‘છોરા ગંગા કિનારે વાલા’ને થેમ્સ કિનારે વસતા લોકો સાથે જોડે છે બિહારી કનેક્ટ

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 19th November 2019 06:32 EST
 
 

બિહાર ભારતનો ગંગા કિનારાનો મોટા ભાગનો વિસ્તાર ધરાવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં ગંગાનું ખુબ મહત્ત્વ છે. તેમની ભાષા ભોજપુરી સાંભળવામાં ખુબ મીઠી લાગે છે અને હિન્દી જેવી સંભળાય છે. ખભે ગમછો - એક કપડાનો ટુકડો - નાખીને ફરતા બિહારીઓને મહેનત કરવામાં કોઈ ન પહોંચે. તેમના આ મહેનતી સ્વભાવને કારણે જ અંગ્રેજો તેમને અઢારમી સદીમાં ગિરમીટિયા મજુર - એગ્રીમેન્ટવાળા મજુર - બનાવીને મોરેશિયસ, ફીજી, સુરિનામ વગેરે કોલોનીઓમાં લઇ ગયેલા અને ત્યાં શેરડીની ખેતીમાં કામે લગાડેલા. પરંતુ આ રાજ્ય બીજા પ્રદેશોની સરખામણીમાં ગરીબ રહ્યું છે.
લંડનમાં બિહારી કનેક્ટ નામનું એક સંગઠન છે જેણે તાજેતરમાં તેનો વાર્ષિક સમારંભ યોજ્યો. આ સમારંભમાં ભોજપુરી ફિલ્મ અને સીરિયલના કલાકારો આવ્યા. લંડનમાં બિહારીઓના સાડા ત્રણ હજાર પરિવાર રહે છે, જે અનેકવિધ વ્યવસાયોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. બિહારી બાબુઓના સુપરસ્ટાર નીરહુઆએ કાર્યક્રમમાં ધૂમ મચાવી દીધી. ત્યાં હાજર લોકો નીરહુઆ સાથે સેલ્ફી લેવા ઉમટી પડ્યા. દિનેશ લાલ યાદવ તેમનું નામ છે, પરંતુ 'નીરહુઆ રિક્ષાવાલા' ખુબ સફળ ભોજપુરી ફિલ્મ હતી તેના પરથી લોકો આજે તેણે નીરહુઆ તરીકે જ ઓળખે છે. નીરહુઆએ લંડનમાં આવીને ‘નીરહુઆ ચાલ લંડન’ નામની ફિલ્મનું શૂટિંગ પણ કરેલું. તેની સાથે પચીસ ફિલ્મોમાં હિરોઈન તરીકે આવનાર આમ્રપાલી દુબે પણ તેના નખરાથી સ્ટેજ પર છવાઈ ગઈ! તેમની સાથે આવેલા અન્ય કલાકારોમાં મધુ શર્મા અને સમીર આફતાબ પણ હાજર હતા.
બિહારી કનેક્ટ આજે ૧૬ દેશોમાં સક્રિય છે અને બિહારીમૂળના લોકોને જોડવાનું કાર્ય કરે છે. સાંસ્કૃતિક રીતે ખુબ સમૃદ્ધ બિહારની મધુબની ચિત્રકલા, બનારસી રેશમની સાડીઓ, લીટ્ટી-ચોખાની વાનગી અને છટ્ઠ પૂજાનો તહેવાર વિશ્વભરમાં પ્રખ્યાત છે. બિહારી લોકો તેમની લહેકાવાળી ભાષા અને વિનમ્ર વાણી-વ્યવહાર માટે જાણીતા છે.
બિહારી કનેક્ટ જેવા કાર્યક્રમો દ્વારા બિહારી સંસ્કૃતિ સાથે જોડાયેલા પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ વગેરે પ્રદેશોના લોકોને પણ જોડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. તે નોટ ફોર પ્રોફિટ સંગઠન છે અને આવા સંગઠનો વિદેશમાં સક્રિય રહીને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે તે ખુશીની વાત છે. બિહારનું આ સંગઠન તો ખરેખર જ ગંગાના પ્રદેશને થેમ્સના કિનારે વસતા લોકો સાથે સેતુબંધથી જોડી રહ્યું છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter