યતે
કિશોરલાલ મશરૂવાલા આ શ્લોકનો ભાવાર્થ કરતાં લખે છે - દુઃખોથી જે દુઃખી ન થાય, સુખોની જે નિરર્થક ઇચ્છા ન રાખે
અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.
આ શ્લોક આપણને માર્ગ ચીંધે છે કે મારે - તમારે - આપણે કેવું જીવન વ્યતીત કરવું જોઇએ. આપણે આ શ્લોક પ્રમાણે તો જીવન ના જીવી શકીએ, પણ તેના અમુક અંશો તો આપણા જીવનમાં અપનાવી શકીએને? આપણે ક્યા પ્રકારે જીવવું જોઇએ, કેવી રીતે વિચારવું જોઇએ, કેવી રીતે ૩૭ ટ્રિલિયન સેલ્સને અને મનોમસ્તિષ્કમાં ગોઠવાયેલા ગ્રે મેટરને હેમખેમ રાખવા જોઇએ તેની કેટલીક સાદી સમજ આ સાથે રજૂ કરી રહ્યો છું. આશા છે કે આપ સહુને અને આપના સ્વજનોને તે ઉપયોગી સાબિત થશે.
• વ્યસન પર નિયંત્રણઃ સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંતાન - સર્વજન હિતાય આવશ્યક હોવા છતાં આ ત્રણેય પરિબળો ઓછાવત્તા અંશે, વહેલા કે મોડા સર્વજન માટે સંતાપકારી પણ બની શકે છે. પરંતુ જે વ્યક્તિનું મન સકારાત્મક હોય, મજબૂત હોય અને જેનું જીવન વિજ્ઞાનની વાટે પ્રયાણ કરવા માટે પ્રેરિત હોય તે કેટલીય બાબતમાં જો સાચવી લે તો માનવયંત્ર દીર્ઘકાલીન સંતોષકારક ઉપયોગી બની શકે. જેમ કે, કોઇ વ્યક્તિને સ્મોકિંગ - આલ્કોહોલ જેવી ચીજવસ્તુઓનું વ્યસન હોય તો ઘણી વખત - મક્કમ મનોબળના અભાવે - તેને સાવ જ છોડવું અઘરું બની જતું હોય છે. આ સંજોગોમાં વ્યક્તિ આવી ચીજવસ્તુઓના વપરાશ પર મર્યાદા લાદીને તેનાથી શરીરને થનારા નુકસાનને અમુક હદે તો અટકાવી જ શકે છે.
• ક્રોધ-આક્રોશ-બદલાની ભાવનાથી બચોઃ વ્યક્તિને તેનો કોઇ દુશ્મન કે પ્રતિસ્પર્ધી જેટલું નુકસાન પહોંચાડી શકે તેનાથી પણ વધુ નુકસાન આ નકારાત્મક લાગણીઓ પહોંચાડતી હોય છે. ક્રોધ, આક્રોશ, ઇર્ષ્યા, દ્વેષ, વેરઝેર કે બદલાની ભાવના એવા પરિબળો છે જે આપણી ઇશ્વરદત્ત શક્તિઓને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આથી જ શક્ય હોય ત્યાં સુધી આવી નકારાત્મક લાગણી ટાળવા પ્રયાસ કરો.
• સ્પર્ધા, દેખાદેખી ટાળોઃ ક્ષેત્ર કોઇ પણ હોય, રચનાત્મક સ્પર્ધા આવકાર્ય છે. કહો કે વ્યક્તિગત પ્રગતિ માટે પણ સ્પર્ધા આવશ્યક છે, પરંતુ આ સ્પર્ધા ઇર્ષ્યા કે દેખાદેખીમાંથી નીપજેલી તો ના જ હોવી જોઇએ. પેલો કે પેલી મારાથી આગળ કેમ છે? તેને તો હવે કોઇ પણ ભોગે પાછળ પાડ્યે જ છૂટકો... મેં તેને આટલી મદદ કરી અને તે મારા ઉપકારનો બદલો અપકારથી આપી રહ્યો છે?! આવો સ્વાર્થ? હવે તો તેને પાઠ ભણાવવો જ પડશે... આ પ્રકારની માનસિક્તા આપણા તન અને મન બન્ને માટે નુકસાનકારક છે. જ્યારે મનમાં આ ભાવ પ્રવેશે છે ત્યારે વ્યક્તિની વિચારસરણી કુંઠિત થઇ જાય છે. આવા અભિગમથી વ્યક્તિ જે તે ક્ષેત્રે સ્પર્ધકથી ભલે આગળ નીકળી જાય, પરંતુ તેનો સર્વગ્રાહી વિકાસ રુંધાઇ જતો હોય છે.
તમે બીજાને સ્વાર્થી ગણાવો છો, પણ ક્યારેક તમારી જાતને સવાલ પૂછજોઃ શું હું સ્વાર્થી નથી? ફલાણી કે ઢીંકણી વ્યક્તિ સ્વાર્થી કે મતલબી છે તેમ માની લેવાને બદલે એમ વિચારવું રહ્યું કે દરેકને પોતાની પ્રાથમિક્તા હોય છે અને દરેક તે અનુસાર કામ કરતું હોય છે.
• મન ચંગા તો...ઃ વાચક મિત્રો, મન ચંગા તો કથરોટ મેં ગંગા... આ જાણીતી ઉક્તિને ખરા અર્થમાં જીવનમાં અપનાવી લેવા જેવી છે. આપણા સમગ્ર માનવશરીરની ચેતનાનો આધાર ૩૭ ટ્રિલિયન સેલ્સમાં સચવાયેલો છે તે સાચું, અને તે પણ એટલું જ સાચું કે આ તમામ સેલની કામગીરી આગવી અને સ્વયંસંચાલિત છે, પરંતુ આ સેલ્સની ગતિ - સ્થિતિનો આધાર આપણી મનોસ્થિતિમાં સચવાયેલો છે તે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું. આપણા શાસ્ત્રો કહે છે કે જેવું કરશો તેવું પામશો, પરંતુ શરીરવિજ્ઞાનના નિષ્ણાતો કહે છે કે જેવું વિચારશો તેવું પામશો. તમારી વિચારસરણી હકારાત્મક હશે તો શરીર પર તેની સારી અસર જોવા મળશે, અને જો નકારાત્મક વિચારસરણીમાં રચ્યાપચ્યા રહેતા હશો તો તેની ખરાબ અસર પણ શરીર પર પડ્યા વગર નથી જ રહેવાની.
• મનને દુભાવો નહીંઃ નકારાત્મક વિચારસરણી અને તેના પરિણામે નીપજતા વિચારવાયુના લીધે કેટલાક વ્યક્તિ વારંવાર કે હંમેશા દુભાતી હોય છે અથવા તો અઘટિત ચિંતા કે તણાવગ્રસ્ત રહેતી હોય છે. પોતાને કે અન્યોને દોષ દેવામાં તે વધુ પ્રવૃત્ત બને છે. આયુર્વેદની સુચના છે કે આ પ્રકારે મનને દુભાવવું, અંદરથી બળતા રહેવું તે આપણા શરીરમાં રહેલા અબજો કોષોને નિષ્પ્રાણ કરી નાંખે છે.
જીવનમાં સુખ આવે કે દુઃખ, તેને અપનાવતા શીખીએ. સમય-સંજોગને પચાવતા શીખો. આજે સુખ હશે તો તે પણ કાયમ રહેવાનું નથી, અને આજે દુઃખના ડુંગર તૂટી પડ્યા હશે તો તે પણ કાયમી રહેવાના નથી એ સમજી લેજો. સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. આ સનાતન સત્યને હંમેશા નજર સમક્ષ રાખીને હકારાત્મક વિચારસરણી અપનાવો.
માનવસ્વભાવની એક મોટી નબળાઇ એ છે કે ઇશ્વરે માનવદેહ સ્વરૂપે આપેલી અમૂલ્ય ભેટની તે કદર કરી શકતો નથી. આથી ઉલ્ટું આપણે તેની અવગણના કરીને ઇશ્વરકૃપાનો અનાદર કરી રહ્યા છીએ. માનવજીવન થકી આપણી પાસે પરિવાર છે, સમાજ છે. એક સુખી જીવન માટે આ બધું આશીર્વાદસમાન છે, પરંતુ આપણે અજ્ઞાની જીવ, ઇશ્વર કૃપાનો અનાદર કરીને દ્રોહ કરી રહ્યા છીએ. જો આપણે આપણી મનોસ્થિતિ સાંગોપાંગ રાખશું, તો કોઇ પણ વ્યક્તિ કે પરિબળની તાકાત નથી કે તેઓ કોઇ પણ પ્રકારે આપણને અસુખ આપી શકે.
વાચક મિત્રો, નૂતન વર્ષના પ્રારંભે નૂતન વિચારો રજૂ કર્યા છે. આ લેખનો એકાદો અંશ પણ આપનું જીવનધોરણ, તન-મનની સુખાકારી વધારવામાં નીમિત્ત બન્યો તો ભયો ભયો... આખરે તો આપણું સુખ, આપણું દુઃખ, આપણું જ સર્જન છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter