એક વર્ષથી હું સાઉથ દિલ્હીની નાની પરંતુ, હરિયાળી કોલોનીમાં રહું છું જેને ‘મેફેર ગાર્ડન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ એક નાનો નિવાસી પડોશ છે જેમાં સુંદર અને બારીક કોતરણી સાથેનું સ્મારક, બહુ જાણીતા નહિ તેવા સંત હઝરત મખદૂમ સબ્ઝવારીની દરગાહને અડીને આવેલી મસ્જિદ પણ છે. કેટલાક તેને લોધી સમયગાળાની એટલે કે ૧૫મી સદીની હોવાનું કહે છે તો કેટલાકના મતે તુઘલખના ઉત્તરાર્ધ કાળની એટલે કે ૧૪મી સદીના અંત અથવા ૧૫મી સદીના આરંભકાળની છે.
કેટલાક લેખકો અને બ્લોગર્સ ‘ઓનલાઈન ગેલેરી ઓફ બ્રિટિશ લાઈબ્રેરી’માંથી મેટકાફની દિલ્હી ડાયરીને ટાંકે છે, જેમાં ખુલાસો કરવામાં આવે છે કે,‘ દરગાહ મખદૂમ (શાબ્દિક રીતે સેવક) સબ્ઝવારી (જન્મસ્થળને દર્શાવતું ટાઈટલ છે) સાહેબ’ કિશ પ્રાંતના સબ્ઝ ટાઉનના વતની હતા. અહીંથી તેઓ શિરાજ અનૈ બોખારા ગયા હતા જ્યાં, તેમણે મેડિસીન તેમજ સેવા અને સાહિત્યની અન્ય શાખાઓમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેઓ ઈ.સ. ૧૨૯૬થી ૧૩૧૬ના ગાળામાં શાસન કરનારા સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીના કાળમાં ભારત પરત આવ્યા હતા. હઝરત સાહેબનું નિધન ઈ.સન ૧૩૨૫ની આસપાસ થયું હતું અને તેમના સંતાનોના હાથે દરગાહ અને મસ્જિદનું નિર્માણ થયાનું કહેવાય છે. આવા જ એક બ્લોગરના બ્લોગમાંથી મને જાણવા મળ્યું હતું કે મેફેર ગાર્ડન્સનું પુરાણુ નામ કદાચ ‘ખુર્દ પુર્દ ધારનોર - Khurd Purd Dharnor’ હતું.!
મેફેર ગાર્ડન્સના હારબદ્ધ વૃક્ષોથી છવાયેલી શેરીઓ-માર્ગો વિવિધ પ્રકારના ફળ અને પુષ્પોથી મઘમઘે છે. ગોલ્ડન લાબુરનુમ અથવા અમલતાસના પુષ્પો અને પર્ણો તેમજ અંજીર અને જાંબુ (ભારતીય બ્લેકબેરી) માર્ગો પર પથરાઈ જાય છે અને પક્ષીઓ અને ખિસકોલીઓ જ્યાફત માણવા દોડાદોડ કરે છે. વર્ષના આ સમયમાં શેરીઓમાં તોડેલાં જંગલી અંજીર દેખાવાનું સામાન્ય છે. ફળના ભારથી લચી પડેલા બિલિ (Bael)ના કેટલાક વિશાળ વૃક્ષો પણ છે. બિલિના ફળ (બિલ્વફળ)માંથી બનાવેલું સ્વાદિષ્ટ અને ઠંડુ શરબત, ઉત્તર ભારતની ગરમીમાં ઠંડક આપનારું અને સાજા કરનારું બની રહે છે. બિલિ મૂળ ભારતીય ઉપખંડનું વૃક્ષ છે અને બેંગાલ ક્વિન્સ અથવા વૂડ એપલ સહિત અનેક નામથી ઓળખાય છે.
આટલા બધા ફળાઉં વૃક્ષો, છોડવાં અને પુષ્પોથી ભરચક કોલોની દેખીતી રીતે જ પ્રકૃતિનું ઉદ્યાન છે. કેટલાક દયાળુ રહેવાસીઓ પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે છે. મારાં ચાલવાં દરમિયાન મેં ઘણી વખત પક્ષીઓ, પતંગિયાં અથવા મધમાખીઓની નવી પ્રજાતિઓ નિહાળી છે. સ્મારકની આસપાસ બાજ પક્ષીઓની કેટલીક પ્રજાતિ વસે છે. ચોક્કસપણે તેઓ સ્મારકની પ્રાચીન દીવાલોની તિરાડોમાં છૂપીને રહેતા ઉંદરોની વસ્તીની મિજબાનીઓ માણે છે. સ્મારકના પરિસરમાં જૂના સૂકાઈ ગયેલા કૂવાઓમાં સાપ અને ઉંદરોનાં દર હોવાનું મનાતું હોવાથી નોળિયાઓ (Mongoose) પણ માર્ગો પર દોડીને તે તરફ જતા હતા.! આ દિવસોમાં સવારમાં ઠંડા પવનની લહેરખીઓ, કોયલના કૂંજગાન અને વૃક્ષોની ઉદારતા સાથે આનંદપૂર્ણ મિજબાનીઓ માણતા પક્ષીઓના કલરવ અને અવનવા અવાજોની વચ્ચે ચાલવામાં મોજ આવે છે. !
જોકે, ગત સપ્તાહે તદ્દન અલગ પ્રવૃત્તિએ સમગ્ર નેબરહૂડને પ્રવૃત્ત બનાવી દીધું. રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશન (RWA) દ્વારા નાની ખાનગી હોસ્પિટલની મદદ સાથે વેક્સિનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ સામે આશરે ૨૦૦થી વધુ લોકોને વેક્સિન અપાયું હતું. કેમ્પ યોજવા માટે સપ્તાહો સુધી ચર્ચા-વિચારણા ચાલી હતી. રહેવાસીઓ અવનવા વિચારો સાથે આગળ આવ્યા હતા. આખરે એક ખાનગી હોસ્પિટલ આખા દિવસની સામૂહિક વેક્સિનેશન કવાયત માટે તૈયાર થઈ તે પહેલા RWAના પ્રેસિડેન્ટે અનેક સંભવિત પાર્ટનર્સનો સંપર્ક કર્યો હતો. અગાઉ, એપ્રિલ મહિનામાં RWA દ્વારા નાની હોસ્પિટલમાં વેક્સિન્સની વ્યવસ્થા કરવા સાથે વયોવૃદ્ધ રહેવાસીઓ માટે એપોઈન્ટમેન્ટ્સ અને તેમને લાવવા-લઈ જવામાં પણ મદદ કરી હતી.
આ વેક્સિનેશન કેમ્પથી વૃદ્ધ રહેવાસીઓને પોતાનો બીજો વેક્સિન ડોઝ અને યુવા રહેવાસીઓને પ્રથમ ડોઝ મળ્યો હતો. એક ઉદાર રહેવાસીએ પોતાનું ખાલી ઘર આપવાની વ્યવસ્થા કરી હતી તો અન્ય રહેવાસીઓએ ફર્નિચર, પેડસ્ટલ પંખાઓ, કૂલર્સ, પોર્ટેબલ એર કન્ડિશનર્સ અને કેટલાકે હેલ્થ વર્કર્સ માટે ભોજન અને ડ્રિન્ક્સની પણ વ્યવસ્થા કરી હતી. સ્વાગતસૂચક રંગોળીથી ઉત્સવનો માહોલ રચાયો હતો અને ઘણા નર્વસ રહેવાસીઓને આવકાર અપાયો હતો! કેમ્પના યોગ્ય આયોજન માટે રહેવાસીઓને નિયત ક્રમ અપાયા હતા. ગૂગલના ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકે નહિ તેમની મદદ કરવા માટે યુવાન સ્વયંસેવકો પણ તૈયાર હતા. કેટલાક વોલન્ટીઅર્સે પોતાના IT કૌશલ્યનો ઉપયોગ કરી ટાઈમ ચાર્ટ તૈયાર કર્યો હતો જેનાથી કેમ્પમાં ભીડને ટાળી શકાય. લોકોને આવશ્યક દસ્તાવેજો સાથે લાવવા જણાવવા ઉપરાંત, ભયાનક ગરમીનો સામનો કરવા હેટ અને છત્રીઓ પણ લાવવાનું યાદ કરાવાયું હતું. આ સમગ્ર આયોજન લશ્કરી કાર્યક્ષમતા સાથે પાર પડાયું હતું. કોલોનીમાં રહેતા પૂર્વ RWA પ્રેસિડેન્ટ સહિત ત્રણ ડોક્ટર્સે સમગ્ર કેમ્પના સમય દરમિયાન ખડા પગે ઉભા રહીને સેવા આપી હતી. સ્થાનિક ધારાસભ્યે પણ બે વખત કેમ્પની મુલાકાત લીધી હતી.
વધુ મહત્ત્વની બાબત એ પણ છે કે કોલોનીના રહેવાસીઓએ ઘરોમાં રહેતા પોતાના પરિવારજનોની સાથે જ તેમના સ્ટાફને પણ વેક્સિન અપાવ્યું હતું. એક રહેવાસીએ સિક્યુરિટી સ્ટાફ અને માળીઓ સહિત તમામ RWA સ્ટાફના વેક્સિનેસનનો ખર્ચ ચૂકવવા ઓફર કરી હતી જ્યારે અન્ય રહેવાસીએ પોતાની હાથલારીમાં ફળો વેચવા આવતા ફળોના ફેરિયાઓને પણ સામેલ કર્યા હતા.
થોડા દિવસો અગાઉ કોલોનીમાં આવેલા ગુરુદ્વારાએ સ્થાનિક સત્તાવાળાઓની મદદથી ૧૭૮ રહેવાસીઓ માટે નિઃશુલ્ક RT PCR ટેસ્ટિંગનું આયોજન કર્યું હતું. ગયા વર્ષના એપ્રિલ મહિનાથી સપ્તાહમાં છ દિવસ સુધી, ઘણી વખત રહેવાસીઓ દ્વારા પણ લંગર અથવા રાંધેલી રસોઈની વહેંચણી કરવામાં આવે છે જેનો લાભ દરરોજ ૧૨૫થી ૧૮૦ લોકો મેળવે છે.
આ પ્રકારના પ્રયાસો ભારતભરમાં ચાલતા જ રહે છે. જોકે હજુ ઘણા લોકોએ સહાય માટે આગળ આવવાની જરુર છે. આ વ્યાપક મહામારીમાં સહુનો સાથ મળતો રહે તે આવશ્યક છે!
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)