ગત થોડા મહિનાઓ દરમિયાન મેં લેબર પાર્ટીના ઘણા આંતરિક સૂત્રો સાથે કેટલીક ઘણી રસપ્રદ વાતચીત કરી છે. ઘણા મુદ્દા ઉપસ્થિત થઈ રહ્યા છે અને મારી આગામી કોલમ્સમાં સમયાંતરે તેના વિશે ચિંતન રજૂ કરતો રહીશ. અત્યારે તો એમ જણાય છે કે લેબરનેતા કેર સ્ટાર્મર હાઉસ ઓફ લોર્ડ્સને હાઉસ ઓફ લેબરમાં તબદીલ કરવાનો માસ્ટર પ્લાન ધરાવે છે અને જો તેઓ ચૂંટાઈ આવશે તો હાઉસ ઓફ લોર્ડ્સમાં લેબર સમર્થકોને ઝડપથી નિયુક્ત કરવાનો તેમનો પ્લાન હોય તેમ જણાય છે. 100થી વધુ નામની યાદી તૈયાર કરવામાં આવી છે, હા તમે આ રકમ બરાબર વાંચી છે. આ લોકોને હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્ત કરવાનો અને તેમના થકી આ સેકન્ડ ચેમ્બર પર અંકુશ મેળવવાનો તેમનો ઈરાદો છે.
ખરેખર તો રાજકીય દૃષ્ટિએ આમાં કશું જ ખોટું નથી. આખરે તો રાજકારણમાં જો તમે વિજયી બન્યા હો તો તમામ બાબતો તમારી તરફેણમાં આવતી રહે તેની ચોકસાઈ કરવી તમારા જ હાથમાં છે. હાઉસ ઓફ લોર્ડ્સ પર અંકુશ પ્રાપ્ત કરીને તેઓ એવી ચોકસાઈ કરવા માગે છે કે લેબર પાર્ટી તેના કોઈ પણ પ્રકારના વાહિયાત કે હાસ્યાસ્પદ લેજિસ્લેશન્સ લાવે તેને પ્રાઈમરી (હાઉસ ઓફ કોમન્સ) અને સેકન્ડરી (હાઉસ ઓફ લોર્ડ્સ) ચેમ્બર્સમાં પસાર કરાવી શકે.
મેં એ પણ નોંધ્યું છે કે આ જ સમયગાળા દરમિયાન હિન્દુ મંદિરો અને કોમ્યુનિટી સેન્ટર્સમાં લેબર રાજકારણીઓની આવનજાવન અચાનક વધી ગઈ છે. લેબર પાર્ટીએ છેલ્લા 20 વર્ષના ગાળામાં લગભગ જે કાંઈ કર્યું છે તે બધું હિન્દુવિરોધી અને ભારતવિરોધી જ કર્યું છે તેને ધ્યાનમાં રાખતા આ ઘણી આશ્ચર્યજનક બાબત છે. તાજેતરમાં જ આપણા કેટલાક હાઈ પ્રોફાઈલ મંદિરોની મુલાકાત લેતા લેબર સાંસદોની પરેડ આપણે નિહાળી છે. આપણી તો જે પરંપરા રહી છે તે અનુસાર આપણે ચોક્કસપણે ખુલ્લા હાથે દરેકને આવકારીશું અને યોગ્ય સન્માન પણ આપીશું. સમગ્ર માનવજાત માટે ખુલ્લાપણું એ જ તો આપણી સૌથી મહાન શક્તિ છે. અને એ જ ઘણી વખત આપણી નબળાઈઓમાં એક બની જાય છે કારણકે જેઓ આપણને હાનિ પહોંચાડવાની ઈચ્છા રાખે છે, જેઓ ઘૃણા-તિરસ્કારને ઉશ્કેરે છે, જેઓ આપણી આસ્થા અને સંસ્કૃતિના પોતને ક્ષીણ-નબળું બનાવે છે, તેઓ પોતાના ગુપ્ત રાખેલા પક્ષપાતો સાથે બચી નીકળવામાં સફળ થાય છે.
હવે આપણે ઉમરાવપદ તરફ પાછા ફરીએ. એમ લાગે છે કે લેબર પાર્ટીએ આપણી કોમ્યુનિટીના લોકો માટે આશરે દસ જેટલા ઉમરાવપદ અનામત રાખ્યા છે. હવે બરાબર સમજાય છે કે અચાનક કેટલાક હિન્દુઓ અને ભારતીયો સ્ટાર્મરનું ધ્યાન ખેંચવા શા માટે પડાપડી કરી રહ્યા છે. તેઓ સ્ટાર્મર માટે પ્રચાર કરવા અને મત મેળવી શકે તેમજ તેને વધુ સ્વીકાર્ય બનાવી શકે તેવી વ્યક્તિ બનવાની લાઈનમાં લાગી ગયા છે. આવી વ્યક્તિઓ કોણ હશે તેની તમે અટકળ લગાવી શકશો કે કેમ તે જાણવા હું ઉત્સુક છું.
આપણી કોમ્યુનિટીમાં એવો ખોટો ખ્યાલ પ્રવર્તી રહ્યો છે કે આપણે રાજકારણીઓના તરંગો આગળ ઘૂંટણો ટેકવી દેવા જોઈએ, કદાચ તે સત્તામાં આવી પણ શકે છે. આપણી કોમ્યુનિટીમાં એવા પણ લોકો છે જેઓ આપણને ઉંઘતા પણ વેચી શકે છે કારણકે તેમને માન-અકરામ અથવા ઉમરાવપદ કે અન્ય કશું જોઈતું હોય છે. આનાથી વિપરીત, જ્યુઈશ અને મુસ્લિમ કોમ્યુનિટી સાથે સરખામણી કરો. તેઓ કદી સમાધાન કરતા નથી. તેઓ હંમેશાં કઠોર અને આખાબોલા હોય છે. જ્યારે જ્યુઈશ કોમ્યુનિટી લેબર પાર્ટીની સામે પડી અને તેમની પાર્ટીમાં યહુદીવિરોધ અનિયંત્રિત હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું ત્યારે તેમણે ધ્યેયની એકતા સાથે આમ કર્યું હતું. તેમણે લેબર પાર્ટીને તેના ઘૂંટણો પર લાવી દીધી અને આજે તેઓ સન્માન-વટ ધરાવે છે.
હું મુસ્લિમ કોમ્યુનિટીને પણ સલામ કરીશ. તેમણે લેબર પાર્ટીમાં ઈશ્વર-ખુદાનો ભય એટલી હદ સુધી ફેલાવી દીધો કે આજે પણ સ્ટાર્મરને કેટલાક મુસ્લિમ સાંસદોને આગળી હરોળમાં બેસાડવાની ફરજ પાડી અથવા તેમનાથી વિરુદ્ધ જવા માટે પ્રકોપનો સામનો કરવો પડે તેવી સ્થિતિ લાવીને ઉભી કરી દીધી. ઉદાહરણ જોઈએ તો, શબાના મહેમૂદ, રોસેના અલીન-ખાન, ઈમરાન હુસૈન, નાઝ શાહ, લોર્ડ (વાજિદ) ખાન, અફઝલ ખાન, તુલિપ સિદ્દિક અને યાસ્મીન કુરેશી, આ બધાને જ પ્રભાવશાળી પોઝિશન્સ અપાઈ છે. હું જાણું છું ત્યાં સુધી, આમાંથી કોઈએ આપણે ઘણી વખત જોયું છે તેમ હિન્દુવિરોધી અને ભારતવિરોધી ઘૃણાને કદી જાહેરમાં વખોડી નથી. ભલે તે ઈન્ડિયન હાઈ કમિશન પરનો હુમલો હોય કે આપણા મંદિરો પર હુમલા હોય.
શું તમે જાણો છો કે લંડનમાં તાજેતરના ઈન્ડિયા ગ્લોબલ ફોરમના ઈવેન્ટમાં સ્ટાર્મરને મહત્ત્વનું સ્થાન અપાયું હતું. તેમણે જ્યારે ભારત વિશે થોડું ઘણું કહ્યું તેમાં ભારતના આટલા બધા વિકાસ અને સફળતાઓ માટે વડા પ્રધાન મોદી અને તેમની સરકારનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહિ. આ તો એવું જ લાગ્યું કે તેઓ પોતાની પાકિસ્તાની વોટ બેન્કને ખોટું લગાડવા ઈચ્છતા ન હતા. 2014માં મોદીજી માટે વિઝા પ્રતિબંધની ગુપ્ત યોજના ઘડનારી લેબર પાર્ટી તેની ભૂતકાલીન કે વર્તમાન ધૃષ્ટતા બદલ હજુ સુધી માફી માગવાની ચેષ્ટા કરી શકતી નથી.
હાઉસ ઓફ લોર્ડ્સ પર અંકુશ મેળવવાનો માસ્ટર પ્લાન ખરેખર જોરદાર છે. અને આપણી કોમ્યુનિટીમાં પોતાના ઘૂંટણો પર નીચે ઝૂકી જનારા લોકોને પીઅરેજ આપવાની તેમની ક્ષમતા પણ જોરદાર છે. સમય જતા આ લોકો કોણ છે તે ધીરે ધીરે સ્પષ્ટ થતું જશે. મને તો ખાતરી છે કે તે યાદીમાંનો એક હું તો નથી જ!
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


