‘સમિધ’ઃ સાહિત્યપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે અણમોલ ભેટ

પુસ્તક પરિચય

જ્યોત્સના શાહ Saturday 27th July 2019 08:27 EDT
 
 

બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર તરીકે નામના મેળવી અનેક એવોર્ડ મેળવનાર ડો. દવેએ જીવનના નવ દાયકા વટાવ્યા હોવા છતાં એમનું લેખન કાર્ય અવિરત ચાલી રહ્યું છે. એમનું ૪૨મું પુસ્તક ‘સમિધ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. ભાષા શાસ્ત્રીય અભ્યાસ વિવેચનનો મુખ્ય અભિગમ ધરાવતા આ પુસ્તકમાં મુખ્યત્વે બે ખંડ છે. 

પહેલા ખંડમાં એમના ગુજરાતના નિવાસકાળ દરમિયાન અધ્યયન વિષયમાં નાટકના પ્રાદુર્ભાવનો સંશોધનાત્મક ઇતિહાસ આલેખાયો છે. માનવીના અવાજ, ભાષા અને નાટકના ઉદ્ભવના આલેખનમાં રેડિયો નાટકો જેમાં વાચિક અભિનય બાદ રંગમંચ પર ભજવાતા ગુજરાતી નાટકોની શ્રેણીમાં ‘પ્રેમાનંદ’ના નામે ચડેલા ત્રણ નાટકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, સવાલ એ ઉદ્ભવે છે કે ‘પ્રેમાનંદ’ના નાટકોને ‘આખ્યાન’ નામ શા માટે આપવામાં આવ્યું હતું?
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતીનું પ્રથમ એકાંકી નાટક ‘વંશપાળ અને યમરાજ’ને ગણાવતા એની સંવાદ કલા અને વિશિષ્ઠતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતી નાટકોમાં ફારસો આવ્યા બાદ શ્રી રણછોડભાઇ ઉદયરામ દવેનું ઇ.સ. ૧૮૬૪માં પ્રથમ નાટક ‘જયકુમારી વિજય’ અને ‘લલિતા દુ:ખદર્શક’ સહિત ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોની ૧૮૫૦થી ૧૯૦૦ દાયકાવાર તુલના અને તારણની ઘટનાનો ઉલ્લેખ... ઉપરાંત પાંચ દાયકાની વિકાસગાથા આ બધી ઝીણવટભરી વિગતો નાટ્યશાસ્ત્રના અભ્યાસુ માટે રસપ્રદ અને ઉપયોગી બની રહેશે.
બીજા ખંડમાં ડાયસ્પોરિક એવા મૂળ ગુજરાતીભાષીઓના ભાષાસંસ્કૃતિને મૂળ સાથે બાંધી રાખવા થઇ ગયેલી અને થતી રહેલી વિશ્વવ્યાપી ભાષા શિક્ષણ અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો સર્વાંગી વિશ્લેષ્ણાત્મક ઇતિહાસ રજૂ કરાયો છે.
જેનું પ્રથમ પ્રકરણ ‘બ્રિટનના ગુજરાતી સાહિત્ય સર્જકો’ છે. આપ સૌ વાચક મિત્રોને યાદ હશે કે તાજેતરમાં તંત્રીશ્રી સી. બી. પટેલે એમની કોલમ ‘જીવંત પંથ’માં અત્રેના સાહિત્યકારોના નામો સૂચવવા અમને (ડો. જગદીશ દવે, કોકિલાબેન અને મને) આહ્વાન આપ્યું હતું. જે અત્રે પ્રસ્તુત: બ્રિટનના ગુજરાતી સાહિત્યકારોમાં સૌપ્રથમ સ્મરણ સ્વ. ભાનુશંકર ઓધવજી વ્યાસ (૧૯૨૪થી ૧૯૮૭)નું કરાયું છે. ત્યારબાદ ક્રમશ: સર્વશ્રી કવિ ડાહ્યાભાઇ પટેલ, બળવંત નાયક, ટી. પી. સૂચક, પોપટલાલ પંચાલ, વિનય કવિ, રમેશ પટેલ, ડો. વિનોદ કપાસી, રામુ મટવાડકર, વલ્લભદાસ નાંઢા, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, પ્રફુલ્લ અમીન, રજનીકાન્ત મહેતા, ઉપેન્દ્ર ગોર, દોલત મહેતા, રમણભાઇ પટેલ, યોગેશ પટેલ, પંકજ વોરા, ગજાનન ભટ્ટ, અરવિંદ જોષી, જગદીશ દવે ઉપરાંત સ્ત્રી લેખિકાઓમાં શાંતશીલા ગજ્જર, ભાનુબહેન કોટેચા, નીરુબહેન દેસાઇ, ભારતી વોરા, ધીરજબહેન શુકલ, કોકિલાબેન પટેલ અને જ્યોત્સના શાહ નો સમાવેશ થાય છે.
મુસ્લિમ કવિઓ: બોલ્ટનવાસી મુસ્લિમ કવિઓ વરસોથી ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ના નેજા હેઠળ પ્રતિ વર્ષ મુશાયરા યોજે છે જેમાં મહેક ટંકારવી, અદમ ટંકારવી, કદમ કમલ, સિરાજ પટેલ, જિગર નબીપુરી, સેવક અલીપોરિ, માસુમ કરોલિયા, હસન ગોરાડાભેલી, અબ્દુલ અઝીઝ ઝુમલા, અયુબ ઝુમલા, નાહિદ રાંદેરી, બાબર બંબુસરી, હારુન પટેલ, પથિક સિતપોણવી, સૂફી મનબુરી આદી શાયરોએ ગઝલો-હઝલો રચી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે. શાયરોમાં કોઇ મઝહબના ભેદ નથી.
આ સર્જકોમાં કેટલાક વનપ્રવેશ કરી ચૂક્યા છે અથવા સ્વર્ગવાસી થયા છે, પરંતુ પોતાની કૃતિઓ દ્વારા અમર થઇ ગયા છે. જેઓનું સર્જન કાર્ય પૂર્વે ભારત, પાકિસ્તાન કે પૂર્વ આફ્રિકામાં આરંભાયેલું અને બ્રિટનમાં પણ ચાલુ રહ્યું છે.
ત્રીજી પેઢીમાં શ્રૃતિ પંકજ કે ઇમ્તિઆઝ પટેલ જેવા જૂજ અપવાદો બાદ કરતા કોઇ નથી. શ્રૃતિએ તો એક અંગ્રેજીમાં કાવ્યસંગ્રહ આપ્યા પછી સર્જન લગભગ થંભી ગયું છે.
આ બધા લેખક-કવિઓના સર્જનની માહિતી બાદ ‘બ્રિટનમાં ગુજરાતી ભાષા શિક્ષણ’, ‘બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વ’, ‘બ્રિટનમાં ગુજરાતી સંગીત, નાટક આદિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ’, ‘પૂર્વ આફ્રિકામાં ગુજરાતી સાહિત્ય સંગીત કલા’ અને ૧૩મું પ્રકરણ છે, ‘વિદ્વત્તા, રસિકતા અર્થવેત્તાને નિર્દેશતો ગ્રંથ’.
ગાર્ડી રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા દ્વારા પ્રકાશિત અને ડો. બળવંત જાની સંપાદિત આ લેખોને આવરી લેતું પુસ્તક ‘સમિધ’ સાહિત્યપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે આ એક અણમોલ ભેટ છે.

• ‘સમિધ’ (વિવેચન લેખો)

- જગદીશ દવે

વધુ વિગત માટે ઇમેઇલ કરોઃ [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter