હાઈ-સ્ટ્રીટ્સની જાહોજલાલી અને પડતી

સી.બી પટેલ Thursday 16th January 2020 05:09 EST
 
 

વડીલો સહિત સહુ વાચકમિત્રો,

બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમ દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં ૨૦૧૯ને રીટેઈલ બિઝનેસીસ માટે સૌથી ખરાબ વર્ષ જાહેર કરાયું છે. નજીકના ભૂતકાળને તપાસીએ તો ઘણી મોટી રીટેઈલ બ્રાન્ડ્સ એટલી ઝડપે બંધ થઈ છે કે કોઈને પણ આશ્ચર્ય થાય. પલક ઝુકાવીએ અને ત્યાં તો તમારી જીવંત લાગતી હાઈ-સ્ટ્રીય અદૃશ્ય થઈ ગઈ હોય. મધરકેર દ્વારા તેના બાકી રહેલાં થોડા સ્ટોર્સમાંથી ૭૯ સ્ટોરને તાળા લગાવી દીધા. જ્વેલરી બ્રાન્ડ લિન્ક્સ ઓફ લંડન ૧૫ સ્ટોર બંધ કરવાની તૈયારીમાં છે. બ્રિટિશ મલ્ટિનેશનલ રીટેઈલર અને ક્લોધિંગ જાયન્ટ ડેબેનહામ્સ પણ છેલ્લા શ્વાસ ગણી રહેલ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં ૨૨ સ્ટોરના શટર્સ પાડી દેશે. સાઉથ એશિયનો જેની વાનગીઓનો સ્વાદ મમળાવતા હોય છે તેમના માટે ફ્રોઝન ફૂડ રીટેઈલર બેજામ હવે માત્ર સ્મરણ જ બની રહેશે. આપણે બીએલ્સને પણ ભૂલી ન શકીએ, જેના પતનની આગાહી કરાઈ ચૂકી છે.

આ રીતે સ્ટોર્સ બંધ થતા રહેવાથી બેરોજગારી સર્જાય છે એટલું જ નહિ, અન્ય ગંભીર પરિણામો પણ જોવાં મળે છે. એક સમય હતો જ્યારે સતત વિકસતી અને પ્રશંસાપાત્ર રીટેઈલ શોપ્સ સાથે હાઈ સ્ટ્રીટ્સ જીવંત લાગતી હતી. હવે યુકેના શહેરો અને નગરોમાં આ સ્ટોર્સ ખાલી પડ્યા છે અથવા ચેરિટી સ્ટોર્સમાં ફેરવાઈ ગયા છે. એક સમયે સતત મુલાકાત લેવાતી હોય તેવી FMCG દુકાનોના સ્થાને ઈટરીઝ અને જુગારખાના ગોઠવાઈ ગયા છે. આ તે કેવું પતન!

બીજી તરફ, ગ્રેટર માન્ચેસ્ટરમાં અલ્ટ્રિન્ચામને તેના પરંપરાગત માર્કેટને કલ્પનાશીલ નવસર્જન સાથે હાઈ સ્ટ્રીટને ચેતનવંતી બનાવવામાં સફળતા સાંપડી છે. સરકાર આવી પહેલો દ્વારા ૧૦૦થી વધુ સ્થળોને પ્રોત્સાહન આપવા ૩.૬ બિલિયન પાઉન્ડ ખર્ચવા તૈયાર છે. આપણે બધા સ્વીકારીએ છીએ કે હાઈ સ્ટ્રીટ્સને છોડી દેવાના બદલે તેને નવાં સ્વરુપ સાથે વિકાસવાની જરૂર છે.

હાઈ સ્ટ્રીટ્સ અને ખાસ કરીને FMCG આઉટલેટ્સની પડતી માટે કોઈ એક કારણને દોષિત ઠરાવી શકાય તેમ નથી. કોઈ બ્રેક્ઝિટ અને તેને સંલગ્ન રાજકીય અચોક્કસતા પર દોષ ઢોળી શકે. પરંતુ, આ બિઝનેસીસનું પતન તો ઘણા સમય અગાઉ શરૂ થઈ ગયું હતું. કેટલાક તેને કુદરતી સિદ્ધાંત પણ ગણાવે છે. આની સાથે જ NEXT જેવા રીટેઈલર્સ પતનના ટ્રેન્ડને અટકાવી શક્યા છે. કેટલાંક રીટેઈલર્સ બિઝનેસ રેટ્સ અથવા ગ્રાહકોને દૂર ધકેલતી લોકલ કાઉન્સિલની વાહન પાર્કિંગ નીતિઓ વિશે ફરિયાદો કરે છે. આ બધા કારણો પણ તદ્દન પાયાવિહોણાં નથી જ.

હું તો મારી દુકાનદારીના સમયનો ખાસ આભારી છું અને તેના આનંદિત અનુભવોને પ્રેમથી વાગોળું છું. અમે ૧૯૬૮માં નોર્થ વેસ્ટ લંડનના બર્ન્ટ ઓકમાં બીજી શોપ હસ્તગત કરી હતી. તે જીર્ણશીલ હાલતનો ગ્રીન ગ્રોસરી સ્ટોર હતો. અમે તેને સર્વસામાન્ય ગ્રોસરી અને પાછળથી ભારતીય મસાલા, અથાણાં અને ઘણું બધું વેચતા જનરલ સ્ટોરમાં ફેરવી શક્યા હતા. આ બિઝનેસ સમય જતા નાના પ્રોપર્ટી પોર્ટફોલિયોમાં ફેરવાયો હતો. હું તમને એટલું તો કહી શકું છું કે મારા જેવી સ્ટોરી ધરાવતા અનેક લોકો છે.

આજે એશિયનો અને ખાસ કરીને, ભારતીય અને ઈસ્ટ આફ્રિકન પશ્ચાદભૂ ધરાવતા લોકો સફળ એન્ટ્રેપ્રીન્યોર તરીકે માન્યતા અને સન્માન ધરાવે છે. હાલના ઘણા કેશ એન્ડ કેરી, ફાર્મા, ડિસ્ટ્રિબ્યુશન, કેર હોમ અને પ્રોપર્ટી જૂથોના સ્થાપકો એક સમયે શોપકીપર્સ હતા. તેઓ નાણાકીય સફળતા હાંસલ કરવાની નિસરણી તરીકે શોપ્સનો ઉપયોગ કરી શક્યા હતા. ઈદી અમીન સત્તા પર આવ્યા પછી ઘણા યુગાન્ડન એશિયનોએ સંપત્તિ છોડીને પહેરેલા કપડે યુકેમાં શરણ લેવાની ફરજ પડી હતી અને તેઓ શોપકીપર્સ તરીકે સ્થાયી થયા હતા. એક અંદાજ મુજબ ૨૦૦૨ સુધીમાં એશિયનોએ લેસ્ટરમાં જ ૩૦,૦૦૦ નોકરીનું સર્જન કર્યું હતું. ૧૯૭૦ના પૂર્વાર્ધમાં તેઓ લેસ્ટર સહિત મુખ્ય શહેરોમાં સ્થાયી થયા હતા.

તે સમયે માર્ગારેટ થેચરે કહ્યું હતું કે,‘ માત્ર વૈવિધ્યતામાંથી પ્રાપ્ત સ્થિતિસ્થાપકતા જ બ્રિટનને મજબૂત બનાવી શકશે.’

૫૦ વર્ષ અગાઉ, કાઉન્સિલ હાઉસિંગ એસ્ટેટ્સની સારી સેવા ઈસ્ટ આફ્રિકન એશિયનોએ કરી હતી, જ્યાં રહેવાસીઓ મોટા ભાગે આવી શોપ્સની નિયમિત મુલાકાતો લેતા હતા. ઘણી વખત વૃદ્ધ અને સામાજિક એકલતા અનુભવતા હોવાથી ખરીદારી કરવા અથવા તો માત્ર ટોળટપ્પાં કરવા માટે પણ આવતા હતા. આના કારણે વાસ્તવમાં સામાજિક સુમેળ સર્જાતો હતો. આ ઉપરાંત, ઘણા લાભ હતા. મોટા ભાગના દુકાનદારો તો પ્રીમાઈસીસમાં જ અથવા નજીકમાં વસતા હતા. પતિ અને પત્ની સાથે મળીને સ્ટોર્સ ચલાવતા અને તેમના બાળકો નજીકની શાળામાં અભ્યાસ કરતા. પેરન્ટ્સને પોતાના સંતાનો ક્યાં છે તેની જાણ રહેતી, તેમની સારી સારસંભાળ લેવાતી અને બાળકો સારા વિદ્યાર્થી બનતા. આજે આપણે જોઈએ છીએ તેમ તેવી પેઢીઓ મોટી થઈને સફળ બિઝનેસ માલિકો બની રહી હતી.

મારા માનવા મુજબ શોપ્સ બંધ થવાનો સૌથી મહત્ત્વનો ગેરલાભ યુવા ભંગફોડિયા તત્વો ઉભાં થયાંનો જોવા મળ્યો. તે સમયમાં આ રીટેઈલ સ્ટોર્સ યુવાન છોકરા-છોકરીઓને સવારમાં અથવા વીકેન્ડસમાં અખબારોના વિતરણ, અભરાઈઓ પર માલસામાન ગોઠવવા સહિતની પાર્ટ-ટાઈમ નોકરીઓ પર રાખતા હતા. યુવાન બાળકોમાં સામાન્ય કામકાજ-દોડાદોડી કરવા જેવી કાર્યસંસ્કૃતિનો લોપ થયો છે અને સ્ટોર્સની પડતી થતી રહી છે ત્યારે યુવાનો પોકેટ મની ઉભા કરવા ડ્રગ્સ તેમજ અન્ય જોખમી પદાર્થો વેચવા સહિતના માર્ગે વળી ગયા છે.

૧૯૬૦ના દાયકામાં લેસ્ટર, માન્ચેસ્ટર સહિત ઘણા શહેરો, નગરોમાં પછાત વિસ્તારોને પુનર્વસન માટે નિશ્ચિત કરાયા હતા પરંતુ, તેમને સરકાર પાસેથી નાણા મળી શક્યા નહિ. લેસ્ટરમાં બેલગ્રેવ રોડનું જ ઉદાહરણ લઈએ. ઈસ્ટ આફ્રિકન એશિયનો ૧૯૬૦ના દાયકામાં સ્થળાંતર કરી યુકે આવ્યા અને માત્ર ૧૦-૧૫ વર્ષમાં તો તે રોડ ભવ્ય હાઈ સ્ટ્રીટમાં ફેરવાઈ ગયો.૧૯૬૮માં લેસ્ટર સિટી કાઉન્સિલના નેતા રેવ મિડલટને ભારતીય બિઝનેસીસનો આભાર માનવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો નહિ. આપણી કોમ્યુનિટીએ બેલગ્રેવ રોડને સિટી કાઉન્સિલ માટે દૂઝણી ગાય સમાન બનાવી દીધો હતો.

અન્યત્ર પણ આવું જ પુનરાવર્તન જોવાં મળ્યું હતું. શોપકીપર્સના સંતાનો વિવિધ રીતે મોટા એન્ટ્રેપ્રીન્યોર્સ બની ગયા. ૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રોથમેન્સ તેમજ માર્સ દ્વારા ગ્રેટર લંડનના M25 એરિયામાં સર્વેક્ષણ કરવામાં આવ્યું અને તેમને જણાયું કે અંદાજે ૭૦ ટકા FMCG શોપ્સ ભારતીય મૂળના એશિયનો દ્વારા ચલાવાતી હતી અને કુલ ૪૦,૦૦૦ બિઝનેસીસમાં મોટા ભાગના ન્યૂઝએજન્ટ બિઝનેસ ચલાવતા હતા.

તે સમયે રુપર્ટ મર્ડોકના આગમન સાથે પ્રિન્ટ મીડિયામાં જંગી પરિવર્તન જોવાં મળ્યું હતું. લંડન વિસ્તારમાં ચાર-પાંચ ન્યૂઝપેપર વિતરકો હજારો શોપ્સની સેવા મેળવતા હતા. તેઓ નાની દુકાનો તેમજ મોટા વેપારીઓને અખબારોનો સપ્લાય કરતા અને મુખ્યત્વે એશિયન પશ્ચાદભૂ સાથેના સ્વતંત્ર ન્યૂઝ એજન્ટ્સ પરત્વે નિષ્કાળજી સેવાતી હતી.

આ સંજોગોમાં કર્મ યોગ હાઉસમાં એક બેઠક યોજાઈ હતી જેમાં, વિરેન્દ્ર પટેલ, વિનોદ નાકરાજા, શક્તિ શાહ સહિત લગભગ ૧૦૦ ન્યૂઝ એજન્ટ્સ ઉપસ્થિત હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા એ હતો કે મોટા હોલસેલર્સ ન્યૂઝ પેપર્સના સપ્લાય, હિસાબી પૂછપરછ તેમજ અન્ય મુદ્દાઓ પરત્વે નાના ન્યૂઝ એજન્ટ્સની સમસ્યાઓની કોઈ દરકાર કરતા નથી. તે સમયે અને આજે પણ છે તેમ ન્યૂઝ વિષયક સ્વતંત્ર ધંધાના પ્રતિનિધત્વનું દાવો કરતું રાષ્ટ્રીય સંગઠન હતુ પરંતુ, બેઠકમાં ન્યૂઝએજન્ટ્સ એક્શન ગ્રૂપ (NAG) લોન્ચ કરવા નિર્ણય લેવાયો હતો. તેનો આરંભ તો સારો રહ્યો પરંતુ, અન્ય સંગઠનોને સત્તા અને વગ થકી એશિયન ન્યૂઝ રીટેઈલર્સમાં એકતાનો ટુંક સમયમાં અંત લાવવામાં સફળતા મળી જ ગઈ.

આજે, કદાચ આવી જ સમસ્યા કદાચ ફાર્મસી બિઝનેસ તથા અન્ય પ્રવૃત્તિઓને અસર કરી રહી છે. હકીકત એ છે કે સરકાર અને રાષ્ટ્રીય મીડિયા ઘણા શક્તિશાળી જૂથોને સાંભળે છે અને નાના વેપારીઓને નજરઅંદાજ કરે છે. એક તબક્કે એંસીના દાયકાના ઉત્તરાર્ધમાં BCCI (બેન્ક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ) સફળ એન્ટરપ્રાઈઝ હતું. અબિ ધાબી સરકારના પીઠબળ સાથે પાકિસ્તાની બેન્કર દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ, ભૂલો-ગુનાઓની એટલી ભરમાર ચાલી કે સરકારને આખરે તેને બંધ કરવાનો વારો આવ્યો.

જોકે, આના પછી, ઈક્વેટોરિયલ બેન્ક, માઉન્ટ બેન્ક, મેઘરાજ બેન્ક્સ તેમજ અન્ય સહિતની ખાનગી ભારતીય બેન્કો પણ અસ્તિત્વ જાળવી શકી નહિ. તેના પર વિચારીએ તો, તેમનો વહીવટ સારો હતો અને ભંડોળ પણ પૂરતું હતું. તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરવાના નિર્ણય અને સમજ કેળવવા માટે આપણે એ સમજવાની ખાસ જરૂર છે કે નુકસાન માત્ર તેમનું નથી, દેશને પણ નુકસાન થાય છે.

બ્રિટિશ એશિયનો અને વિશેષતઃ ભારતીય પશ્ચાદભૂ સાથેના લોકો હવે બ્રિટિશ વેપાર અને વાણિજ્યના મુખ્ય પ્રવાહ સાથે ભળી ગયા છે. આપણે પ્રણેતાઓના આભારી છીએ જેમની બીજી અને ત્રીજી પેઢીઓ સદ્ધર થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે ઈંગ્લેન્ડને ‘દુકાનદારોના દેશ’ તરીકે ઓળખાવાતો હતો અને એશિયનોની ઓળખ ‘કોર્નર શોપવાલા’ તરીકેની હતી. હવે એ દિવસો રહ્યા નથી કે જ્યારે એવી રમૂજો ચાલતી હતી કે જો માનવી ચંદ્ર પર જશે તો ત્યા પણ પટેલો દ્વારા ચલાવાતી કોર્નર શોપ્સ મળી આવશે.

શોપકીપર્સ એક દોરી સમાન છે અને એક દેશ તરીકે તેમાંથી સુંદર હાર-નેકલેસનું નિર્માણ કરવાનું આપણા જ હાથમાં છે.

(એશિયન વોઈસમાં પ્રકાશિત As I See It કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter