સ્કોટિશ આઝાદીને શા માટે સમર્થન ન આપવું જોઈએ?

ડો. પ્રેમ શર્મા OBE ..... ચેરમેન, ધ મેગ્ના કાર્ટા ફાઉન્ડેશન Wednesday 02nd June 2021 02:29 EDT
 
 

રવિવાર, ૯ મેએ સ્કોટિશ ચૂંટણીના પરિણામો અને SNPના વિજય પછી ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનનો BBC એન્ડ્રયુ માર શો માટે ઈન્ટરવ્યૂ કરાયો હતો. એમ લાગે છે કે સ્કોટલેન્ડ ફરી એક વખત આઝાદી મુદ્દે જનમત-રેફરન્ડમ કરવા મક્કમ બન્યું છે. હાલમાં જ એન્વિરોન્મેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે સ્કોટિશ આઝાદી વિશે ‘રેફરન્ડમની માન્યતા આપી શકે તેવી એક માત્ર સંસ્થા’ યુકે પાર્લામેન્ટ છે અને ‘હાલનો સમય બંધારણીય છેડછાડ અને વધુ એક વિભાજક રેફરન્ડમ માટેનો નથી.’

એન્ડ્રયુ મારે ભારપૂર્વક પૂછ્યું ત્યારે નિકોલા સ્ટર્જને સ્વીકાર્યું હતું કે તેમની પાર્ટીએ હજુ સ્વતંત્ર સ્કોટલેન્ડની નાણાકીય અસરો વિશે ગણતરીઓ કરી નથી. ફર્સ્ટ મિનિસ્ટરે એમ પણ કહ્યું હતું કે આઝાદીની નિકટના સમયકાળમાં ચોકસાઈપૂર્વકનું અર્થતંત્રીય મૂલ્યાંકન પૂર્ણ કરવાની જરુર રહેશે અને આઝાદી પછીના ભવિષ્યમાં પણ તેઓ બેન્ક ઓફ ઈંગ્લેન્ડની દેખરેખ હેઠળ યુકે કરન્સીને યથાવત રાખશે. સ્કોટિશ આઝાદીનું સાચી કિંમત શું હશે તે જાહેર કરવાની નિકોલા સ્ટર્જનને ફરજ પાડવી જોઈએ.

યુનાઈટેડ કિંગ્ડમમાં સ્કોટલેન્ડ બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે અને ૨૦૧૯માં કુલ વસ્તીનો ૮.૩ ટકાનો તેનો હિસ્સો હતો. મધ્ય યુગની શરુઆતના કાળખંડમાં સ્કોટલેન્ડનો સ્વતંત્ર, સાર્વભૌમ રાજ્ય તરીકે ઉદ્ભવ થયો હતો અને ૧૭૦૭ સુધી સુધી તે સાર્વભૌમ રહ્યું હતું. સ્કોટલેન્ડ યુરોપના સૌથી જૂના દેશોમાંનું એક છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની પાર્લામેન્ટ અને સ્કોટલેન્ડની પાર્લામેન્ટના ૧૭૦૭માં એકીકરણ થયા પછી સ્કોટલેન્ડ નવા સંઘ રાષ્ટ્ર (United Kingdom)માં એક દેશ બની રહ્યો હતો. ગત જનમત- રેફરન્ડમમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે,‘શું સ્કોટલેન્ડ સ્વતંત્ર દેશ બનવો જોઈએ?’ મતદારોએ તેનો ઉત્તર ‘હા- Yes’ અથવા ‘ના- No’ માં આપવાનો હતો. ‘ના- No’ ઉત્તર આપનારાનો વિજય થયો હતો, આઝાદી વિરુદ્ધ મત આપનારાની સંખ્યા ૫૫.૩ ટકા હતી જેની સામે આઝાદીની તરફેણ કરનારા ૪૪.૭ ટકા હતા.                                                                                                                    

ધારો કે બીજો રેફરન્ડમ લેવાય તો, ‘ના- No’ કેમ્પેઈનના હિમાયતીઓ સ્કોટિશ લોકોને યુનાઈટેડ કિંગ્ડમમાં રહેવા કેવી રીતે સમજાવી શકે તેવા કેટલાક મુદ્દા આપણે જોઈશુઃ

૧. અર્થતંત્રઃ સ્વતંત્ર સ્કોટલેન્ડની સ્થિરતાઃ વર્ષ૨૦૦૧-૧૨ના ગાળામાં સ્કોટલેન્ડના નોર્થ સી ઓઈલની કામગીરી એટલી સારી હતી કે અર્થતંત્રમાં તેની ટેક્સ રેવન્યુ ૯ બિલિયન પાઉન્ડથી વધુ હતી. છેલ્લે વર્ષ ૨૦૧૯-૨૦માં આંકડાની સમીક્ષા કરાઈ ત્યારે ઓઈલની કિંમતમાં વિશ્વભરમાં ભારે ઘટાડાના પરિણામે તે રેવન્યુ તદ્દન ધોવાઈ ગઈ હતી. આપણે સ્વતંત્ર સ્કોટલેન્ડના અર્થતંત્ર અને તેની નાણાકીય સ્થિરતા બાબતે કઠોર પ્રશ્ન પૂછવો પડશે. સ્કોટિશ લિબ ડેમ્સે ગત વર્ષના આ આંકડાઓ મુદ્દે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે રેવન્યુમાં ધોવાણથી જોવા મળ્યું છે કે આઝાદી ‘સૌથી મોટો જુગાર’ હતો.

૨. સ્કોટલેન્ડને યુકેમાંથી વાજબી કરતાં વધુ હિસ્સો મળે છેઃ સ્કોટલેન્ડ ૩૦૦ વર્ષ જૂના યુનિયનનો હિસ્સો બની રહે તે માટે મૂળભૂત કારણોમાં એક આર્થિક કારણ સરળ છે. વેસ્ટમિન્સ્ટર દ્વારા સ્કોટલેન્ડની બ્લોક ગ્રાન્ટમાં કાપ મૂકાયો હોવાં છતાં, હકીકત (અને કેટલાક ઈંગ્લિશ સાંસદોનો ડર) એ જ છે કે ઈંગ્લેન્ડની સરખામણીએ સ્કોટલેન્ડને જાહેર સેવાઓમાં માથાદીઠ ખર્ચનું વધુ પ્રમાણ મળે છે. દર વર્ષે સ્કોટલેન્ડના લોકો પાછળ માથાદીઠ સરેરાશ ૧૦,૫૩૬ પાઉન્ડનો જ્યારે, યુકેમાં માથાદીઠ સરેરાશ ૯,૦૭૬ પાઉન્ડનો ખર્ચ કરાય છે. આમ, યુકેની સરેરાશ કરતા સ્કોટલેન્ડને માથાદીઠ ૧,૪૬૦ પાઉન્ડ વધુ મળે છે. આ પ્રકાશિત આંકડા મુદ્દે કેઝીઆ ડુગડેલે કહ્યું છે કે,‘ આ રેફરન્ડમ થયા બાબતે SNP દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેને માફ કરી શકાય તેમ નથી.’

૩. રાજકીય દૃષ્ટિએ સ્કોટલેન્ડ યુકેથી અલગ નથીઃ આધુનિક રાષ્ટ્રવાદની કલ્પિત કથા એ છે કે તમામ બ્રિટિશ ટાપુઓના આપણા પડોશીઓથી સ્કોટલેન્ડ એક કે અન્ય પ્રકારે વધુ સમાનતાવાદી છે. બ્રેક્ઝિટ અને ક્રમાનુસાર ટોરી સરકારો પછી એક લોકપ્રિય ધ્રૂવપદ બની રહ્યું છે કે સ્કોટલેન્ડ મૂળભૂતપણે બાકીના બ્રિટનથી રાજકીય દ્ષ્ટિએ ભિન્ન મતવાદી છે. એઈલ્સા હેન્ડરસન દ્વારા યુકેના રાજકીય અભિગમો સંદર્ભે કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે,‘ સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારે નોંધપાત્ર તફાવત જણાતા નથી.’

૪. સ્કોટલેન્ડ યુકેમાં વધુ સલામત છેઃ ફોરેન ઓફિસ દ્વારા ૨૦૧૪ના જોરદાર કેમ્પેઈનના શિખરે વિસ્તૃત, વિવાદાસ્પદ હોઈ શકે, વિભાજન પછીના બ્રિટન વિશે અભ્યાસ રજૂ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે બ્રિટનના દુશ્મનો ‘હા- Yes’ વોટના પગલે સર્જાનારી ‘અચોક્કસતા અને વિખવાદ’ની હાલતનો ઉપયોગ કાવાદાવાઓ સાથે પોતાના જ હિતમાં કરશે. બ્રિટનની વિશ્વપ્રસિદ્ધ ઈન્ટેલિજન્સ સર્વિસીસ દ્વારા ISIS જેવી વ્યાપક અને આંતરિક ત્રાસવાદી ઘટનાઓ સામે આપણને રક્ષણ પ્રાપ્ત થયું હતું. Mi6ના પૂર્વ વડા સર જ્હોન સ્કારલેટે ૨૦૧૪માં SNP ની ઈન્ટેલિજન્સ દરખાસ્તો સંદર્ભે જણાવ્યું હતું કે,‘મારા મત અનુસાર સ્કોટિશ સરકારની દરખાસ્તો વર્તમાનમાં અપાઈ રહ્યું છે તે પ્રકારનું રક્ષણ અને સપોર્ટનું સ્તર આપી શકશે નહિ.’

૫. યુકે અને ઈયુઃ ‘બ્રેક્ઝિટ’ વાસ્તવમાં નાજૂક વાટાઘાટો અને બંધારણીય જટિલતાના તબક્કામાં છે તેમજ સ્કોટલેન્ડ પુનઃ ઈયુમાં જોડાય તેનાથી વધુ અચોક્કસતા સર્જાશે. યુકે વિનાનું સ્કોટલેન્ડ ઈયુ સાથે પુનઃ વાટાઘાટો કરવામાં નબળી હાલતમાં છે. રુથ ડેવિડસને ‘બ્રેક્ઝિટના કારણે આઝાદી’ના વિકલ્પને ‘તમારા પગનો અંગૂઠો દબાઈ ગયો હોવાથી પગને કાપી નાખવા’ની રાજકીય હાલત સાથે સરખાવ્યો છે.

૬. બ્રિટિશ ઓળખઃ સ્કોટિશ રાષ્ટ્રવાદીઓમે કદાચ અસુવિધા ન જણાય પરંતુ, દેશમાં મોટા ભાગના લોકો બ્રિટન સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતા હોવાની લાગણી ધરાવે છે. ઈંગ્લિશ અને સ્કોટિશ લોકો એક જ ભાષા બોલે છે, એકસમાન ઈતિહાસના સહભાગી છે અને બ્રિટનમાં એક આદર્શ જેવી બાબત છે જે લોકોને આકર્ષે છે, સ્કોટલેન્ડને દેશ માનતા હોય તેઓ પણ આનાથી આકર્ષિત છે.

વાસ્તવમાં, ૨૦૧૪ના વોટ પછી પોતાને બ્રિટિશ માનતા સ્કોટિશ લોકોની સંખ્યા વધી છે. પોતાને ‘સ્કોટિશ કરતા બ્રિટિશ વધુ’ તેમજ ‘એકસમાનપણે સ્કોટિશ અને બ્રિટિશ’ ગણાવતા હોય તેવા બંને પ્રકારના લોકોની સંખ્યામાં વધારો થયો છે.

૭. રેસિડેન્સી અને પાસપોર્ટઃ ગત રેફરન્ડમ સમયે લગભગ પાંચ લાખ ઈંગ્લિશ લોકો સ્કોટલેન્ડમાં રહેતા હતા. શું તેઓએ પોતાના વતનમાં પરિવારને મળવા જવા માટે પણ પાસપોર્ટ્સ દર્શાવવા પડે તેમ આપણે ખરેખર ઈચ્છીએ છીએ? એલિસ્ટર મેક્લિને ૨૦૧૩માં આ પરિસ્થિતિને સરસ રીતે દર્શાવતા કહ્યું હતું કે,‘ આપણી સરહદની ઉત્તર અને દક્ષિણમાં આપણા મિત્રો અને સગાંસંબંધી રહે છે અને આપણે એકબીજાને વિદેશી બનાવવા ઈચ્છતા નથી.’

૮. સ્પોર્ટ્સમાં યુકેની સિદ્ધિઓઃ સ્કોટલેન્ડ ક્રિસ હોય અને એન્ડી મરે જેવાં ખેલાડીઓ સાથે યુકેની મહાન ખેલસિદ્ધિઓમાં યોગદાન આપે છે અને ભવિષ્યના ખેલસિતારાઓ ઉદાર ભંડોળની સવલતો મેળવી રહ્યા છે. બ્રિટિશ એથેલેટ્સ જ્યારે યુકેના તમામ લોકો માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે ત્યારે તેમના ગૌરવગાનમાં સ્કોટલેન્ડ પણ સહભાગી હોય છે. શું સ્કોટલેન્ડ મો ફરાહ જેવાં લેજન્ડ્સ દ્વારા પ્રતિનિધિત્વ કરાય તેનાથી પોતાને વંચિત રાખશે? આપણે બ્રિટનની ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓનો ઉલ્લેખ પણ કરીએ તે અગાઉ, તેમાં સ્કોટલેન્ડનું પણ વિશેષ યોગદાન હોવાનું ધ્યાન રાખીએ. હોયે ખુદ ૨૦૧૩માં કહ્યું હતું કે અલાયદી સ્કોટિશ ઓલિમ્પિક ટીમ હોય તે ‘સ્કોટિશ એથેલેટ્સ માટે વધુ મુશ્કેલ બની રહેશે.’

૯. વિશ્વમંચ પર યુકેનો પ્રભાવ-વગઃ વૈશ્વિક દૃષ્ટિએ નિહાળીએ તો, બ્રિટન પ્રમાણમાં ઘણી ઓછી વસ્તી સાથેનો નાનકડો દેશ છે પરંતુ, વિશ્વસત્તા હોવાના ફળ મેળવી રહ્યો છે. બ્રિટન G8 અને G20 જૂથોનું સભ્ય છે અને કોવિડ મહામારી પછી પણ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાં એક હોવાનું પ્રતિનિધિસ્થાન ધરાવે છે. યુએનની સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્યોમાં એક સભ્ય તરીકે સ્કોટલેન્ડના હિતોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરાય છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને તેમના એક સંબોધનમાં કહ્યું હતું કે ‘આપણે સાથે રહીને વધુ મજબૂત છીએ અને સિક્યુરિટી કાઉન્સિલની આપણી સીટના પરિણામે આપણો વધુ પ્રભાવ છે.’ આમ, સ્કોટલેન્ડ પોતાના પ્રભાવ કરતાં પણ વધુ વજન હાંસલ કરી રહ્યું છે અને વિશ્વમંચ પર યુકેની નેતાગીરીના ઉદાહરણ સ્વરુપે આ વર્ષનું COP શિખર પરિષદનું પ્રમુખપદ પણ પ્રાપ્ત થયું છે.

૧૦. યુકે અને કોમનવેલ્થઃ કોમનવેલ્થમાં અગ્રણી રાષ્ટ્ર તરીકે યુકે અનોખું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેમ અમેરિકન્સ નુકસાન ખાધા પછી શીખી રહ્યા છે તેમ અર્થતંત્રના પુનર્નિર્માણ અથવા દેશને ચેતનવંતો બનાવવા માટે દીવાલો ખડી કરવી તે કોઈ પણ રીતે યોગ્ય માર્ગ નથી. સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની સરહદ સ્કોટલેન્ડને તેના નિકટના મિત્રો અને ગાઢ સાથીઓને અળગા જ બનાવશે. Yes વોટ વિભાજનોનું મૂર્ત સ્વરુપ દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter