સ્મિત, સેવા અને સ્નેહસભરઃ સંત સાહેબ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 11th August 2018 03:39 EDT
 
 

ગાદીપતિ સંત કંઠી બાંધે, ઉપદેશ આપે અને સેવારૂપે ધન માગે કે ઝંખે એ ક્રમ ચાલતો આવ્યો છે. આમાં અપવાદ છે સાહેબનો. તે ફંડફાળા માંગવાથી, ધર્મની ગંભીર વાતો અને ઉપદેશથી વ્યક્તિગત શિષ્યોને પ્રભાવિત કરવાથી અને ગંભીર બની રહેવાથી વેગળા રહે છે. સદા હસતા રહે છે. આવકારતા રહે, વર્ષોના સંપર્ક પછી પણ સામે ચાલીને કંઠી ના બાંધી દે એવા એ સાહેબ.
સાહેબ નામ એમના ગુરુ યોગીજી મહારાજે આપ્યું. સેંકડો પત્રોમાં સાહેબ તરીકે સંબોધતાં, પછી સાહેબ નામ એમના મૂળ નામ જશભાઈ પર છવાઈ ગયું. જશભાઈ ભૂલાયા અને સાહેબ થયા.
બાળપણથી જ ઘરના સંસ્કાર અને વાતાવરણે સાહેબને યોગીજી મહારાજે પ્રેમથી સિંચ્યા અને ઘડાયા. સાધુ સંગે સાધુ થવા ઈચ્છતા સાહેબને અને એમના સાથીઓને યોગીજી મહારાજે કહ્યું, ‘હું તમને ભગવાં આપતો નથી પણ હૃદય ભગવું કરીને સાધુ જેવું જીવવાના આશીર્વાદ આપું છું.’ આ આશીર્વાદે સાહેબને સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયમાં ક્રાંતિનું નિમિત્ત બનાવ્યા.
છેક ડોક્ટરેટ સુધીના અભ્યાસે પહોંચેલા, ત્યારના મેઘાવી અને તેજસ્વી યુવાન સાહેબ અને તેમના સાથીઓ ભગવાં વિનાના સ્વામીનારાયણી સાધુ બન્યા. ભગવાં ન હોવાથી એમને સ્ત્રીઓ સાથે સહજ વાત કરતાં સ્વામીનારાયણી સાધુનાં બંધન નડતાં નથી. પોતે જાતે માની લીધું કે, ભગવાં નથી તેથી ભગવાધારી સાધુ જે રીતે આર્થિક સેવા માગે તેવી માગવી નથી. આથી ફંડફાળા સામે ચાલીને માગવાથી વેગળા રહ્યાં.
કાળાંતરે સાહેબનું સંગઠન ‘અનુપમ મિશન’ નામ ધારીને સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત બન્યું. એના મોવડી અને પ્રાણપુરુષ સાહેબ વિશિષ્ટ અને મોહક વ્યક્તિત્વ ધરાવે છે. સાદગી અને સરળતા એમના સ્વભાવમાં વણાયાં છે. માગવાને બદલે સમાજને આપવામાં માને છે. સાધુ કે સંતનું કામ મા જેવું છે - સમાજને પ્રેમ આપવો, સારપ અને સદગુણ વધારવા. આ માટે સાહેબે શિક્ષણ અને સેવાને સાધન તરીકે અપનાવ્યું છે.
સેવાનું પહેલું ક્ષેત્ર આરોગ્યનું માન્યું. પહેલું સુખ તે જાતે નર્યાં એવી કહેવત પ્રમાણે પહેલું સુખ આરોગ્યનું આપવા એમની પ્રવૃત્તિ ચાલતી હતી. માનસિક આરોગ્ય માટે વ્યસનમુક્તિ અને ચારિત્ર્ય નિર્માણને પાયાનું માનીને સત્સંગ કેન્દ્રોમાં નિયમિત સભા થતી અને યુવા શિબિરો ચલાવતા હતા. વધારામાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા હતા. આમાં કર્મયોગ ફાઉન્ડેશનના સ્થાપક, પ્રમુખ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે અનુપમ મિશનને આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિ કરવા સૂચવીને આરંભમાં ૧૧ લાખ રૂપિયાના દાન સાથે નવી દિશા ચીંધી.
સાહેબ પાસે સૂઝ, નિષ્ઠાવાન સાથીઓ અને પારદર્શક વહીવટની મૂડી હોવાથી સરદાર પટેલની જ્યાં વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા થઈ રહી છે તે કેવડિયા કોલોનીના એક ગામથી શરૂઆત કરી. જ્યાં ચોમાસામાં પહોંચી ના શકાતું, શિક્ષણ ન હતું. ગરીબી હતી. શિક્ષણની જોગવાઈ ન હતી. આરોગ્યની સવલતો કે ડોક્ટર ન હતા ત્યાં અનુપમ મિશનના સાધુઓ, પગારદાર ડોક્ટર, એમ્બ્યુલન્સ, જરૂર પડ્યે વડોદરા સુધી દર્દીને પહોંચાડવાનું કામ કરે છે. શાળાઓમાં બાળકોનાં માથાં ધોવાનો કાર્યક્રમ સાધુઓ યોજે છે. અપૂરતા પોષણ સામે વિટામીન્સ અને દવાઓનું વિતરણ કરે છે. અવારનવાર આરોગ્ય નિદાન શિબિર યોજે છે. ક્યારેક વિદેશથી પણ નિષ્ણાત ડોક્ટર્સ અને સ્વયંસેવકો આવે છે. એક પછી એક દત્તક ગામની સંખ્યા વધારતાં આજે ૩૫ ગામો થયાં છે. એક ગામથી શરૂ થયેલી પ્રવૃત્તિ આજે વટવૃક્ષ બની છે. કામની પ્રતિષ્ઠાએ હવે બીજેથી પણ આમાં સહાય મળે છે.
સાહેબના નેતૃત્વમાં ધારી, નડિયાદ અને વલ્લભ વિદ્યાનગર પાસે મોગરીની શૈક્ષણિક સંસ્થાઓમાંથી એસ.એસ.સી. બોર્ડમાં પ્રથમ દસ વિદ્યાર્થીઓમાં એકાદ નંબર અહીંના વિદ્યાર્થીનો હોય છે. બે વખત સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો. આવું જ અહીંની અક્ષર પુરુષોત્તમ ટેકનિકલ સ્કૂલનું છે. જેમાં આર્કિટેક્ટ અને બિલ્ડીંગ પ્લાનિંગનો બે વર્ષનો અભ્યાસક્રમ છે, તેમાં દર વર્ષે પ્રથમ દશ વિદ્યાર્થીમાં અહીંના એક-બે હોય છે.
સાહેબના પારદર્શક અને સ્નેહસભર વ્યક્તિત્વને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે દાનની સરિતા કેવી વહે તેનો એક નમૂનો આ રહ્યો. લંડનમાં સર્વમિત્ર એવા સુરેન્દ્ર પટેલના સંપર્કે મુંબઈના નિરંજનભાઈ અને અરુણિકાબહેનનો સંપર્ક થયો. નિરંજનભાઈએ પાંચ લાખ રૂપિયા શૈક્ષણિક પ્રવૃત્તિમાં ખર્ચવા આપ્યા. મિશને તેનો ઉપયોગ રોજગારલક્ષી તાલીમ માટે કર્યો. મોબાઈલ ફોન રિપેરિંગ અને કમ્પ્યુટર રિપેરિંગના ખાસ વર્ગ ચલાવ્યા. એ કોર્ષમાં કેટલા પૈસા શી રીતે ખર્ચ્યા, પરિણામ શું આવ્યું તેનો રિપોર્ટ દાતાને વિના માગ્યે મોકલ્યો. દાતા નિરંજનભાઈને તેમનું દાન જે હેતુ માટે વપરાયું તેનો હિસાબ મળતાં ખૂબ આનંદ થયો. તેમણે વધુ વિદ્યાર્થીઓને લાભ મળે અને ભણ્યા પછી વિદેશમાંય નોકરી મળે તેવા અભ્યાસક્રમ યોજવા ત્રણ કંપનીઓનાં સંપર્કનું સૂચવ્યું. આમાં ઓરેકલ્સ, માઈક્રોસોફ્ટ અને સિસ્કોનાં નામ હતાં. આ સંસ્થાઓ સાથે જોડાણ કરાવ્યું. એમણે એમાં ક્રમશઃ ૮૦ લાખ રૂપિયા આપ્યા અને ૨૫૦૦૦ વિદ્યાર્થીઓને લાભ મળ્યો. હજી પ્રવૃત્તિ ચાલુ છે.
મહાત્મા ગાંધીએ એમના જમાનામાં રેંટિયો સૂચવ્યો. જેનાથી ભૂખે મરતી પ્રજાને આખો નહીં તો અડધો રોટલો મળે. સાહેબ આજે કમ્પ્યુટર મારફતે પૂરો રોટલો મળે. મળેલો રોટલો વેડફાય નહીં માટે વ્યસનવિહોણું જીવન આવે અને કામ કરવાની શક્તિ, સ્ફૂર્તિ રહે તેવું આરોગ્ય જળવાય તેવી પ્રવૃત્તિમાં રાચતાં સદા પ્રસન્ન સંત છે, જેમના વિશ્વમાં બધે ચાહકો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter