‘ઓપરેશન શરીઆ વોટ’નો વિચાર અને જનરલ ઈલેક્શન 2024

કપિલ દૂદકીઆ Tuesday 13th February 2024 11:53 EST
 
 

પેલેસ્ટીનીઅન હમાસ દ્વારા 7 ઓક્ટોબર. 2023ના દિવસે ઈઝરાયેલ પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો તે પછી બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે વિભાજન જોવા મળ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઈઝરાયેલની તરફેણ કરવામાં કશું વિચારવાનું ન હતું. આ સહેલો અને કોઈ તડજોડ કે સમાધાન કર્યા વિનાનો સપોર્ટ હતો. જોકે, આપણે લેબર પાર્ટી માટે આમ ન કહી શકીએ જેમનું વલણ સ્વાભાવિક રીતે જ કટ્ટરવાદી કે અંતિમવાદીઓની સાથે જ ફ્લર્ટ કરવાનું રહ્યું છે. આથી, તેમની નેતાગીરી હવે ઈઝરાયેલનું સમર્થન કરી રહી છે ત્યારે બાકીની લેબર પાર્ટી માટે આ સ્થિતિ પચાવવાની ભારે મુશ્કેલ બની રહી છે.

કેર સ્ટાર્મરે તેની શેડો કેબિનેટને ઈઝરાયેલના સ્વબચાવના કાનૂની અધિકારને સપોર્ટ કરવાની ફરજ પાડતો ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો હતો. તમે બરાબર જાણી શકો છો કે તેમનામાંથી કેટલાકે થોડા ખચકાટ સાથે આમ કર્યું હતું અને તેમની આ કપટલીલા બહાર આવવાની હવે શરૂઆત થઈ છે. આપણે જોયું અને જાણ્યું છે કે લેબર રાજકારણીઓ હજારોની સંખ્યામાં શેરીઓમાં ઉતરી આવેલા ‘હેટ માર્ચર્સ’ની સાથે જોડાતા રહ્યા છે. જે લોકો સમગ્ર ઈઝરાયેલનો નાશ કરવાના આખરી લક્ષ્યને પરિપૂર્ણ કરવાના હમાસના યુદ્ધનાદ ‘ફ્રોમ રિવર ટુ સી’ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા તેમની સાથે આ લોકો સંકળાયેલા રહ્યા હતા.

જોકે, હકીકત એ છે કે લેબર પાર્ટીના નેતાએ ઈઝરાયેલ માટે સપોર્ટ જાળવી રાખ્યો તેનાથી ઉપજેલા રોષને મુસ્લિમ કોમ્યુનિટી વધુ સમય છુપાવી શકે તેમ નથી. હવે તો લેબર પાર્ટીમાં જેઓ ઈઝરાયેલને સમર્થન આપે છે અને જેઓ પેલેસ્ટીનીઅન હમાસની તરફેણમાં છે તેમના વચ્ચે ખુલ્લી દુશ્મનાવટ દેખાઈ આવે છે.

મુસ્લિમ કોમ્યુનિટીમાં પણ સમગ્ર દેશની મસ્જિદોમાં લેબર પાર્ટી તરફ અત્યાર સુધી પરંપરાગત થોકબંધ વોટિંગ કરાતું હતું તેમાં અત્યારે ક્યાં ઉભા છીએ તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે. આમાંથી, ‘ઓપરેશન શરીઆ વોટ’ના વિચારે મૂળ નાખ્યું છે અને જેઓ આ વિચારને ઉત્તેજન આપી રહ્યા છે તેઓ ચોક્કસ રાજકારણીઓને કેવી રીતે નિશાન બનાવવા તેની ચર્ચા કરી રહ્યા છે.

આ બાબતે શું વિચારો ચાલી રહ્યા છે તે પણ આપણે તપાસીએઃ

• વાસ્તવમાં નોંધપાત્ર મુસ્લિમ વોટબેન્ક ધરાવતી મુખ્ય 15 બેઠકો છે જ્યાં વર્તમાન સાંસદોએ યુદ્ધવિરામની ‘તરફેણ’માં મત આપ્યો છે. આનો અર્થ એ છે કે આ સાંસદો સલામત છે.

• નોંધપાત્ર મુસ્લિમ વોટબેન્ક ધરાવતી મુખ્ય વધુ 15 બેઠકો છે જ્યાં વર્તમાન સાંસદો યુદ્ધવિરામ સંબંધિત વોટિંગ સમયે ‘ગેરહાજર’ રહ્યા હતા. આનો અર્થ એ છે કે આ સાંસદો મુશ્કેલીમાં છે.

• આ સિવાય, એવી બેઠકો પણ છે જ્યાં વર્તમાન સાંસદોએ યુદ્ધવિરામની ‘વિરુદ્ધ’માં મત આપ્યો છે. આનો અર્થ એ છે કે આ સાંસદો પણ સંભવતઃ મુશ્કેલીમાં છે.

આથી, ‘ઓપરેશન શરીઆ વોટ’ને સફળ બનાવવા માટે મુસ્લિમ કોમ્યુનિટીએ જબરજસ્ત રીતે આગળ આવવું રહ્યું અને મુખ્યત્વે વર્તમાન લેબર સાંસદના વિરુદ્ધ મતદાન કરવાનું રહે. એમ જણાય છે કે કેર સ્ટાર્મર એવો આધાર રાખીને બેઠા છે કે જ્યારે ઈલેક્શનનો સમય આવશે ત્યારે મોટા ભાગના મુસ્લિમ મતદારો લેબર પાર્ટીની સાથે જ રહેશે. થોડા ઘણા અંશે અપસેટ સર્જાઈ શકે છે પરંતુ, સ્ટાર્મર જંગી બહુમતી હાંસલ કરવાની યોજનામાં આગળ વધી રહ્યા છે ત્યારે થોડી ઘણી બેઠકો ગુમાવવાથી કોઈ ભારે નુકસાન નહિ થાય.

રોચડેલમાં 29 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી થવાની છે. હા, આ એજ સ્થળ છે જે હવે પાકિસ્તાની વારસાઈની ગ્રૂમિંગ ગેંગ્સ માટે નામચીન થયું છે. જ્યોર્જ ગેલોવેએ તો ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરી દીધી છે. તેઓ પેલેસ્ટીનીઅન્સના હિતમાં સેવા કરે તેવા ઉમેદવાર તરીકે ખુલ્લેઆમ બહાર આવ્યા છે. આ ગાંડીઘેલી દુનિયામાં લેબર ઉમેદવાર અઝહર અલી ઈઝરાયેલ વિરુદ્ધ કેટલીક અનિચ્છનીય બાબતો કહેતા ઝડપાઈ ગયેલા છે. શું લેબર પાર્ટી તેમને પોતાના ઉમેદવાર તરીકે યથાવત રાખશે ખરી?

પાર્ટી દ્વારા આવા ઉમેદવારની પસંદગી કેવી રીતે કરવા દેવાઈ તે વિશે શું ખુલાસો કરાશે? એટલું યાદ રાખજો કે રોચડેલમાં શ્વેત છોકરીઓના શોષણનો મુદ્દો એજન્ડામાં છેલ્લા સ્થાને છે. શહેરમાં એકમાત્ર મુદ્દો પેલેસ્ટીનીઅન્સ માટે કેવી રીતે લડવું અને ઈઝરાયેલને નીચાજોણું કરાવવું તે જ છે.

પ્રશ્ન હજુ ઠેરનો ઠેર છે, શું ‘ઓપરેશન શરીઆ વોટ’ તેના આગવા ઉમેદવારો ( અપક્ષ તરીકે, અથવા લેબર પાર્ટી દ્વારા મૂકાયેલા અથવા નવા રાજકીય પક્ષ દ્વારા) બહાર લાવશે? મને લાગે છે કે જ્યુરી આ મુદ્દે નિર્ણાયક છે. આપણે તો વણખેડાયેલા પ્રદેશમાં છીએ. મુસ્લિમ કોમ્યુનિટી માટે જનરલ ઈલેક્શન 2024 (GE24) જ બતાવી આપશે કે તેઓ ખરેખર પરિવર્તનને અસર કરી શકે તેમ છે અથવા તેઓ લેબર પાર્ટીના જ એક હિસ્સારૂપ બની રહેશે કે કેમ જેમને જ્યાં બંધબેસતા લાગે ત્યાં ફીટ કરી દેવા પાર્ટી મુક્ત હશે.

ચોક્કસપણે, જો તેઓ મુસ્લિમ પાર્ટીની રચના કરે અથવા જો જેરેમી કોર્બીન પોતાની જ આગવી પાર્ટી લોન્ચ કરે, તો આ બંને જૂથોને પોતપોતાની જરૂરિયાતોને પહોંચી વળવા સાથે બેસવાની વાસ્તવિક શક્યતા રહે છે. આમ કરીને તેઓ લેબર પાર્ટીના નાકે દમ લાવી દેશે. સંભવતઃ ઈલેક્શનનું પરિણામ જ બદલી નાખશે.

દરેક અસ્તિત્વનો સમૂહ ગંભીર ઈરાદા સાથે લડવા માટે બહાર આવે તે નિહાળવું મારા જેવા એક સામાજિક-રાજકીય સમીક્ષક માટે રસપ્રદ બની રહેશે. આપણો દેશ સંસ્કૃતિઓના યુદ્ધ વચ્ચે અટવાયેલો છે. બ્રિટિશ ઓળખ હવે એટલી ઉબડખાબડ થયેલી છે કે મોટા ભાગના લોકોને ખાતરી નથી કે તે શાના માટે અડીખમ ઉભી રહેલી છે. પ્રતિસ્પર્ધક નિરુપણો- નેરેટિવ્ઝની આ પ્રવાહી પરિસ્થિતિમાં પ્રત્યેક અસ્તિત્વનો સમૂહ દેશના આત્મા માટે સંઘર્ષરત હોય તે આવશ્યક છે. 2024નું જનરલ ઈલેક્શન- GE 24 માત્ર ચૂંટણી જીતવા માટે જ નથી, તે એટલા માટે હશે કે આ દેશ હવે કઈ દિશા તરફ આગળ વધશે અને આ દેશનું પોત જ વેરવિખેર થઈ નષ્ટપ્રાયઃ થઈ જશે કે કેમ તેના માટે પણ હશે.

જે લોકો એમ માની રહ્યા હોય કે આમાં મારે કશું લાગતુંવળગતું નથી, તેમને મારે યાદ અપાવવું છે કે તમારું આજનું કાર્ય જ એ બાબતે નિર્ણય કરશે કે તમારા બાળકો અને તેમના પણ બાળકો જેમને આપણે બ્રિટિશ તરીકે ઓળખાવીએ છીએ તેમનું બ્રિટનમાં કોઈ ભવિષ્ય હશે કે કેમ.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter