સેવામાં સદા યુવાન નવીનભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 23rd February 2020 05:17 EST
 
 

પાંચ દીકરા અને ચાર દીકરીના બાપ ભીખાભાઈ. પોતાના મોટા દીકરા નવીનને કહે, ‘બેટા! તું ઘરનો મોભ છે. મોભ સડે તો છાપરું પડે. ઘર ત્યારે જ ટકે જ્યારે મોભ મજબૂત હોય. તું બધાંને સાચવજે.’

દીકરો નવીન વિદ્યાનગરમાંથી સિવિલ એન્જિનિયર થઈને અમેરિકા ગયો. પોતાનાં ભાઈ-બહેન અને સંબંધીઓની ફાઈલ કરીને તેણે ૨૦ વ્યક્તિઓને અમેરિકા બોલાવી. અમેરિકા આવેલી આ વ્યક્તિઓએ પછી બીજાંને રક્ત સંબંધે બોલાવ્યાં. આ બધાંની સંખ્યા થઈ પોણા બસ્સો. આ તો સગાંની વાત થઈ. મિત્રો અને પરિચિતોને સ્પોન્સર કરી, નોકરી અપાવી અને બોલાવ્યાં. તેમની વધેલી સંખ્યા ઉમેરતાં અંદાજે સવા બસો જેટલા લોકો આ નવીનભાઈને કારણે અમેરિકામાં વસે છે. ૧૯૩૩માં જન્મેલા નવીનભાઈ ૧૯૫૯માં વતન ઓડ છોડીને અમેરિકા પહોંચ્યાં.
અમેરિકામાં ભણીને તેઓ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર થયા અને પછી એમબીએની ડિગ્રી મેળવી. અમેરિકાના એરિઝોના, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, જ્યોર્જિયા અને કેલિફોર્નિયામાં તેમણે સાડા પાંચ દસકા સુધી નોકરી, મોટેલ, કન્સલ્ટન્સી વગેરે કર્યું. કમાયા પછી એમની નજર સદા સમાજ અને સેવા તરફ રહી. એક જમાનામાં આણંદમાં એક માત્ર પાસપોર્ટ એજન્ટ એવા પૂનમભાઈ સી. પટેલના દીકરી નયનાબહેન એમનાં પત્ની. પૂનમભાઈ ચરોતરના સેંકડો લોકોને વિદેશ જવામાં સહાયક બન્યા હતા. એમનો સંસ્કાર-વારસો ધરાવનાર નયનાબહેને નવીનભાઈને સેવાકાર્યમાં પૂરો સાથ આપ્યો.
નવીનભાઈના પિતા ઓડના ભીખાભાઈએ નાની વયે પિતાની ઓથ ગુમાવેલી. સૌથી મોટા દીકરા તરીકે તેમણે પોતાના બે નાના ભાઈ અને બહેનની જવાબદારી ઉપાડેલી. બહેનના લગ્નનું ખર્ચ ઊઠાવેલું તો નાના ભાઈ પરસોત્તમને મુંબઈ ભણવા મોકલવા પત્ની દિવાળીબહેનને ઘરેણાં ગીરો મૂકેલાં. ભીખાભાઈએ હૈયાઉકલત અને પરિશ્રમે તમાકુનો વેપાર કરીને આર્થિક સમૃદ્ધિ મેળવી. બિહાર અને બંગાળમાં ભાઈઓને ગોઠવીને ચરોતરની તમાકુ ત્યાં પહોંચાડીને પોતે કમાયા અને તમાકુ ઉત્પાદક ખેડૂતોને સમૃદ્ધ કરવામાં ભાગ ભજવ્યો. ભીખાભાઈ દયાળુ અને મદદ તત્પર જીવ. તેઓ સંબંધીઓ અને વાયા વાયા પરિચિતોને તેમના સંતાનોને ભણાવવા ફી અને પુસ્તકો આપતાં. જરૂરતમંદોને કન્યાના લગ્નમાં મદદરૂપ થતાં. નવીનભાઈએ અમેરિકા વસીને ગુજરાતીઓની કોઈ પણ સારી પ્રવૃત્તિને પોષવામાં ક્યારેય પાછી પાની ના કરી. પછી તે અમેરિકામાં હોય કે ગુજરાતમાં.
૧૯૫૬માં તેમણે ઓડમાં નવયુગ ક્લબ સ્થાપીને તેના પ્રમુખ બન્યા. યુવાઓમાં રમતગમત, સેવા-સાહસ પ્રેરવા અને જાગૃતિ લાવવામાં તેમણે ભાગ ભજવ્યો. તેઓ અમેરિકાની લીહાઈ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થી મંડળના ૧૯૬૧માં પ્રેસિડેન્ટ બન્યા. ન્યૂ યોર્કમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનના રિજનલ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈને ૨૦૦૧થી ૨૦૦૪ સુધી કામ કર્યું. આ જ સમય દરમિયાન યુએસએ હિંદુ એલાયન્સની કારોબારીના સભ્ય બનીને હિંદુઓમાં એકતા સ્થપાય તેવી પ્રવૃત્તિઓની પરંપરા ઊભી કરી. એટલાન્ટામાં વસતા પાંચ ગામ પાટીદાર સમાજની પ્રવૃત્તિમાં કારોબારી સભ્ય તરીકે ચૂંટાઈને એમાંય પ્રવૃત્તિશીલ રહ્યા. ૨૦૦૧માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આમંત્રેલા એનઆરઆઈ ડેલિગેશનમાં સભ્ય તરીકે તેમણે દિલ્હીમાં વડા પ્રધાનની મુલાકાત લીધી હતી. ૧૯૯૯ અને તેની આસપાસના વર્ષોમાં માઈનિંગ એસોસિએશન, પર્યાવરણ સંગઠન, એન્જિનિયર્સ એસોસિએશન વગેરેમાં વિવિધ હોદ્દા પર રહીને સક્રિય હતાં.
નવીનભાઈ આવી જાહેર પ્રવૃત્તિઓના ધમધમાટ વચ્ચે પણ મનમાં સેવાના અભરખા પૂરા કરવા ભારત આવતા. વ્યવસાય - કમાણી છોડીને ચરોતર આરોગ્ય મંડળમાં એચ. એમ. પટેલ સાથે કામ કરવા માટે આવીને સ્પેશ્યલ સેક્રેટરી બન્યા હતા. બે વર્ષ ૧૯૯૦ અને ૧૯૯૧ આ જવાબદારી સંભાળ્યા પછી પાછા અમેરિકા પહોંચીને વ્યવસાયમાં મંડ્યા રહ્યા પણ વતનની સેવાની ધખના ચાલુ રહેતાં વળી પાછા ૨૦૦૩માં આવીને ચારુતર વિદ્યામંડળના એસ્ટેટ સેક્રેટરી બન્યા અને સંચાલક મંડળના સભ્ય બન્યા. ૨૦૦૨થી ૨૦૦૭ ઓડ કેળવણી મંડળના પ્રમુખ રહ્યા. આ સમય દરમિયાન વિશ્વ ગુજરાતી સમાજની કારોબારીના સભ્ય તરીકે કામ કર્યું.
નવીનભાઈ તન, મન, ધનથી સેવા પ્રવૃત્તિને વરેલા છે. બધી પ્રવૃત્તિઓમાં ક્યાંય તેમણે ભાડાં, ભથ્થા કે અન્ય ખર્ચનું બીલ ક્યારેય લીધું નથી. જે કામ કરે તેમાં મંડ્યા રહે. પક્ષાપક્ષી કે ભેદભાવ વિના માત્ર જનહિતની પ્રવૃત્તિઓમાં તેમનો લગાવ છે.
પિતાની સ્મૃતિ અર્થે ઓડમાં ગ્રામ પંચાયતમાં સભાખંડમાં મોટી રકમનું દાન કર્યું છે. ૨૦૦૪માં તેમણે અનુપમ ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું જે ઓડ, સીલી, અહીમા, ભરોડા વગેરેમાં વિદ્યાર્થીઓને સહાયભૂત થાય છે. તેના તે પ્રમુખ છે. ૨૦૦૬માં તેમની સેવાઓને હિંદરત્ન અને ભારતગૌરવ જેવા બે એવોર્ડથી સન્માનવામાં આવી હતી.
સેવા અને સાદગીના ધૂની નવીનભાઈનો એક કિસ્સો રસપ્રદ છે. સમૃદ્ધ પરિવારના દીકરાને સમૃદ્ધ પરિવારમાં પરણવાનું થયું ત્યારે પેન્ટ કે ધોતી પહેરવાને બદલે પરિવારને નારાજ કરીને પણ લેંઘો પહેરીને પરણવા ગયેલા.
નવીનભાઈના બંને પુત્ર અને દીકરી અમેરિકામાં સ્થાયી છે. નવીનભાઈ અમેરિકન સિટીઝન છે. ખૂબ ફરે છે છતાં ગુજરાત સાથે લગાવ હોવાને કારણે ત્રણેક વર્ષથી આણંદ રહીને સેવાની ધૂણી ધખતી રાખે છે. ૮૭ વર્ષના નવીનભાઈ સેવાક્ષેત્રે યુવાનની જેમ દોડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter