હોળી-ધૂળેટીઃ આસ્થા અને આનંદનો રંગબેરંગી સંગમ

પર્વવિશેષ

Wednesday 20th March 2019 06:52 EDT
 
 

હોળી એટલે સર્વાય સ્વાહાની પ્રકૃતિ ધરાવતા અગ્નિની આગોશમાં દરેક અનિષ્ટની આહુતિ અને ઈષ્ટના ઓચ્છવનું પર્વ. હિરણ્યકશિપુના નાશ માટે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રગટેલા ભગવાન વિષ્ણુ તેમજ ભક્ત પ્રહલાદને ભસ્મ કરવાના હોળિકાના પ્રયાસોની પૌરાણિક કથા આ પર્વ સંદર્ભે જાણીતી છે. પરંતુ એ સિવાય પણ અનેક કથાઓ અને માન્યતાઓ રંગ અને રાગના આ ઉત્સવ સાથે સંકળાયેલી છે. એ નિમિત્તે પ્રસ્તુત છે હોળી-ધૂળેટી (આ વર્ષે ૨૦ અને ૨૧ માર્ચ)નું વૈદિક, પૌરાણિક, પારંપરિક અને વૈજ્ઞાનિક માહાત્મ્ય...

હોળીનો તહેવાર એટલે જલતાં લાકડાંની તડતડાટી અને સ્વાહા થઈ રહેલા સમિધની ખુશબો વચ્ચેથી ઊઠતો ધુમાડો. આ તહેવાર ખરા અર્થમાં લોકપર્વ છે. દિવાળી જેવા સપરમા દહાડે ભભકાદાર વસ્ત્રો અને સોડમદાર વાનગીઓ વડે શ્રીમંતાઈનું પ્રદર્શન થતું હોય છે ત્યારે હોળી-ધૂળેટી એવો તહેવાર છે જ્યાં સામાજિક ભેદભાવ પારખી શકાય તેવો સ્પષ્ટ રહેતો નથી. ગુલાલથી રંગાયેલા ચહેરા અને ખુશાલીથી મઢેલા સ્મિત વચ્ચે ગરીબ કે શ્રીમંતના ચહેરા એકાકાર થઈ જાય છે. હોળીદહન અને પછીના દિવસે રંગોની જાહોજલાલીના સંગમાં મિજાજની મસ્તી માણવાના આ પર્વ સાથે મહાન ભારતીય પરંપરાનું વિજ્ઞાન પણ સંકળાયેલું છે અને તેની સાથે પ્રાચીન વૈદિકદર્શન પણ જોડાયેલું છે.

વૈદિક દૃષ્ટિકોણ

ઋગ્વેદના સમયગાળાનો સમાજ ખેતી આધારિત હતો. ઈન્દ્ર, અગ્નિ જેવા દેવોને આહુતિ વડે ખુશ કરીને સુખાકારીની કામના કરવાની વૈદિકપ્રથા સાથે સમાજજીવન પણ આબાદ જોડાયેલું છે. હોળીના ઉત્સવમાં આજે પણ તેનું પ્રતિબિંબ વર્તાય છે. ફાગણ મહિનો એ બે ઋતુના સંધિકાળનો મહિનો છે. એ સમયે શિયાળો ઉતરી ચૂક્યો હોય અને ઉનાળાનું આગમન થવામાં હોય એવા આ મિશ્રઋતુના સમયે રોગજન્ય કીટાણુઓ હવામાં ઘૂમરાતા હોય છે. વળી, આ જ સમયગાળામાં રવિપાક ખેતરમાંથી ઉતરીને ખળા ભણી જઈ રહ્યો હોય ત્યારે ખેતઊપજ સાથે ચોંટેલા કીટાણુ પણ રહેઠાણ વિસ્તારમાં ગતિ કરતાં હોય. આ સમયે સ્વાસ્થ્યને અને ધાર્મિક આરાધનાને ધ્યાનમાં રાખીને વૈદિકકાળમાં આ પર્વને નવાન્નેષ્ટિ યજ્ઞાના નામે ઉજવાતું હતું. ખેતરમાં પાકેલા અનાજને સામૂહિક રીતે પ્રગટાવેલા વિરાટ યજ્ઞાની ભભૂકતી પાવક જ્વાળાઓમાં આહુતિ અપાતી અને એ રીતે અનાજને પવિત્ર બનાવાતું હતું. અગ્નિમાં તુલસી, કંદ, જ્યેષ્ઠિમધુ, દર્ભ, લીમડાના લાકડાં જેવી વનસ્પતિ, ઔષધિની આહુતિ વડે પ્રગટતા ધુમાડાથી હવામાં ઘૂમરાતા આરોગ્ય માટે હાનિકારક એવા કીટાણુઓનો નાશ પણ થતો. આમ, હોળીના આ પર્વ સાથે વૈદિકકાળના મંત્રદૃષ્ટા ઋષિઓએ સામૂહિક સ્વાસ્થ્યની ખેવના પણ વ્યક્ત કરી છે. અન્નને હોળા કહેવામાં આવે છે. એ રીતે આ ઉત્સવને હોળિકોત્સવ તરીકે પણ ઓળખવાતો હતો.

ઉનાળાના પ્રારંભે વસંત ઋતુના આગમનને સાંકળીને શરીર તેમજ મનને તરોતાજા કરવાના પ્રયાસ સ્વરૂપે રંગોની રસલ્હાણ કરીને સામાજિક સહચર્યની ભાવના ઉજાગર કરવાનો પણ અહીં પ્રયાસ છે. વૈદિક માન્યતા મુજબ, આ દિવસે પ્રથમ પુરુષ મનુનો જન્મ થયો હતો આથી તેને મન્વાદિતિથિ પણ કહે છે.

પૌરાણિક માન્યતા

ભગવાન શંકરે પોતાના ક્રોધાગ્નિથી કામદેવને ભસ્મ કરી દીધા ત્યારથી તેનું પ્રચલન શરૂ થયું એમ કહેવાય છે. સૌથી પ્રચલિત માન્યતા અને કથા આ તહેવાર સાથે સંબંધિત છે તે બાળક પ્રહલાદની. બાળક પ્રહલાદનો જન્મ રાક્ષસકુળમાં થયો હોવા છતાં તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ ખૂબ જ નિર્દયી અને ક્રૂર હતા. તે પોતાની જાતને જ ભગવાન સમજતા હતા અને પ્રજા પાસે પણ એ આશા રાખતા હતા કે બધાં તેને ભગવાન માને અને તેની પૂજા કરે. આમ ન થાય તો તેઓ ગુસ્સે થતા હતા. તેમણે ભગવાન વિષ્ણુનું નામ લેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ જ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ વિષ્ણુભક્ત હતો. તેને ભગવાનનું નામ ન લેવા અને પિતાને જ ભગવાન માનવા નિર્દયતાથી ધમકાવાયો. અનેક પ્રકારનું દબાણ કરાયું. પરંતુ પ્રહલાદ વિચલિત થયા વગર ભગવાનને પૂજતો રહ્યો. હિરણ્યકશિપુએ અથાક પ્રયત્નો કર્યા છતાં પ્રહલાદે ભગવાન વિષ્ણુનું નામ લેવાનું ના જ છોડયું. આથી હિરણ્યકશિપુએ તેને મારી નાખવાનો વિચાર કર્યો. મારી નાખવા માટે અનેક ઉપાયો કર્યા, પરંતુ તેની કોઇ કારી ફાવી નહીં. આખરે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોળિકાને બોલાવી. તેને અગ્નિમાં ન બળવાનું વરદાન હોવાથી તેનો સાથ લઇ પ્રહલાદને મારવાની યોજના બનાવી. લાકડાંનો મોટો ઢગલો કર્યો. આગ લગાવી. રાજાએ બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને ખોળામાં લઇને સળગતા લાકડાંના ઢગલામાં બેસી જાય. હોળિકા બાળક પ્રહલાદને પોતાના ખોળામાં લઇને આગમાં બેસી ગઇ. વિષ્ણુકૃપાથી તે આગમાં પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળિકા ભસ્મિભૂત થઇ ગઇ. ત્યારથી પ્રહલાદની ભક્તિના વિજય અને આસુરીશક્તિના પ્રતીક સમી રાક્ષસી હોળિકાના દહનની સ્મૃતિમાં આ તહેવાર ઉજવાતો હોવાની પ્રચલિત લોકમાન્યતા છે.

બીજી એક એવી કિવંદતી એવી પણ છે કે રાક્ષસી ઢુંઢા નગરમાં બાળકોને ડરાવતી રહેતી અને તેમને મારી નાખતી હતી. એક દિવસ વ્રજના ગોવાળિયાઓએ તેને પકડી લીધી અને તેને તેનાં કુકર્મોની સજા આપવા માટે મારતાં મારતાં બહાર લઇ ગયાં. ત્યાં લાકડાં, છાણાં, ઘાસનો ઢગલો કરીને તેમાં આગ લગાવીને ઢુંઢાને તેમાં નાખી દેતા તે બળીને રાખ થઇ ગઇ.

આ દિવસે આમ્રમંજરી (આંબાનો મોર) અને ચંદનને ભેળવીને ખાવાનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે ફાગણની પૂનમના દિવસે જે લોકો ચિત્તને એકાગ્ર કરીને હીંચકામાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરે છે તેમને અવશ્ય વૈકુંઠ પ્રાપ્ત થાય છે.

ભવિષ્ય પુરાણ અનુસાર નારદજીએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું કે ‘હે રાજન! ફાગણ પૂર્ણિમાના દિવસે બધા જ લોકોને અભયદાન આપવું જોઇએ, જેથી બધી જ પ્રજા ઉલ્લાસપૂર્વક રહે અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે. હોળીનું વિધિવત પૂજન કરે અને એકબીજા સાથે અટ્ટહાસ્ય કરતાં આ તહેવારની ઉજવણી કરે.’ આ દિવસે અટ્ટહાસ્ય (મજાક-મસ્તી) કરવાથી, કિલકારીઓ કરવાથી તથા મંત્રોચ્ચાર કરવાથી ખરાબ આત્મા અને રાક્ષસોનો નાશ થાય છે.

હોળિકાદહન અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકરૂપ કરવામાં આવે છે. આથી આ તહેવારને પ્રેમ અને ભાઇચારાથી મનાવાય તો સમાજમાં વ્યાપ્ત તમામ અનિષ્ટ દૂર થઇ જાય છે.

હોળિકાનું દહન અને પૂજન

ફાગણ સુદ આઠમ (આ વર્ષે ૧૪ માર્ચ)થી પૂર્ણિમા (૨૦ માર્ચ) સુધીના આઠ દિવસ હોળાષ્ટક મનાવાય છે. આ સાથે જ હોળી ઉત્સવનો પ્રારંભ થાય છે. હોળિકાદહનની તૈયારીનો પણ ત્યારથી જ આરંભ થાય છે.

હોળાષ્ટકના છેલ્લા દિવસે એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે રાત્રે ઘાસ-પૂરા, લાકડાં, છાણાંથી એક ઢગલો કરાય છે. આ હોળિકાનું મુહૂર્ત અનુસાર પૂજન કરાય છે. અલગ-અલગ સમાજ અને ક્ષેત્રની અલગ-અલગ પૂજનવિધિ હોય છે. આથી હોળિકાનું પૂજન પોતાની પારંપરિક પદ્ધતિ અનુસાર કરવું જોઇએ. હોળીનું પૂજન ધાણી, નાળિયેર, આઠ પૂરીમાંથી બનાવેલી અઠાવરી તથા હોળીના દિવસ માટે બનાવાયેલા મિષ્ટાનથી કરાય છે. પૂજા બાદ હોળિકાનું દહન કરાય છે.

હોળીની રાખને હોળીભસ્મ કહેવામાં આવે છે. તેને શરીર પર લગાવવી જોઇએ. એવી માન્યતા છે કે હોળીની રાખને ઘરમાં રાખવાથી તે સમૃદ્ધિ લાવે છે. સાથે આવું કરવાથી ઘરમાં શાંતિ અને પ્રેમના વાતાવરણનું સર્જન થાય છે.

નવવધૂને હોળિકાના દહનથી દૂર રાખવી જોઇએ. કારણ કે હોળિકાદહન (મૃત સંવત્સર)નું પ્રતીક છે. આથી નવવિવાહિતા મૃતને સળગતાં જુએ તે અશુભ મનાય છે.

આપણા મોટા ભાગના તહેવારો કૃષિચક્રને ધ્યાનમાં રાખીને બન્યા છે. હોળી આવે ત્યારે ખેડૂતો શિયાળુ પાકમાંથી પરવારી ચૂક્યા હોય છે. નવી સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં એક નાનકડા બ્રેકની જરૂર હોય છે. એ બ્રેક કે વેકેશન એટલે હોળીની ઉજવણી. રંગના આ તહેવારમાં સૌ રંગીન થઈ ફરી એક વખત કામે ચડવા તૈયાર થાય છે. હોળીની જાળ (અગ્નિશિખા) કઈ દિશામાં જાય છે, તેના આધારે વર્ષ કેવું રહેશે એ પણ ખેડૂતો નક્કી કરતાં હોય છે. એ રીતે હોળી એ નવા પ્રારંભનું પ્રતીક પણ કહી શકાય.

અંબાજીમાં હોળી પ્રગટે એ જ મુહુર્ત

જૂનાગઢ પંથકમાં હોળી પ્રાગટયનું મુહૂર્ત જરા અલગ રીતે નક્કી થાય છે. સૌપ્રથમ ચારેક હજાર ફૂટ ઊંચે આવેલા અંબાજી મંદિર પાસે હોળી પ્રગટે છે. ઊંચાઈ પર હોવાથી દૂર દૂર સુધી એ હોળીની જ્વાળા દેખાય છે. આજુબાજુના વિસ્તારો માટે મુહૂર્ત માટે એ જ સમયનો ઉપયોગ કરે છે. મતલબ કે પોતે પણ અંબાજીમાં હોળી પ્રગટે પછી જ હોળી પ્રગટાવે. એ મુહૂર્ત કરતાં ઉત્તમ મુહૂર્ત બીજું કયું હોઈ શકે!

સૌરાષ્ટ્રમાં એક માન્યતા પ્રમાણે બાળકના જન્મ પછીની પહેલી હોળી તેના મામા સાથે જ કરાવવામાં આવે છે. એ રિવાજ પ્રમાણે મામા ભાણિયાને કાંખમાં લઈને હોળી ફરતે પરકમ્મા કરાવે છે.

હોળીની જ્વાળા અને વરસાદની આગાહી

હોળીની જ્વાળા કઈ દિશામાં પ્રસરે છે તેને આધારે આગામી ચોમાસાની આગાહી કરવાનું લોકવિજ્ઞાન પ્રચલિત છે. સાધારણ રીતે ફાગણ મહિનાના સમયગાળા દરમિયાન સમી સાંજે પવનની દિશા ઉત્તર તરફની હોય છે. પરંતુ જો હોળીના દિવસે પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની હોય તો વરસાદ સારો, સ્થિર અને જો જ્વાળાઓ મંદ હોય તો વરસાદ મધ્યમ અને ગોળ ઘૂમરાતી તોફાની જ્વાળાઓ જોવા મળે તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવી લોકમાન્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter