સ્થાન અજમેર, 1888ના ડિસેમ્બરની સાંજ કચ્છી, રાજસ્થાની, બંગાળી વિભૂતિનું મિલન

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 11th December 2024 06:20 EST
 
 

કેટલાંક પાત્રો એકબીજાને મળે છે ત્યારે એ જ્ગ્યા ઈતિહાસનું મેઘધનુષ સર્જે છે. આજકાલ અજમેર ખ્વાજા ચિશ્તીની દરગાહ મામલે અદાલતી વિવાદ છે, પણ, ભારતીય રાષ્ટ્રના ઇતિહાસની ચેતનાનું કેન્દ્ર બનનારા ત્રણ મહાનુભાવો અહીં મળ્યા હતા, તે રસપ્રદ ઘટના છે. ત્રણે એકબીજાથી અલગ પ્રદેશના.
એક, બંગાળથી ભારત ભ્રમણ કરવા નીકળેલા સ્વામી વિવેકાનંદ. બીજા, કચ્છના નાનકડા નગરથી અભ્યાસની સિદ્ધિ પર પહોંચેલા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અને ત્રીજા અજમેરમાં રહીને વેદાંત દર્શનના પારંગત બનેલા હરવિલાસ શારદા. ભવિષ્યે આ ત્રણેએ સામાજિક, આધ્યાત્મિક, રાજકીય પરિવર્તનોમાં ભાગ ભજવ્યો.
સ્વામી વિવેકાનંદ અજમેરથી ખેતડી થઈને ગુજરાત પહોંચ્યા. અને ત્યાંથી કન્યાકુમારી થઈને શિકાગો ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાગ લીધો. પંડિત સ્થાનિક રિયાસતોમાં દીવાન બન્યા પછી, લંડન પહોંચ્યા અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરીને ભારતીય સ્વતંત્રતાનો યાદગાર વૈશ્વિક સંઘર્ષ કર્યો. હરવિલાસ આર્યસમાજી આગેવાન હતા, તત્કાલીન ન્યાયતંત્ર અને પ્રશાસનમાં ઊંચા હોદ્દા પર રહ્યા, અને ભારતમાં બાળ વિવાહ પર નિષેધ લાવતો સામાજિક કાયદો લાવ્યા.
કેવું હતું આ ત્રણેનું મિલન અને ગોષ્ઠી?
અજમેરના ઉત્તર ભાગમાં એક સુંદર ઇમારત. છેક ભીતરમાં સજાવેલા દીવાનખાનામાં શ્યામજી એક યુવા તેજસ્વી સાધુપુરુષની સાથે પ્રવેશ્યા અને કહ્યું: ‘જુઓ, હરવિલાસ, કોને શોધી લાવ્યો છુ?’ હરવિલાસે આનંદથી વિભોર લાગણી સાથે સાધુની સામે જોયું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં કહ્યું: ‘સ્વામીજી, અમારા શ્યામજીએ તો તમને બ્યાવર સુધી આવીને શોધી કાઢ્યા!’
સ્વામી સસ્મિત બોલ્યા, ‘જે ખોજ કરે છે, તેને પ્રાપ્ત કરવામાં અવરોધ નડે તો યે સફળતા મળે છે. હું બ્યાવરની ધર્મશાળામાં રોકાયો હતો, સવારે તો નીકળી જવાનો હતો, ત્યાં તમારા મિત્રવર્યે શોધી કાઢ્યો...’ તરત હરવિલાસ બોલ્યા, ‘આ મહાનુભાવનું કર્મ જ શોધ-પ્રબંધનું છે. છેક લંડન જઈને મોનિયર વિલિયમ્સનો સંસ્કૃત શબ્દકોષ પૂરો કરવા લાગી પડ્યા હતા...’ વાક્ય પૂરું થાય એ પહેલાં સ્વામી બોલ્યા: ‘શ્રીમતી એની બેસેન્ટે તો તમને મોનિયર કરતાં મોટા વિદ્વાન ગણ્યા હતા ને?’ બંને આશ્ચર્યસ્તબ્ધ થયા, અ-નામ બંગાળી સાધુને આટલી ખબર? શ્યામજી થોડા સંકોચાયા. આખી ઘટના રસપ્રદ હતી.
શ્યામજી મુંબઈથી એક દિવસ પહેલાં જ અજમેર પાછા વળ્યા ત્યારે હરવિલાસે અફસોસ વ્યક્ત કર્યો કે બે દિવસ વહેલા આવી ગયા હોત તો એક અદ્દભુત પરિવ્રાજકને મળવાનું બન્યું હોત. છેક બંગાળથી આવ્યા હતા અને ગુજરાત તરફ જવાના હતા. કદાચ તે બ્યાવરમાં એક દિવસ રોકાવાની શક્યતા હતી. આ તો શ્યામજી! જે રીતે મુંબઈમાં દયાનંદ સરસ્વતી, પુનામાં ગોપાલ હરી દેશમુખ અને લોકમાન્ય તિલક અને લંડનમાં હરબર્ટ સ્પેન્સરને મળવાનો સંકલ્પ પૂરો કર્યો તો આ હરવિલાસ કહે છે તે સાધુ પણ અનન્ય હોવા જોઈએ. શ્યામજી પહોંચ્યા બ્યાવર. મળ્યા, આગ્રહ કર્યો કે થોડું વધારે મળવું છે. સત્સંગ અને ગોષ્ઠી કરવા છે. સ્વામીને પણ લાગ્યું કે આ કોઈ સામાન્ય દર્શનાર્થી નથી. એટલે તેમની સાથે અજમેર આવ્યા.
આ ત્રણે વચ્ચેની વાતચીતના દસ્તાવેજો એ ઇમારતમાં જ સમયના પ્રવાહમાં વિલીન થઈ ગયા પણ સ્વામીની ભારત યાત્રા અને હરવિલાસના પુસ્તકો, લેખોમાં સંકેતો મળે છે તે મુજબ મુખ્ય ચિંતન જ હતું તત્કાલિન ભારતનું. આર્થિક અને રાજકીય ગુલામી, સામાજિક સમસ્યાઓ અને પ્રજાનું ગુલામ માનસ. આનો ઉપાય શો?
શ્યામજીને તો જુનાગઢ, ઉદયપુર, રિયાસતોમાં વહીવટના અને બ્રિટિશ તુમાખીના પારાવાર અનુભવો હતા. સ્વામી દયાનંદનો સ્પષ્ટ આગ્રહ હતો કે વેદાંત દર્શન તરફ પાછા વળવું પડે. બ્રિટિશ શિક્ષણમાં ભારતના ભોગે ઇમારત ઊભી કરવાના પ્રયાસો હતા. ભારતની પાસે કોઈ સંસ્કૃતિ જ નથી અને ઇતિહાસ પણ નહિ. સભ્યતા યુરોપમાથી આવી હતી તેવું મોટાભાગનો બૌદ્ધિક વર્ગ માનતો હતો.
સ્વામી તો નીકળ્યા જ હતા ભારતના સ્વાભિમાનની ખોજમાં. બીજા ગુરુબંધુઓને કહ્યું કે મને મારી રીતે એકલા ભ્રમણ કરવા દેજો. માતા શારદાદેવીએ આશીર્વાદ આપ્યા હતા. હજુ નામ પણ વિવિધ હતા, પૂર્વા નામ નરેન્દ્રનાથ દત્ત. વિવિદીશાનંદ, સચ્ચિદાનંદ, વિવેકાનંદ... ખેતડીના રાજવીને વિવેકાનંદ મધુરપ્રિય લાગ્યું.
તેમણે એક ગીત ગયું. કંઠ તો સુંદર હતો જ. ઈતિ વદતિ તુલસીદાસ શંકર, શેષ મુનિવર મન રંજનમ, મમ હૃદય કંજ નિવાસ કરું, કામદિ ખલદલ ગંજનમ...
 સમર્પણ સાન્નિધ્ય ભક્તિ અને દર્શનનો સુયોગ. જાણે એક સંત ભક્ત કવિનું સ્મરણ વિચારનો આરંભ હોય તેમ સ્વામીએ કહ્યું: બીજી કોઈ જરૂર નથી. સુષુપ્ત ભારતવાસીના હૃદય સુધી પહોંચો. તેના પર અજ્ઞાનની, ગરીબીની, ભયની, લઘુતાગ્રંથિની, રાખ ફરી વળી છે, તેવા ઈરાદા સાથે આક્રમણ થયા છે. તેને દૂર કરવા એકઠા થાઓ, પ્રલયંકારી ઝંઝાવાત રચો. આજે ભારતનો પડકાર આ છે. પરાધીનતાના મૂળમાં જઈને આગ જગાડવાની છે. તેઓ - પશ્ચિમના શાસકો આપણાથી શ્રેષ્ઠ મણિ રહ્યા છે. આ તેનો વ્યુહ પણ છે, તેમની પાસે ઉદ્યોગ અને આધુનિક વિજ્ઞાન છે તો આપણી પાસે જીવનદર્શન સાથેનું મહાજ્ઞાન છે. પણ ક્યાંક ઇતિહાસના ભૂગર્ભમાં ખોવાઈ ગયું છે. આક્રમકોએ ગ્રંથાલયો ને દેવાલયો કેમ નષ્ટ કર્યા? ત્યાં આપણી જીવનની વિશેષતા અને શક્તિ પડ્યા છે એ તેઓને જાણ હતી. બીજા ધર્મોમાં તો એવું કહેવાયું કે ઈશ્વરને જાણવા પયગંબર કે પાદરીની જરૂર છે, હિન્દુ ધર્મમાં એવા કોઈ પ્રમાણની જરૂરત નથી. વેદ સ્વયં પ્રમાણ છે. ચિંતન અનાદિ છે, અનંત છે... દસ-પંદર દિવસ સ્વામી અજમેર રહ્યા. ચર્ચાઓ કરી, રાજ-રિયાસતોની ગતિ-મતીનો અંદાજ મેળવ્યો. ખેતડીના મહારાજા અજીતસિંહ, જોધપુર રાજવી હરદયાલ સિંહ, જલેશ્વરના ઠાકુર મુકુંદ સિંહ, વૈયાકરણી નારાયણ દાસ, અલવર રાજા મંગલસિંહ... બધાની સાથે વિમર્શ કર્યો.
...અને પંડિત શ્યામજીએ પોતાનો જીવન-માર્ગ કંડારવાનું નક્કી કર્યું તે અઢારમી સદીના અસ્ત પછીની ઈંગ્લેન્ડમાં સ્વાતંત્ર્ય જંગની નિયતિ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter