અમદાવાદ: કેલેન્ડર વર્ષ 2025માં 18 વર્ષ પછી મેઇન બોર્ડ આઈપીઓ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે. 2007 પછી પહેલી વાર ઇનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ)ની સંખ્યા 100ને વટાવી જવાની તૈયારીમાં છે. આ વર્ષે કંપનીઓએ ઇશ્યૂ દ્વારા રૂ. 1.7 લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે. આ અઠવાડિયે, આઇસીઆઇસી પ્રુડેન્ટ, આઈપ્રુ એસેટ, પાર્ક મેડી વર્લ્ડ, કોરોના રેમેડીઝ, નેફ્રોકેર હેલ્થ અને વેકફિટ ઇનોવેશન તરફથી નવા આઈપીઓની જાહેરાત સાથે, આ વર્ષે ઇશ્યૂની સંખ્યા 100ને વટાવી જશે. આ વર્ષે અત્યાર સુધીમાં 96 કંપનીઓ આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી છે. ગયા અઠવાડિયા સુધીમાં, આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમ ગયા વર્ષે 91 આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા રેકોર્ડ રૂ. 1.59 લાખ કરોડને વટાવી ગઈ હતી.
આ પહેલી વાર છે જ્યારે ભારતમાં સતત બીજા વર્ષે પ્રાયમરી બજારમાં રેકોર્ડ મૂડી એકત્ર કરવામાં આવી છે. 2025માં આઈપીઓ બજારમાં તેજી સેકન્ડરી બજારમાં અસ્થિરતા વચ્ચે આવી છે. નબળા કોર્પોરેટ નફા અને યુએસ સાથેના વેપાર સોદાને લગતી અનિશ્ચિતતાએ જૂનથી બેન્ચમાર્ક સૂચકાંકો પર દબાણ જોવા મળ્યું છે. આમ છતાં, આઈપીઓ બજાર સ્થિતિસ્થાપક રહ્યું છે, જૂનથી દર મહિને ઓછામાં ઓછા 8 ઈશ્યુ બજારમાં આવ્યા છે.


