સ્વામી વિવેકાનંદનું યુકે આગમન, સિસ્ટર નિવેદિતાનું ભારતગમન

રોહિત વઢવાણા Tuesday 30th July 2019 04:58 EDT
 
 

નરેન્દ્ર નામે ઓળખાતો ૧૮૬૩માં જન્મેલો યુવાન ૧૮૮૧માં પહેલી વખત રામકૃષ્ણ પરમહંસને દક્ષિણેશ્વરમાં મળે છે ત્યારે તેના મન પર ઊંડી અસર તો પડે છે, પરંતુ હજી તેનામાં સંપૂર્ણ વૈરાગ્ય આવવાનો બાકી છે. ત્યાર બાદ પાંચેક વર્ષના ગાળામાં ૧૮૮૬માં તે સન્યાસ લઈને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરે છે અને વેદાંતનો પ્રચાર કરવા માંડે છે. રામકૃષ્ણ મિશન હેઠળ તેમણે ૧૮૯૩માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં ‘ભાઈઓ અને બહેનો’ના સંબોધનથી વક્તવ્ય શરૂ કર્યું ત્યારે બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજતો રહ્યો અને ત્યારબાદ જ્યાં જ્યાં વિવેકાનંદ ગયા ત્યાં ત્યાં સભાખંડ ગાજ્યા, તેમનો સંદેશો ફેલાયો અને લોકોને ભારત, ઉપનિષદ, વેદાંત અને પૂર્વની સંસ્કૃતિ તથા દર્શન અંગે ઘેલું લાગ્યું. 

વિશ્વની સફર ખેડતા સ્વામી વિવેકાનંદ યુકેના પ્રવાસે ત્રણ વખત આવ્યા: ૧૮૯૫, ૧૮૯૬ અને ૧૮૯૯. પ્રથમ વખત જયારે તેઓ ૧૮૯૫માં ઇંગ્લેન્ડ આવ્યા ત્યારે તેમનો ભેટો માર્ગરેટ એલિઝાબેથ નોબેલ નામની આઈરીશ યુવતી સાથે થયો, જે તેમની શિષ્યા સિસ્ટર નિવેદિતા બની. આ સિસ્ટર નિવેદિતાએ રામકૃષ્ણ મિશનનો સંદેશો ભારત અને પશ્ચિમી જગતમાં ફેલાવવામાં જીવન સમર્પિત કર્યું. ત્રીજી વખત જયારે સ્વામી વિવેકાનંદ ઇંગ્લેન્ડ આવ્યા ત્યારે સિસ્ટર નિવેદિતા તેમની સાથે આવેલા. સ્વામીજીએ ઈંગ્લેન્ડમાં ત્રણેય પ્રવાસ દરમિયાન કુલ ૨૯૭ દિવસ વિતાવેલા જે આ ધરતી માટે ગૌરવ ગણાય.
આ સિસ્ટર નિવેદિતાની પ્રતિમા તેમની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ગ્રેટ ટોરિંગટોન ખાતે તેમના પરિવારની સમાધિમાં ૨૭મી જુલાઈ ૨૦૧૯ના રોજ અનાવરિત કરવામાં આવી. કાંસ્યની બનેલી આ પાવન પ્રતિમા પશ્ચિમ બંગાળ સરકારે ભારતથી મોકલાવી હતી અને બોર્ન એન્ડ ખાતે આવેલા રામકૃષ્ણ વેદાંત સેન્ટરના અધ્યક્ષ શ્રી સ્વામી સર્વસ્થાનંદના આશીર્વાદરૂપ નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન થયેલું. રામકૃષ્ણ વેદાંત સેન્ટર લંડનમાં ૧૯૪૮થી કાર્યરત હતું અને ત્યારબાદ ૧૯૭૮માં બકિંગહામશાયરમાં દસેક એકરના વિશાળ કેમ્પસવાળા આશ્રમમાં સ્થળાંતરિત થયું. સિસ્ટર નિવેદિતાનો સ્વર્ગવાસ તો ભારતમાં જ થયેલો. તેમના અસ્થિ દાર્જિલિંગથી ઇંગ્લેન્ડ લાવનાર વ્યક્તિ ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝ હતા.
સ્વામી વિવેકાનંદ કહેતા કે મારો સંદેશ પશ્ચિમની સંસ્કૃતિ માટે એવો છે જેવો કે ભગવાન બુદ્ધનો પૂર્વની સંસ્કૃતિ માટે. જ્ઞાની, તેજસ્વી અને ધારદાર વાકછટા ધરાવતા સ્વામી વિવેકાનંદનો ઉપદેશ આજે પણ યુકેમાં પ્રાપ્ત થઇ રહ્યો છે તે અહીં રહેતા ભારતીય અને બ્રિટિશ લોકો માટે સદ્દભાગ્યની વાત છે. વિવેકાનંદ હ્યુમન સેન્ટરે પણ તાજેતરમાં ૨૫મી વર્ષગાંઠ ઉજવી અને તેના સંદર્ભમાં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન ખાતે સરસ કાર્યક્રમનું આયોજન થયેલું જેમાં કેટલાય લોકોએ ઉમળકાભેર ભાગ લીધો.
સ્વામી વિવેકાનંદનું યુકે આગમન અને સિસ્ટર નિવેદિતાનું ભારતગમન અને ત્યારબાદ બંને દેશો વચ્ચે થયેલું સાંસ્કૃતિક અને દાર્શનિક આદાન-પ્રદાન થેમ્સ-ગંગા સેતુબંધ સમાન બની રહ્યું છે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter