સેવા અને સ્વામિનારાયણના સંગીઃ ગોવિંદભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 11th May 2019 07:27 EDT
 
 

સંખ્યાબંધ દેશોમાં હિંદુઓ વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો જ એક ફાંટો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જુદા જુદા ફાંટા છે. આમાંનો એક છે બીએપીએસ. યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજના તપ અને સેવાથી બીએપીએસ દુનિયાભરમાં ફેલાયો. એટલો ફેલાયો કે વિદેશીઓને મન બીએપીએસ એ જ હિંદુ ધર્મ એવી માન્યતા થઈ. જૈનો દુનિયામાં ક્યાંય હોય પણ જૈનાચાર સાચવવા મથે છે તેવી જ રીતે જ્યાં થોડા કે વધારે બીએપીએસમાં માનનારા હોય ત્યાં તેઓ અઠવાડિક સત્સંગ કર્યા વિના ના જ રહે. તાઈવાનમાં બીએપીએસમાં માનનાર અને દર શનિવારે સત્સંગ કરનાર માંડ બાર-પંદર પરિવાર છે. એમાંના એક અને મહત્ત્વના તે ગોવિંદભાઈ પટેલ.
જૂના માણસા રાજ્યના દેલવાડ ગામના ખેડૂત ઈશ્વરભાઈ દીકરા સોમાભાઈ. સોમાભાઈના ચાર દીકરામાં ત્રીજા નંબરે ગોવિંદભાઈ. ૧૯૫૭માં જન્મેલા ગોવિંદભાઈએ ભણવાનું છોડીને સુરતની વાટ પકડી અને હીરાઘસુ થયા. હીરાઘસુ માત્રનું સ્વપ્ન હોય હીરાના વેપારમાં પડવું. દલાલીનો રસ્તો સ્વીકારે. ગોવિંદભાઈને હીરા ઘસવાની ફાવટ આવી. ૧૯૮૭ સુધી હીરા ઘસ્યા. પછી ત્રીસ વર્ષની વયે દલાલી શરૂ કરી. છતાં હીરાના બીજા વેપારીઓને જોઈને થતું, ‘આવો મોટો વેપારી કેવી રીતે બનું?’ બહેનના સસરા નારણભાઈએ સૂચન કર્યું બેંગકોક જાવ તો ફાવશે. ૧૯૯૪માં બેંગકોક આવ્યા. વળી ત્યાંથી સાહસ કરીને હોંગકોંગ રહ્યા. હોંગકોંગથી ધંધા માટે અવરજવર કરે પણ રહેવાનું મોંઘું પડતું. નજીકમાં તાઈવાનમાં રહે તો તાઈપેઈમાં રહેવું સસ્તું પડે માની ૧૯૯૭માં તાઈપેઈ આવ્યા.
તાઈપેઈનું જીવન અઘરું. ગુજરાતી ખૂબ થોડા હતા. ચીની ભાષા ના આવડે. લિપિ ના આવડે. બજારમાં વસ્તુ ખરીદવી હોય તો મુશ્કેલી પડે. તાપ્તિ એક્સપોર્ટ કંપનીના માલિકો ધરમશીભાઈ અને તેમના ભાઈ મનુભાઈને તાઈવાનમાં કોઈ વિશ્વાસુ માણસની જરૂર હતી. તેમને હીરા વેચવા તાઈપેઈ વારંવાર આવવાનું ફાવે તેમ ન હતું. ગોવિંદભાઈ સાથે એમને ગોઠી ગયું. તેમણે તાપ્તિ એક્સપોર્ટ કંપનીની તાઈપેઈમાં શાખા શરૂ કરીને ગોવિંદભાઈને મેનેજર બનાવ્યા. ગોવિંદભાઈએ છેક ૨૦૧૮ સુધી મેનેજર તરીકે કામ કર્યું. ગોવિંદભાઈના કામ અને પ્રામાણિકતાથી ખુશ કંપની માલિકો તેમને ઘરના માણસ ગણીને રાખતા. તેમને પગાર આપે. સાથે પિતા જેટલું ભણેલા પુત્ર સંદીપને પણ કામ બદલ પગાર નક્કી કર્યો. વધારામાં સમગ્ર પરિવારનું તાઈવાનનું ઘર ખર્ચ પણ કંપની જ ભોગવતી. વિશ્વાસ એવો કે સંદીપના દીકરાની સ્કૂલ ફી પણ આપે. એકવીસ વર્ષ સુધી ગોવિંદભાઈએ કંપની સંભાળી. વખત જતાં પોતાના સ્વતંત્ર ધંધો કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરતાં બીજો કોઈ પગારદાર માણસ રાખીને વેપાર કરવાને બદલે પોતાની કંપની વિના ગુડવીલે ગોવિંદભાઈને સોંપી દીધી.
૨૦૧૮થી ગોવિંદભાઈ અને સંદીપે તાઈવાનમાં ધંધો શરૂ કર્યો. સંદીપના પુત્ર પ્રીશના નામે પ્રીશ ફેન્સી લિમિટેડ નામની બીજી કંપની શરૂ કરી. તાપ્તિના મૂળ માલિકો સાથે એવી જ આત્મીયતા ચાલુ હોવાથી એ પણ પોતાનો માલ કંપનીને આપે છે. વધારામાં ગોવિંદભાઈના બીજા ભાઈઓ સુરતમાં રહે છે અને દાદા ઈશ્વરભાઈ નામની પારિવારિક કંપની ઈશ્વર જેમ પણ માલ મોકલે છે. ગોવિંદભાઈને પોતાની નવી કંપની કર્યે હજી દોઢેક વર્ષ થયું છે પણ પાછળનાં ૨૧ વર્ષનો અનુભવ, જૂના ગ્રાહકોમાં ગોવિંદભાઈની પ્રામાણિકતાની છાપ એ મૂડીથી કંપનીનું કામ વધતું જાય છે.
ગોવિંદભાઈની ભક્તિ અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે નિષ્ઠા પણ વધ્યા જ કરે છે. તાઈવાનમાં બીએપીએસના એ અગ્રણી છે. દર શનિવારે એમને ત્યાં કે વારાફરતી બીજે યોજાતા સત્સંગનું એ સંકલન કરે છે.
અજાણ્યાને શોધીને બોલાવવાના એમના ગુણે મિત્રવર્તુળ વધતું જાય છે. ગોવિંદભાઈના વતન દેલવાડમાં એમના પરિવારની દાનની સરવણી વહેતી રહે છે. ગામ નજીક આજોલ ગામે કન્યા કેળવણીની સંસ્થા સંસ્કાર તીર્થના છાત્રાલયમાં અનાજ, શાક, ઘી વગેરે વિના માગ્યે એ પહોંચાડતાં રહે છે. ગોવિંદભાઈ ધનકુબેર નથી પણ એમના આતિથ્યનો ઝરો અને દાનની સરવણી વહ્યા કરે છે.
બાપ અને દીકરો સંદીપ બંને એક જ વ્યવસાય હોવા છતાં જનરેશન ગેપનો વિતંડાવાદ કે મતભેદ પરિવારમાં દેખાતો નથી. પુત્ર સંદીપને પણ પિતાની જેમ બીએપીએસમાં શ્રદ્ધા છે. વ્યસન વિનાના પિતા-પુત્રની જોડી તાઈવાનના ગુજરાતીઓમાં નોખી ભાત પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter