૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ પ્રથમવાર ભારતનું રાષ્ટ્રગીત ગવાયું હતું

Friday 02nd December 2016 05:10 EST
 
 

ભારતની સર્વોચ્ચ અદાલતે થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત બનાવવાનો આદેશ કર્યો છે. આદેશ અનુસાર રાષ્ટ્રગીત ચાલતું હોય તે દરમિયાન સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજ દર્શાવવાનો રહેશે અને તેનાં સન્માનમાં દરેક વ્યક્તિએ ઊભા રહેવું પડશે. જોકે સાથોસાથ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે વિકલાંગોને આ નિયમ લાગુ પડશે નહીં. અહીં રાષ્ટ્રગીત સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી રજૂ કરી છે.

રાષ્ટ્રગીત સાથે જોડાયેલી ખાસ માહિતી

• ૧૯૧૧માં રવીન્દ્રનાથ ટાગોરે લખેલાં આ ગીતને ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ રાષ્ટ્રગીત જાહેર કરાયું હતું.

• ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે દુનિયાના અન્ય દેશોની જેમ ભારત પાસે પોતાનું રાષ્ટ્રગીત નહોતું, ત્યારબાદ બંધારણ ઘડવાની અને આઝાદ ભારતનાં રાષ્ટ્રીય પ્રતીકોની પસંદગી કરવાની જવાબદારી સંવિધાન સભાને સોંપવામાં આવી હતી.
• સંવિધાન સભાએ ત્રણ વર્ષ સુધી બેઠકો યોજી હતી, પરંતુ રાષ્ટ્રગીતના મુદ્દે સભામાં કોઈ ચર્ચા થઈ નહોતી. સ્વતંત્ર ભારતને બે વર્ષ પૂરાં થવા છતાં ભારત પાસે રાષ્ટ્રગીત નહોતું.
• ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત દેશ ગણતંત્ર બનવાનો હતો તેના બે દિવસ અગાઉ સંવિધાન સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે એક નિવેદન કર્યું અને ‘જન ગણ મન...’ને ભારતનું રાષ્ટ્રીય ગીત બનાવ્યું હતું.
• ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સંવિધાન સભાની કાર્યવાહી મુજબ ડો. રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે હાલમાં આ ગીતના શરૂઆતના ફકરા લેવામાં આવ્યા છે, સરકાર ઈચ્છે તો એમાં ફેરફાર કરી શકશે.
• રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ‘વંદે માતરમ્...’ ગીતને પણ એટલું જ સન્માન આપવામાં આવશે.
• સંવિધાન સભાની અંતિમ બેઠકની પૂર્ણાહુતિમાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ પૂર્ણિમા બેનરજીના અવાજમાં પ્રથમ વાર રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન...’ ગવાયું હતું.

કેટલીક રસપ્રદ બાબતો...

• ૧૯૧૧માં ભારત પરતંત્ર હતો અને અંગ્રેજોએ તેના નવા રાજા તરીકે કિંગ જ્યોર્જ પાંચમાની લંડનમાં તાજપોશી કરી હતી.

• ૧૯૦૫માં બંગાળના વિભાજનના અંગ્રેજોના વિરોધમાં દેશભક્તિ ગીતોના રચયિતા રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યજગતનો પ્રખ્યાત ચહેરો હતા.
• કોંગ્રેસે રવીન્દ્રનાથ ટાગોરને ભારત આવી રહેલા જ્યોર્જ પાંચમાનાં સ્વાગતમાં એક ગીત લખવા જણાવ્યું હતું. તેથી ડિસેમ્બર ૧૯૧૧માં ‘જન ગણ મન...’ પ્રથમ વાર કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું.
• આ ગીતની પ્રથમ પંક્તિ અધિનાયક શબ્દને તે સમયે બ્રિટિશ મીડિયાએ જ્યોર્જ પાંચમા માટે વપરાયો હોય તેવું માન્યું હતું. જોકે ૧૯૩૨માં ટાગોરે આ વાતને રદિયો આપ્યો હતો.
• ટાગોરે જણાવ્યું હતું કે અંગ્રેજોના રાજાની પ્રશંસામાં તેઓ ગીત લખી શકે નહીં. તેમણે પોતાના મિત્ર પુલિન બિહારી મુખરજીને એક પત્રમાં આ વાત જણાવી હતી.
• પહેલી વાર ‘જન ગણ મન...’ની સંગીતમય પ્રસ્તુતિ જર્મનીના હેમ્બર્ગ શહેરમાં થઈ હતી.
• ભારતીય રાષ્ટ્રગીતની શરૂઆતમાં ‘સુબહ સુખ ચેન’ એવું નામ રાખવામાં આવ્યું હતું. આ ગીત સત્તાવાર રીતે બાવન સેકન્ડમાં પૂરું થવું જોઈએ એવો નિયમ છે.

... અને કેટલાક વિવાદો

• જુલાઈ ૨૦૧૫માં રાજસ્થાનના ગવર્નર અને અગાઉ ભાજપના નેતા રહી ચૂકેલા કલ્યાણ સિંહે રાષ્ટ્રગીતમાં અધિનાયક શબ્દને બદલે મંગળ શબ્દ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.
• તેમણે જણાવ્યું હતું કે અધિનાયક શબ્દ તેમને બ્રિટિશ રાજના સમયની યાદ અપાવે છે, તેથી તેને દૂર કરવો જોઈએ. તેમના આ તર્કને ભાજપના અન્ય નેતાઓએ સમર્થન આપ્યું હતું.
• જોકે, ડાબેરીઓએ ૬૫ વર્ષ પછી આ મુદ્દો કેમ ઊઠાવાયો એવી દલીલ કરી હતી.
• આ અગાઉ રાષ્ટ્રગીતમાંથી સિંધ શબ્દ હટાવીને કાશ્મીર શબ્દ ઉમેરવાની માગણી કરી હતી, કારણ કે હવે સિંધ હવે પાક.નો ભાગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter