હીરા મશીનરીનો હીરોઃ અરવિંદ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 19th August 2018 04:50 EDT
 
 

ભારતે પોખરણમાં સૌપ્રથમ કરેલા અણુવિસ્ફોટની યાદમાં ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધકને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. ગુજરાતી અરવિંદ પટેલને ૨૦૦૪માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે આવો પુરસ્કાર મળ્યો. અરવિંદભાઈ સદા જિજ્ઞાસુ અને અખતરાના જીવ છે. અખતરા કરવામાં ખર્ચની એ પરવા કરતા નથી. એમને સમયની બાધા નડતી. ૧૯૯૭માં ગુજરાત સરકારે તેમને વિક્રમ સારાભાઈ એવોર્ડ આપ્યો ત્યારે તેઓ ૪૦ વર્ષના હતા. ભારતીય લેસર ઉદ્યોગમાં એમના પ્રદાનના કારણે આ એવોર્ડ મળ્યા પછી પાંચ વર્ષે તેમને પેલો ‘ઈલેક્ટ્રોનિક્સ એક્સલન્સ’નો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
ભારતને ૨૧મી સદીમાં લઈ જવાની તૈયારી અરવિંદભાઈએ વીસમી સદીમાં કરી હતી. ભારત હીરાને પોલિશ કરવામાં, કાપવામાં અને ઘાટ આપવામાં વિશ્વમાં મહત્ત્વના સ્થાને છે. હીરાને ઘસીને પહેલ પાડવામાં, કાપવામાં, એનું વજન કરવામાં માનવીની ક્ષમતા અને શ્રમ પર આધાર રખાતો. આથી કામની ઝડપ અને ઉત્પાદન ઘટે. માણસથી થતા કામમાં માલનો બગાડ થતો અને ધાર્યા સમયમાં કામ ના થતું. હીરાથી હીરો કાપવાને બદલે લેસરથી - પ્રકાશના શેરડા વડે હીરો કાપવાનું શરૂ થતાં બગાડ ઘટ્યો અને ઝડપ આવી. સમગ્ર ભારતમાં હીરા ઉદ્યોગમાં લેસર ટેકનોલોજી દાખલ કરનાર અને વ્યાપક કરનાર છે અરવિંદ પટેલ.
સહજાનંદ લેસર ટેકનોલોજી કંપનીના વડા અરવિંદભાઈએ માનવીની ક્ષમતા અને લેસર ટેકનોલોજીનો સમન્વય થાય અને હીરાઉદ્યોગમાં ક્રાંતિ આવે એવાં વિવિધ મશીન બનાવ્યાં છે. એમાં એક તે એરવિન ડાયમંડ પ્લાનિંગ સિસ્ટમનું મશીન. આ મશીન હીરાની વાસ્તવિક સપાટીનું સ્કેનિંગ કરીને વજન અને ગ્રાફિક માટે ઉપયોગી છે. આથી વધારે ચોક્સાઈથી હીરાનું બરાબર પ્લાનિંગ કરી શકાય. જે ખસી જવાનો અને તેથી વારંવાર સ્કેનિંગ પ્રશ્ન ના થાય. ગમેતેવી ખરબચડી સપાટીવાળો હીરો ડાઈમાં ફીટ કર્યા પછી ખસી ના જાય તેથી નવેસરથી સ્કેનિંગ કરવું ના પડે. હીરાના ખાડા, કાપા વગેરે પૂરી ઊંડાઈ સુધી મપાતાં તેનું સાચું પ્લાનિંગ થઈ શકે. વારંવાર લેન્સ બદલવો ના પડે અને માલની ઘટનો અગાઉથી ખ્યાલ આવે.
અન્ય લસ્ટર પ્લસ પોલિશિંગ મશીને હીરાઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. સામાન્ય માણસ પણ આવાં ૨૦-૨૦ મશીનનું સંચાલન કરી શકે તેથી ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે. મૂડીરોકાણ ઝડપથી પાછું મળે. આ મશીનમાં હીરાની અલગ અલગ સપાટી માટે અનુકૂળ આવે તેવો પ્રોગ્રામ હોવાથી કારીગર ધારે તેવા અને તેટલા પ્રમાણમાં હીરા ઘસી શકે છે. ડાઈ બદલવામાં થતો સમયનો બગાડ બચે છે. ઓપરેટર સરાણની સાઈડ ૨૪, ૨૬ કે ૨૮ પૂરા પટમાં મશીન ફેરવી શકે તેથી સરાણનું આયુષ્ય અને ઘસવાની ઝડપ વધે છે.
અરવિંદભાઇની બીજી શોધ છે ૦૦૭ મશીન. આ મશીન ૨૪ કલાકમાં ૬૦૦થી ૧૨૦૦ કેરેટ હીરા કાપવાનું કામ કરે છે. વધારામાં કાપેલા હીરાની સપાટી સુંવાળી રહે છે. મશીન કોમ્પ્યુટર આધારિત હોવાથી હીરાનું મધ્યબિંદુ, ઊંડાઈ અને કાપવાનો આરંભ જાતે જ કરે છે. મશીન ગુજરાતી અથવા અંગ્રેજીમાં બોલીને કામના વિવિધ તબક્કાનો ખ્યાલ આપે છે. આથી ઓપરેટરને કામ કયા તબક્કામાં છે અને ક્યારે પૂરું થશે તેનો ખ્યાલ આવે અને નિર્ણય લેવાની સૂઝ પડે. કામ ગુણવત્તાયુક્ત બને છે. મશીન નાનું હોવાથી ઓછી વીજળી વાપરે છે. આથી ઉત્પાદન ખર્ચ ઘટે છે. આને કારણે હીરાઉદ્યોગના ઉત્પાદનમાં ભારે વધારો થયો છે. બે દશકામાં હીરાની નિકાસની આવકમાં ૮૦ ઘણો વધારો થયો છે.
અરવિંદભાઈને શોધક બુદ્ધિનો વારસો પિતા લવજીભાઈ પાસેથી મળ્યો છે. લવજીભાઈના પિતા પ્રાગજીભાઈ સૌરાષ્ટ્રના ગામડેથી અમદાવાદ આવીને વસેલા. તે જમાનામાં તેમણે પીવાની સોડાની ફેક્ટરી કરી હતી. લવજીભાઈની દસ વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારી ઉપાડી લીધી. દોઢ વર્ષની નાની બહેનને ઉછેરવાની જવાબદારી હતી. બારેક વર્ષની ઉંમરે અથાણાંની બરણીમાં એસિડ ભરીને વીજળી પેદા કરીને રોશની કરેલી. નવેક ધોરણ માંડ ભણીને વાયરમેન બન્યા. પછી સુપરવાઈઝરની પરીક્ષા પાસ કરીને મિલમાં ઈલેક્ટ્રિક એન્જિનિયર તરીકે કામ કરતા થયા.
લવજીભાઈના ચાર સંતાનોમાં મોટા અરવિંદભાઈ ૧૯૫૮માં જન્મ્યા. ઈલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા મેળવ્યા પછી પાર્ટટાઈમ ભણીને બી.ઈ. (ઈલેક્ટ્રોનિક્સ) થયા. મુંબઈની મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવતી કંપનીની અમદાવાદ શાખામાં રિપ્રેઝન્ટેટિવ બનીને આવાં મશીન રિપેર કરતા થયા.
૧૯૮૨માં ઈલેક્ટ્રોનિક્સ કંપની શરૂ કરી. જેમાં બાયોફીડબેક મશીન ભારતમાં પ્રથમ બનાવ્યું. વોટર લેવલ ગાર્ડ, સ્ટેબીલાઈઝર, સિંગલ ફેઈઝ પ્રિવેન્ટર વગેરે મશીન બનાવ્યાં. સ્વિત્ઝર્લેન્ડથી સૌપ્રથમ લેઝર મશીનરી ભારતમાં આયાત કરી. આ પછી ત્રણ માસમાં જાતે જ નવું મશીન બનાવ્યું. આયાત કરેલા મશીનની કિંમત ૫૫ લાખ રૂપિયા હતી. નવા તેવા જ બનાવેલ મશીને પાંચ માસમાં તેટલી કમાણી કરી! આયાતી મશીનની કેસેટ બનાવવાની દૈનિક ક્ષમતા ૮૦ કેસેટ હતી, અરવિંદભાઈના મશીનની દૈનિક ક્ષમતા ૨૨૦ કેસેટની હતી.
૧૯૯૨માં તેમણે સહજાનંદ લેઝર ટેકનોલોજી કંપની ભાગીદારીમાં કરી. જે ભારતની આ પ્રકારની પ્રથમ અને એકમાત્ર કંપની હતી. તેમણે ૧૫,૦૦૦થી વધારે મશીનો બનાવીને વેચ્યાં છે. કંપનીમાં ૨૦૦ કરતાં વધુ કર્મચારી છે. અને ૫૦ હજાર ચોરસ મીટરમાં પથરાયેલી છે. બાપુનગરમાં વર્કશોપ છે અને ગાંધીનગરમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. સુરતમાં સર્વિસ, સેલ્સ અને પ્રોડ્કશન વિભાગ છે.
વખત જતાં ભાગીદારો બદલાયા પણ અરવિંદભાઈ મેનેજિંગ ડિરેક્ટર તરીકે એના એ જ રહ્યા. અમેરિકાના ઉદ્યોગપતિ ધીરુભાઈ બાબરિયા કંપનીના મુખ્ય ભાગીદાર છે. અરવિંદભાઈ હીરા મશીનરીનો હીરો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter