હિન્દુવિરોધી નફરત સતત વધી રહી છે

કપિલ દૂદકીઆ Tuesday 16th May 2023 01:41 EDT
 
 

મેં ભૂતકાળમાં પણ હિન્દુવિરોધી નફરત, વેરભાવ કે ધિક્કાર (જેને ઘણા હિન્દુફોબિયા પણ કહે છે) વિશે લખ્યું છે. મેં એવી આશા સાથે કોમ્યુનિટી સમક્ષ હિન્દુવિરોધી નફરતની વ્યાખ્યા પણ મૂકી હતી કે આપણી સંસ્થાઓ-સંગઠનો, આપણી સરકાર અને આપણો સમાજ કદાચ તેને બરાબર સમજી શકે. હું આની રાહ જોઈ રહ્યો છું ત્યારે મને જણાય છે કે હિન્દુઓ વિરુદ્ધ ઘૃણામાં (ઘણી વખત ભારતવિરોધી લાગણીઓના સ્વાંગમાં) નિરંતર વધારો થઈ રહ્યો છે જેને આપણી સરકાર અને ઘણા રાજકારણીઓ દ્વારા કોઈ પડકાર અપાતો નથી. આ ધિક્કાર કેવી રીતે વધતો જાય છે અને તેની આપણા પર કેવી અસરો થાય છે તેના થોડાં જ ઉદાહરણ હું રજૂ કરી રહ્યો છું.

આપણે તો હજુ કેર સ્ટાર્મર તેમના મિનિસ્ટર ગેરેથ થોમસ દ્વારા ગુજરાતી કોમ્યુનિટી સાથે કરાયેલા ગેરવર્તન બાબતે પ્રતિભાવ આપે તેની રાહ જોઈએ છીએ. આ ગંભીર બાબતે તેઓનું મૌન ભારે બોલકું છે. તમારી જાતને એક પ્રશ્ન પૂછો, જો ગેરેથે મુસ્લિમ અથવા જ્યુઈશ કોમ્યુનિટીનો વિશ્વાસઘાત કર્યો હોત તો તેઓ પદ પર સલામત રહી શક્યા હોત ખરાં? આનો ઉત્તર સહેલો છે. તેમનો લેબર વ્હીપ દૂર કરી હકાલપટ્ટી કરી દેવાઈ હોત. જોકે, જ્યારે ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓની વાત આવે ત્યારે લેબર પાર્ટીને જરા પણ પરવાહ હોતી નથી.

આપણે બ્લૂમ રીવ્યૂ પ્રકાશન નિહાળ્યું છે જેણે ઈસ્લામિસ્ટો દ્વારા હિન્દુઓ પર હુમલા બદલ ખુદ હિન્દુઓને દોષિત ઠરાવ્યા છે! આવા હાસ્યાસ્પદ દાવાના પાગલપનની કલ્પના તો કરો. પુરાવાની ચકાસણીના નિષ્પક્ષ સાધનોથી સ્પષ્ટ થયું છે કે હિન્દુઓ અને આપણા મંદિર પર હુમલો કરવામાં ઈસ્લામિસ્ટો જ સંપૂર્ણ જવાબદાર હતા. બીજી તરફ, સરકાર પ્રાયોજિત રીવ્યૂ પણ કટ્ટરવાદીઓને ખુલ્લા પાડવામાં ડરે છે, તુષ્ટિકરણ ઓછું થવાની કોઈ જ નિશાનીઓ દેખાતી નથી.

ધ ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ (FMO) અને યુકે ઈન્ડિયન મુસ્લિમ કાઉન્સિલ (UKIMC) દ્વારા UKIMCની સોશિયલ મીડિયા ચેનલ પર હેરતઅંગેજ દાવો કરાયો છે કે INSIGHTરીતે કોમ્યુનિટી સુસંવાદિતાને સુસંગત નથી. હવે વિચારો, આપણી સમક્ષ બે ઈસ્લામિક સંગઠનો છે જેઓ INSIGHTને ગ્રૂમિંગ ગેંગ્સ સંબંધિત સત્યના ઘટસ્ફોટ કરતા અટકાવવા માગે છે. જ્યારે કોઈ એવો દાવો કરે કે આ પાકિસ્તાની ગ્રૂમિંગ ગંગ્સને ઈસ્લામ સાથે લાગતુવળગતું નથી ત્યારે તેઓ આમ શા માટે કરે? શું તેઓ હવે એવો દાવો કરે છે કે આ ગ્રૂમિંગ ગેંગ્સને આખરે ઈસ્લામ સાથે સંબંધ છે? આપણે બધા જ જ્યારે કમજોર સ્ત્રીઓ અને છોકરીઓને આવતી કાલની શમીમા બેગમ બનવાથી રક્ષણ આપવા ઈચ્છીએ છીએ ત્યારે આવા મુસ્લિમ સંગઠનો વિક્ટિમ્સનો અવાજ ચૂપ કરાવવાનો ઈરાદો દર્શાવે તે આશ્ચર્યજનક લાગતું નથી? છોકરીઓની સલામતી, ભલે તે હિન્દુ, શ્વેત, શીખ અને મુસ્લિમ હોય, તે જ ચોક્કસપણે સામુદાયિક સોહાર્દનું વિધેત્યાત્મક પરિબળ બની રહેવું જોઈએ.

કૃષ્ણ જાગલાન દ્વારા ‘ઈન્વેસ્ટિગેટ એન્ટિ-હિન્દુ પ્રોપેગન્ડા એન્ડ હેટ્રેડ એટેક્સ ઓન હિન્દુ કોમ્યુનિટી’ પિટિશન તૈયાર કરાઈ છે જેના પર 16,000થી વધુ લોકોની સહીઓ છે (તમે પણ https:// petition.parliament.uk/petitions/629845 પર જઈને સહી કરી શકો છો). સરકારે તો સત્તાવાર પ્રતિભાવ આપવો પડ્યો છે પરંતુ, મારા મતે તો મોટા ભાગે તેમાં શબ્દાડંબર જ વધુ છે. સરકાર માને છે કે હિન્દુવિરોધી ધિક્કાર ખરાબ છે અને અસ્વીકાર્ય છે તેનાથી મને ફરક પડતો નથી. હું તો સરકાર પાસેથી એટલી જ ઈચ્છા રાખું છું કે તેમણે આ બાબતોમાં સ્વતંત્ર ઈન્વેસ્ટિગેશન શરુ કરાવવા જોઈએઃ

અ. લેસ્ટરના રમખાણો અને તેમાં ઈસ્લામિસ્ટો, પોલીસ અને સ્થાનિક મેયરની સંડાવણી

બ. ઈસ્લામિસ્ટ્સ અને ખાલિસ્તાની દ્વારા ભારતીયો અને હિન્દુઓ પરના હુમલા, ભલે તે સ્ટ્રીટમાં હોય, આપણા મંદિરોમાં હોય અથવા ઈવેન્ટ્સને ઉજવવા આપણે ભારતીય હાઈ કમિશન ખાતે એકત્ર થયા હોઈએ.

ક. આપણા દેશને ખોખલો બનાવવા કેટલાક રાજકારણીએ કટ્ટરવાદીઓ અને ઈસ્લામિસ્ટ્સ હાથે હાથ મિલાવીને કેવી રીતે કામ કરી શકે છે અને આવી પ્રવૃત્તિઓને ફંડ અને સપોર્ટ કેવી રીતે મળે છે?

ડ. સરકાર હિન્દુઓ અને હિન્દુ સંસ્થાઓ / મંદિરોને ફંડિંગ, રીસોર્સીસ અને સલામતીના પગલાઓના સંદર્ભે વ્યવહારુ સપોર્ટ પૂરો પાડી શકાય. સત્તાવાળાઓ ઘોર નિદ્રામાંથી જાગે તે પહેલા કોઈ હિન્દુની હત્યા થાય તેમ આપણે જોઈએ છે?

હું આ યાદી લંબાવી શકું તેમ છું પરંતુ, એટલું કહેવું પૂરતું છે કે થોડી સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પણ સમજી શકશે કે ઉપરોક્ત બાબતો ઘણી ગંભીર છે અને તેના વિશે તત્કાળ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જો શરૂઆત મુશ્કેલ જણાતી હોય તો હું મદદ કરવા તૈયાર જ છું. જો સરકાર ધ હેન્રી જેક્સન સોસાયટીના સંશોધનને અનુસરે તો ઘણું શીખી શકાય તેમાં જરા પણ શંકા નથી. સંશોધન દર્શાવે છે કે હિન્દુઓ કટ્ટરવાદી આક્રમણનાં શિકાર છે.

આ સપ્તાહે ડેઈલી મેઈલમાં પ્રકાશિત ખોટા ઉત્તેજક લેખમાં લેસ્ટરનો દોષ હિન્દુઓ અને મોદી સરકાર પર ઢોળવાનો પ્રયાસ કરાયો છે. આ સ્ટોરી માટે તેમણે દાવો કર્યો છે કે ‘યુકેના સિક્યોરિટી સોર્સિસ’ દ્વારા તેમને કહેવાયું હતું કે ‘મિ. મોદીની ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ ભારત સરકારની સંડોવણી વિશે ઉશ્કેરવા ક્લોઝ્ડ વોટ્સએપ ગ્રૂપ્સનો ઉપયોગ કર્યો હતો.’ મને આ અહેવાલ ચેતવણીજનક અને દેખીતો બનાવટી લાગે છે. ઈસ્લામિસ્ટ કટ્ટરવાદને બહાનાઓમાં છુપાવી ભારત, ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓ પર યોજનાબદ્ધ હુમલો જણાય છે. હવે સરકારે તપાસ કરી આ ગંદકી હટાવવી જોઈશે. ‘યુકે સિક્યોરિટી સોર્સ’ જેવી કોઈ વસ્તુ છે ખરી? જો હોય તો તેઓ જે ગુપ્ત માહિતી એકત્ર કરે છે તેનું સ્તર કેટલું ખરાબ કહેવાય? અને જો ના હોય તો, ડેઈલી મેઈલના જૂઠ્ઠાણાંનો પર્દાફાશ કરાવો જોઈએ. આ રીતે તો, જૂઠ્ઠાણાંના આ સરદારો તો આપણને એવું કહેશે કે પાકિસ્તાન તો લોકશાહી, કાયદો અને વ્યવસ્થા અને સુશાસનનો ગઢ છે!

ભારતીયો અને હિન્દુઓ માટે જાગવાનો સમય આવી ગયો છે. લેસ્ટર અને સ્લાઉમાંથી બોધપાઠ શીખો. આપણા મતનો અવો હેતુપૂર્વક ઉપયોગ કરીએ કે આપણું નુકસાન ઈચ્છનારાઓ આપણને કદી ઓછાં ન આંકી શકે.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter