સુદાન કટોકટીઃ રઝળી પડેલા ભારતીયોને સ્વદેશ લાવતું ઓપરેશન કાવેરી

રુચિ ઘનશ્યામ Tuesday 02nd May 2023 13:13 EDT
 
 

સુદાનના બે ઉચ્ચ જનરલો, આર્મી ચીફ અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેમના પૂર્વ ડેપ્યુટી અને રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF)ના વડા જનરલ મોહમ્મદ હામદાન ડાગાલો વચ્ચેની કટ્ટર દુશ્મની 15 એપ્રિલ 2023ના રોજ બે જનરલ્સને વફાદાર દળોની ખુલ્લી લડાઈમાં ફાટી નીકળી અને દેશ ભયાનક આંતરયુદ્ધમાં ઘેરાઈ ગયો. આર્મી અને RSF વચ્ચેનો સંઘર્ષ દળો, ટેન્ક્સ અને વિમાનો સાથે રાજધાની ખાર્ટુમની શેરીઓમાં તીવ્ર હિંસક લડાઈમાં ફાટી નીકળ્યો છે.

આ વિવાદનું મૂળ કારણ RSFને યોજનાબદ્ધ રીતે નિયમિત આર્મીમાં વિલીન કરવા સંબંધિત હતું. એપ્રિલ 2019માં સામૂહિક વિરોધોના પગલે પૂર્વ પ્રેસિડેન્ટ ઓમર અલ- બશીરના વડપણ હેઠળની સરકારને મિલિટરી દ્વારા ઉથલાવી દેવાયા પછી સુદાનની લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે આ મુખ્ય શરત હતી. બશીર સરકારના પતન પછી સ્થપાયેલી નાગરિક સરકારને ઉથલાવી દેવા બંને જનરલોએ હાથ મિલાવ્યા હતા. આ પછી, તેઓ એકબીજાના વિરોધી બની ગયા અને ત્યારથી દેશના લશ્કર અને પેરામિલિટરી દળો RSF વચ્ચે ખુંખાર જંગ ચાલ્યા જ કરે છે.

મુખ્યત્વે જાન્જાવિડ મિલિશિયાના બનેલા RSFની વૃદ્ધિ થતી રહી હતી. સુદાન સરકારે 2000ના દાયકાની શરૂઆતમાં ડારફૂર પ્રદેશમાં બળવાખોરીને ડામવા તેનો ઉપયોગ કર્યો હતો. સુદાનના લશ્કર અને RSF વચ્ચેનો ગજગ્રાહ તો હમણાંની વાત છે, થોડા વર્ષો અગાઉ તો તેઓ સાથીદાર હતા. વર્ષ 2022માં નાગરિકોના હાથમાં સત્તાની પરત સોંપણી બાબતે માળખાકીય સમજૂતી સધાઈ હતી. RSFનું સુદાનીઝ આર્મીમાં એકીકરણ કરવાની માગ મુદ્દે તંગદિલી વધી હતી. એપ્રિલ 2023માં ડાગાલોએ RSFને અલ-બુરહાનની સરકાર સામે સજ્જ કરી હતી. સુદાનની રાજધાની ખાર્ટુમમાં 15 એપ્રિલે ફાટી નીકળેલી લડાઈ ઝડપથી દેશના અન્ય વિસ્તારોમાં પણ ફેલાવા લાગી હતી. RSFના દળો ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં ફેલાઈ જવા સાથે મોટા ભાગે આ વિસ્તારોમાં લડાઈઓ થવા લાગી અને આ સંઘર્ષનો શિકાર નાગરિકો બની રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા હોવાના અહેવાલોની સાથોસાથ શેરીઓમાં મૃતદેહો રઝળી રહ્યા હતા. લોકો ખોરાક, પાણી, મેડિસિન્સ, ઈલેક્ટ્રિસિટી અને દેખીતી રીતે બધાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં નાગરિકો લડાઈનો ભોગ ન બનાય તે માટે ભારે હિંસાની મધ્યે નાસી છૂટવા પ્રયાસ કરતા હતા.ગીચ વસ્તી સાથેના શહેરી વિસ્તારોમાં RSFની પોઝિશન્સ પર મિલિટરી દ્વારા હવાઈ હુમલાઓ તેમજ શેરીઓમાં બંને પક્ષોમાં તોપમારા અને ગોળીબારોની રમઝટથી યુદ્ધની હાલત વધુ ગંભીર બનતી જતી હતી.

આવી કટોકટી સૌથી સજ્જ વ્યવસ્થાતંત્રને પણ મુશ્કેલીમાં રાખી દેતી હોય છે. દરેક ભારતીય મિશને તેમની તાકીદની યોજનાઓ અપડેટ કરી જ છે અને જે તે દેશોમાં રહેતા ભારતીય નાગરિકો સાથે સંપર્કમાં રહેવાના પ્રયાસો કરે છે છતાં, ખાર્ટુમ જેવી રાજધાનીમાં અચાનક તીવ્ર લડાઈ ફાટી નીકળે તેનો અર્થ એ છે કે પ્રારંભિક પરિસ્થિતિ પર નજર રાખવી આવશ્યક થઈ પડે છે કારણકે વર્ચ્યુઅલ રીતે અન્ય બધી બાબતો લગભગ અશક્ય રહે છે. ભારત સરકાર અને એમ્બેસીએ ઘટનાક્રમ પર ગાઢ અને કાળજીપૂર્વકની નજર રાખી હતી. એમ્બેસીએ PIOસહિત સુદાનસ્થિત ભારતીય નાગરિકો સાથે સંપર્ક અને નેટવર્ક્સ સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. ભારે લડાઈ મધ્યે અને યુદ્ધવિરામના ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા પછી આખરે એક યુદ્ધવિરામ થયો જ્યાં કેટલાક વિસ્તારોમાં છૂટીછવાઈ અથડામણો થતી હતી. આ જ એક બારી હતી જેના માટે દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા!

ભારત સરકારે યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને મદદ, સહાય કરવા અને તેમને સ્વદેશ પરત લાવવાના પ્રયાસરૂપે ઓપરેશન કાવેરી લોન્ચ કર્યું હતું. ઈવેક્યુએશન પ્રકિયાનું દરેક પગલું એક પડકાર હતું. જ્યાંથી બચાવ કામગીરી કરી શકાય તે પોર્ટ વિસ્તાર ખાર્ટુમથી આશરે 850 કિલોમીટરના અંતરે હતો. ભારતીય નાગરિકો માત્ર ખાર્ટુમના અલગ અલગ વિસ્તારોમાં જ નહિ, સુદાનના અન્ય વિસ્તારોમાં પણ ફસાયેલા હતા. નેટવર્કની સમસ્યાઓ અને ઘણા સ્થળોએ ઈલેક્ટ્રિસિટી નહિ હોવાના કારણે કોમ્યુનિકેશનનો મોટો પડકાર હતો. મોટી સંખ્યામાં ભારતીયોને લાવવા-લઈ જવા માટે બસીસ શોધવી, બસીસને 850 કિલોમીટર દૂર પહોંચાડવા ડીઝલની વ્યવસ્થા કરવી તે પણ લગભગ પાર પાડવાને અશક્ય પડકારને એમ્બેસીના મહેનતુ સ્ટાફે ભારે જહેમત લઈ પાર પાડ્યો હતો. સલામતીના કારણોસર હેરફેર માત્ર રાત્રિના અંધકાર પૂર્તી જ સીમિત રાખવી પડી હતી. દરેક બસની સાથે એમ્બેસીના બે અધિકારી હતા. પ્રવર્તમાન કટોકટીના કારણે ઘણા લોકો તેમના ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ લાવી શકે તેમ ન હોઈ જેમને જરૂર હોય તેમના માટે કોન્સ્યુલર સુવિધા પણ આપવામાં આવી હતી. રાહ જોતા ભારતીય નાગરિકો અને તેમના પરિવારો માટે પોર્ટ વિસ્તારમાં વ્યવસ્થા પણ ઉભી કરાઈ હતી. ફસાયેલા નાગરિકો જ્યાંથી સ્વદેશ પરત થવાના હતા તે જેદ્દાહમાં પણ ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ લખાય છે ત્યારે આશરે 3000 લોકોને સુદાનથી સલામતપણે સ્વદેશ લવાયા છે. વરિષ્ઠ નાગરિકો સહિત 122ભારતીયોની 16મી બેચ ભારતીય એર ફોર્સના C-130J વિમાનની ફ્લાઈટમાં સુદાનથી જેદ્દાહ જવા રવાના થઈ હતી. ભારતીય નૌકાજહાજો અને એરક્રાફ્ટ્સ રઝળી પડેલા ભારતીયોને તેમની માતૃભૂમિમાં પરત લાવવા અતિશય જોખમી પરિસ્થિતિઓમાં પસાર થઈ સતત ખેપ મારી રહ્યાં છે. આપણા લશ્કરી દળોના જવાનોની બહાદુરી અને હિંમતે સુદાનમાં રઝળી પડેલા તેમના દેશવાસીઓનું જીવન બચાવવામાં મદદ કરી છે.

કમનસીબે સુદાન, સંઘર્ષોથી જરા પણ અજાણ્યું નથી. સિવિલ વોર, સંઘર્ષો, બળવા અને લડાઈઓના કારણે ત્રીજો સોથી મોટો આફ્રિકન દેશ પ્રાકૃતિક સ્રોતોથી સમૃદ્ધ હોવાં છતાં આફ્રિકામાં સૌથી ગરીબ વસ્તી સાથેનો દેશ બની ગયો છે. ભારતીય નાગરિકો સલામત રીતે સ્વદેશ પહોંચ્યા છે ત્યારે એવી આશા રાખીએ કે સુદાનમાં ડહાપણ પ્રવર્તે અને સુદાનના લોકો વહેલી તકે શાંતિનું પુનઃસ્થાપન નિહાળે. આમાં નિષ્ફળતા માત્ર સુદાનને જ નહિ, તે વિસ્તારના અન્ય દેશોને પણ ભારે જોખમમાં મૂકી દેશે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter