આ શનિવારે સમગ્ર વિશ્વે ૧૧ સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ પરના હુમલાની ૨૦મી વર્ષગાંઠનું સ્મરણ કર્યું હતું. આ તારીખે ૨૦ વર્ષ અગાઉ યુએસની ભૂમિ પર કરાયેલા ચાર હુમલાએ સર્જેલા વિનાશથી માત્ર અમેરિકા નહિ, સમગ્ર વિશ્વ આઘાતમાં સરી પડ્યું હતું! અમેરિકાએ ‘ત્રાસવાદ સામે યુદ્ધ- War on Terror’ થકી પ્રતિભાવ આપ્યો હતો. ત્રાસવાદી સંગઠન અલ કાયદા અને તેના સ્થાપક/નેતા ઓસામા બિન લાદેન (OBL)ના છુપાવાના સ્થળ તરીકે તાલિબાનના અંકુશ હેઠળનું અફઘાનિસ્તાન આ યુદ્ધનું આંગણ બન્યું હતું. તાલિબાને તેમના અલ કાયદાના સાથી ત્રાસવાદીઓ અને લાદેનને સોંપી દેવાનો ઈનકાર કર્યા પછી વોર ઓન ટેરરનું ધ્યાન તાલિબાનને હટાવવા તરફ કેન્દ્રિત થયું હતું. યુએસમાં ટ્વીન ટાવર હુમલાના ૧૦ વર્ષ પછી અબોટાબાદના સુરક્ષિત સ્થળે છુપાયેલા ઓસામા બિન લાદેનનો સફાયો કરી દેવાયો હતો. નવાઈની વાત તો એ હતી કે પાકિસ્તાનની મિલિટરી એકેડેમીના ભારે સુરક્ષિત કિલ્લા સમાન કમ્પાઉન્ડથી લાદેનનું સેફ હાઉસ માત્ર પથરો ફેંકીએ એટલા જ અંતરે હતું.
જોવાનું એ છે કે વિનાશક ત્રાસવાદી હુમલાઓની ૨૦મી વર્ષગાંઠે તાલિબાન ફરી અફઘાનિસ્તાનમાં સત્તા પર છે અને ખૂંખાર ત્રાસવાદીઓ તરીકે જાહેર કરાયેલા અનેક લોકો તાલિબાનની વચગાળાની સરકારમાં જોડાયેલા છે. રાજકીય વિશ્લેષકો યુએસની વોર ઓન ટેરરને ‘વાહિયાત-ક્રૂર જોક’ તરીકે ગણાવી રહ્યા છે. તાલિબાનના પરાજયથી ઓસામા બિન લાદેનના મોતથી માંડી તાલિબાનના પરત ફરવાનું સમગ્ર ચક્ર શોકાતુર રમૂજ જેવું લાગે છે પરંતુ, શું તે ખરેખર દુઃખદ રમૂજ છે?
ત્રાસવાદી સરદાર ઓસામા બિન લાદેનનો સફાયો કરી દેવાયા સિવાય યુએસના ત્રાસવાદ સામે યુદ્ધના દેખીતા લાભ નજરે પડતા નથી અને તેની ચૂકવેલી કિંમત દેખીતી છે. માનવ જિંદગીઓ અને ફાઈનાન્સિયલ સ્રોતોના ભારે નુકસાન અથવા અમેરિકાની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન ઉપરાંત, અતિશય ભારે નુકસાન પહોંચ્યું છે જેની કિંમત આપણે નજીકના ભવિષ્ય સુધી ચૂકવતા રહેવી પડશે.
સપ્ટેમ્બર ૧૧ના હુમલાઓનું તત્કાળ પરિણામ એ જોવાં મળ્યું કે તેનાથી લોકો વચ્ચે ભારે વિભાજન અને વૈમનસ્ય સર્જાયું હતું. લોકો અને કોમ્યુનિટીઓ વચ્ચેના વિશ્વાસનું સ્થાન અજાણ્યા અને અપરિચિત ભયે લઈ લીધું હતું. સપ્ટેમ્બર ૧૧ના ત્રાસવાદી હુમલાઓ પછી તરત જ યુએસએના એરિઝોનામાં પાઘડીધારી શીખ-અમેરિકન એન્ટ્રેપ્રીન્યોર પર હુમલો કરી તેમની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. આ પછી, આ પ્રકારના અન્ય હુમલાઓ પણ થયા હતા. ભારતની બહાર ઘણા લોકો એ વાતથી અજાણ છે કે પાઘડી પહેરતા અને દાઢીધારી શીખો બહાદુર અને શાંતિપ્રિય સમુદાયના સભ્ય છે. આ સમુદાયના ઘણા સભ્યોએ શીખ ધર્મથી પ્રેરિત મૂલ્યો બાબતે જાગૃતિ કેળવવાની કામગીરી ઉપાડી લીધી છે. શીખ ધર્મ વિશે વ્યાપક જાગૃતિ કેળવવા તેમજ પંજાબની સંસ્કૃતિ વિશે બહેતર સમજને આગળ વધારવા ન્યૂ યોર્કના લોન્ગ આઈલેન્ડની હોફસ્ટ્રા યુનિવર્સિટી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મેં મારા પતિ સાથે હાજરી આપી હોવાનું મને યાદ છે. અહીં શીખ સ્ટડીઝ વિશે ચેર- વિશેષ સભાની સ્થાપના પણ કરાઈ છે.
ઈસ્લામોફોબિયા શબ્દ હવે આપણા શબ્દભંડોળનો એક હિસ્સો બની ગયો છે. સપ્ટેમ્બર ૧૧ના હુમલાઓ કરનારા ત્રાસવાદીઓ મુસ્લિમ હોવાના પરિણામે ઈસ્લામ પ્રત્યેનો અવિશ્વાસ તમામ મુસ્લિમો પ્રતિ અંધાધૂંધપણે પ્રસરી ગયો હતો. વિશ્વના અનેક વિસ્તારોના સમાજોમાં આ પૂર્વગ્રહ અનેકમુખી હાઈડ્રા રાક્ષસની માફક ફેલાઈ ગયો અને સમુદાયોમાં ઊંડા વિભાજનો સર્જાયા જેમાંથી સાજા થઈને બહાર આવતા લાંબો સમય લાગશે. અફઘાનિસ્તાનની તાજેતરની ઘટનાઓના પરિણામો આ મતભેદ અને મનભેદને વધુ વકરાવશે. લાખો શાંતિપ્રિય મુસ્લિમોએ, જેમાંના ઘણા તો અફઘાનિસ્તાનમાં સહન કરી રહ્યા છે, આગામી વર્ષોમાં વધુ તીવ્ર અવિશ્વાસનો સામનો કરવો પડશે. ઘણા સમુદાયોમાં મુસ્લિમો પ્રત્યેની નકારાત્મકતા તમામ વિદેશીઓ સુધી પ્રસરી જશે. સમાજોએ આવી સંકીર્ણ-સંકુચિત માનસિકતા અને ધર્માંધતા સામે સખત કામ કરવું પડશે.
આપણે ૨૦ વર્ષ સુધી ત્રાસવાદને વખોડતા રહ્યા છીએ, એમ કહેતા રહ્યા છીએ કે તેમાં કોઈ ન્યાયોચિત તર્કસંગતતા નથી, સારા કે ખરાબ ત્રાસવાદી જેવું કોઈ હોતું નથી. પરિસ્થિતિ જે રીતે આગળ વધી રહી છે તેને જોતાં thedailyguardian.com માં પંકજ વહોરા કહે છે તેમ એક દિવસ એવો પણ આવશે જ્યારે હાલ યુએસ અને વિશ્વ દ્વારા બહિષ્કાર કરાયેલા આ જ તાલિબાન નેતાઓ યુએસની મુલાકાતે જશે અથવા યુનાઈટેડ નેશન્સમાં વિશ્વનેતાઓને સંબોધન કરશે.
ગત થોડા સપ્તાહોની ગતિવિધિ અથવા ઘટનાક્રમોએ ત્રાસવાદ, ઉગ્રવાદ અને રુઢિ-કટ્ટરતાવાદને વખોડવાનું જરીપુરાણું બનાવી દીધું છે. આપણા પવિત્ર ધર્મગ્રંથો આપણને અશુભ પર શુભ, અનિષ્ટ પર ઈષ્ટના વિજયનો ઉપદેશ આપે છે. અનિષ્ટ બળો ગમે તેટલા મજબૂત શા માટે ન હોય અથવા શુભ બળો ગમે તેટલા નબળા પણ હોય, આખરે તો અનિષ્ટ પર સારપનો જ વિજય થાય છે. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે,‘ જ્યારે જ્યારે સદાચાર-સાધુશીલતા ક્ષીણ-નિર્બળ થાય છે અને દુષ્ટતાનો પ્રભાવ વધે છે ત્યારે સદાચારને પ્રસ્થાપિત કરવા અને અનિષ્ટનો વિનાશ કરવા, સારા લોકોના રક્ષણાર્થે હું પ્રત્યેક યુગે યુગે અવતાર ધારણ કરીશ.’ અફઘાનિસ્તાનની ઘટનાઓએ આ પ્રાચીન માન્યતાને હચમચાવી દીધી છે!
આપણે ૧૧ સપ્ટેમ્બરના ત્રાસવાદી હુમલાઓમાં જેમણે જાન ગુમાવ્યા છે તેમના શોકમાં વ્યાકુળ થઈએ છીએ ત્યારે આપણે પૂર્વગ્રહો સામે સજાગ રહેવાની સાથે જ કટ્ટરતાવાદ અને ત્રાસવાદ સામેના યુદ્ધને સમર્થન આપવામાં સ્થિર-અડગ રહેવાની જરૂર છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


