સેવા અને સાહસનો સુમેળઃ શરદ પટેલ

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 01st June 2019 07:06 EDT
 
 

ખિસ્સામાં માત્ર આઠ ડોલરની મૂડી સાથે ૨૦ વર્ષની વયે સ્ટુડન્ટ વિસા લઈને શરદ પટેલ અમેરિકા પહોંચ્યા. મુંબઈના ઘાટકોપરમાં આવેલા ગુરુકૂળના શિક્ષક નાથુભાઈના તે પુત્ર. ગુરુકૂળમાંથી શીલ અને સંસ્કાર પામીને થોડાંક વર્ષ મુંબઈની કોલેજમાં કાઢીને અમેરિકા આવેલ. શિક્ષક પિતાએ માનેલું, ખેંચાઈને પણ દીકરાને ટિકીટનો જોગ કરી આપીશ તો બાકીનું એની જાતે ફોડી લેશે. શરદભાઈએ મુંબઈમાં સહાધ્યાયી એવા દિલીપ પારેખ અને ચંદ્રકાંત વ્યાસના રૂમ પાર્ટનર તરીકે રહેવાનું કર્યું. એક કલાકે એક ડોલર અને સાઠ સેન્ટના દરે, અઠવાડિયે ૨૫ કલાક કામ કરીને રહેવા-જમવાનું ખર્ચ કાઢ્યું. આર્યસમાજી ઘડતરથી સાદા અને વ્યસન વિનાના શરદભાઇએ શિકાગોની ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલિનોઈમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણવાનું શરૂ કર્યું. સોહામણો ચહેરો સારા મિત્રો મેળવવામાં મદદરૂપ બન્યો. અહીં વસતા નોકરી-ધંધો કરતાં બીજા હિંદીઓનું કોઈ સંગઠન ન હોવાથી ભણતા વિદ્યાર્થીઓને એકબીજાને મળવાનું થાય તેવું સંગઠન હોય તો સ્થિર થવા અને સારા-માઠાં પ્રસંગે મદદરૂપ થાય તેવું સંગઠન કરવા મિત્રોએ વિચાર્યું.

મનુભાઈ વોરા, પંકજ શાહ, દેવેન્દ્ર જોષી સાથે મળીને ઈન્ડિયા કોમ્યુનિટી લીગ સ્થાપી. શિકાગોમાં બધા હિંદીઓ માટેની આ પ્રથમ સંસ્થા હતી. શરદભાઈ કારોબારીના સભ્ય અને પછીથી સભ્ય નોંધણી સમિતિના પ્રમુખ થયા. નવા સભ્ય વધારવા ફોન અને રૂબરૂ જવાનો ખર્ચ, જવા-આવવામાં ખર્ચાતા સમયથી નોકરીના કલાક ઘટતાં આવક ઘટી, છતાં ઘસાઈને ઊજળા થવાના પિતૃદત્ત સંસ્કારે ૩૦૦ સભ્યો નોંધ્યા.
તે જમાનામાં અહીં ભારતીય ફિલ્મો નહીં, છાપાં નહીં, ત્યારે વતનનો વિયોગ ઓછો કરે તેવા કાર્યક્રમો - રાસ-ગરબા, મિમિક્રી વગેરે ઈન્ડિયા લીગ યોજતું. વધારામાં ભારતીય વિદ્યાર્થીઓને સ્થાયી રહેવા કે અહીં રહેતાને પોતાનાં સગાં-વહાલાઓને બોલાવવામાં સલાહ આપનાર ભારતીય વકીલો ન હતા. ત્યારે ઈન્ડિયા લીગે આવા સેમિનારો ગોઠવીને માર્ગદર્શન આપવાની વ્યવસ્થા કરી હતી.
નવરાત્રિમાં ગરબા અને દાંડિયા-રાસનો કાર્યક્રમ યોજે. હાઈસ્કૂલ કાળથી જ શરદભાઈને સંગીત અને ગીતોનો શોખ હતો. વધારામાં ઈશ્વરદત્ત સૂરીલો અવાજ, ઈન્ડિયા લીગનો કાર્યક્રમ તેમની પ્રાર્થના અને ભજનોથી શોભતો.
૧૯૭૪માં તેઓ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર થયા. સાથેસાથે રિઅલ એસ્ટેટ ખરીદવા-વેચવાની કુનેહને કસતો અને પોષતો અભ્યાસક્રમ તેમણે પાસ કર્યો. જે ભવિષ્યમાં પોતાના મોટેલ વ્યવસાયના ખરીદ-વેચાણમાં ખૂબ જ ઉપયોગી નીવડવાનો હતો. ૧૯૭૬માં ગ્રીનકાર્ડ મળતાં ભારત જઈને મીનાબહેનને પરણ્યા અને સજોડે શિકાગો પરત આવ્યા. બંનેએ નોકરી કરી અને એક વર્ષ પછી માત્ર ૧૪ રૂમની નાની મોટેલ ખરીદી. બંનેએ જાતમહેનતે ચલાવી અને એક વર્ષમાં ૨૫,૦૦૦ ડોલર બચાવીને ૧૯૭૮માં નોર્થ કેરોલિનામાં ૭૮ રૂમની મોટેલ લીધી. મોટેલ છએક માસ ચાલી, પણ પછી મંદીમાં સપડાયા. ખોટ ખાઈને દોઢ વર્ષ પછી વેચી. હિંમત ના હાર્યા. પુરુષાર્થ ચાલુ રાખ્યો.
આજે તેમની પાસે જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં સંખ્યાબંધ મોટેલો છે. એટલાન્ટાની સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં સક્રિય છે, પણ હોદ્દાની પડાપડીમાં આઘા રહે છે.
૧૯૯૪માં ગુજરાતી સમાજે મોરારિ બાપુની કથા ગોઠવી ત્યારે કથા સમિતિમાં તેઓ ખજાનચી હતા. તે જમાનામાં કથાના ખર્ચ માટે સોવેનિયર પ્રગટ કરવામાં જાહેરાતો ભેગી કરવામાં તેમનો સિંહફાળો હતો. ખર્ચ કાઢતાં ત્યારે ૨૫,૦૦૦ ડોલર બચ્યા હતા. જ્યોર્જિયાના લેઉઆ પાટીદારોની ડિરેક્ટરી બહાર પાડવામાં તેમની આગેવાની હતી. અમેરિકામાંનાં લેઉઆ પાટીદારોનું પ્રથમ સંમેલન જ્યોર્જિયામાં ભરાયું ત્યારે તે કારોબારીમાં સભ્ય હતા.
આમ છતાં તેઓ કડવા, લેઉઆ, ચરોતરિયા, ભક્તા, મતિયા એવા પાટીદારોના ભેદભાવમાં માનતા નથી. સમગ્ર પાટીદાર સમાજની એકતાના તેઓ હિમાયતી છે.
શરદભાઈના દાદા વલ્લભભાઈ વર્ષો પહેલાં પોર્ટુગીઝ શાસન હેઠળના મોઝામ્બિકમાં દશ વર્ષ રહ્યા હતા તો પિતા નાથુભાઈ વહાણમાં બેસીને ઈંગ્લેન્ડ ગયેલા. ના ફાવ્યું તો જમૈકા ગયા. ત્યાંથી કેલિફોર્નિયા ગયા અને થોડા વર્ષ રહીને ભારતમાં પાછા ફર્યાં. આવા સાહસિક અને પ્રવાસી પરિવારના વારસદાર તે ભારતીય એકતા અને સંસ્કૃતિના હિમાયતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter