UBS, NOMURA અને UniCreditને ઈયુ દ્વારા $૪૫૨ મિલિ.નો જંગી દંડ

Wednesday 26th May 2021 05:58 EDT
 
 

લંડન, બ્રસેલ્સઃ યુરોપીય યુનિયન (ઈયુ) સરકારના એન્ટિ- ટ્રસ્ટ નિયમનકારોએ UBS, NOMURA અને UniCredit બેન્કોને સરકાર સામે કાર્ટેલ રચી સરકારી આર્થિક બોન્ડની ખરીદીમાં ગેરરીતિઓ આચરવા બદલ ૩૭૧ મિલિયન યૂરો (આશરે ૪૫૨ મિલિયન ડોલર)નો દંડ ફટકાર્યો છે. ત્રણે બેન્કોએ દંડ સામે અપીલ કરશે અથવા અપીલની  વિચારણા કરશે તેમ જણાવ્યું છે.

યુરોપીય સરકારના બોન્ડની હરાજીમાં UBS, NOMURA અને UniCredit ત્રણેએ એકજૂથ બની ૨૦૦૭થી ૨૦૧૧ સુધી બોન્ડ માટે ઓફર કરાયેલી પોતાની કિંમત અને ખરીદવા માગતા બોન્ડના જથ્થા વિશે ચેટરૂમ્સ તથા બ્લૂમબર્ગ ટર્મિન્લ્સ ઉપર એકબીજાને માહિતી આપી દીધી હતી. આના કારણે સ્પર્ધાત્મકતાની ભાવના જળવાતી ન હતી અને હરાજીમાં સરકારને નુકસાન જતું હોવાનું યુરોપિયન કમિશને જણાવ્યું હતું.

યુરોપિયન કોમ્પિટિશન કમિશનરે જણાવ્યા મુજબ આ બોન્ડ માર્કેટ સારી રીતે ચાલતું હતું અને યૂરોઝોનના સભ્ય દેશો માટે બોન્ડ્ઝ મૂકીને રોકડ મેળવવાનું મહત્ત્વનું બજાર હતું. યુરોપિયન કમિશને આરોપ લગાવ્યો છે કે ફોરેન એક્સચેન્જ કાર્ટેલ, યુરીબોર અને લાઈબોર બેન્ચમાર્ક કાર્ટેલ અને બોન્ડ કાર્ટેલમાં સંડોવણી બદલ આર્થિક ભંડોળ પૂરું પાડનાર બેન્કો સામે આ તાજી પેનલ્ટીઝ છે.

સ્વિટ્ઝર્લેન્ડની મલ્ટિનેશનલ બેન્ક UBSએ તમામ જોગવાઈઓનો અભ્યાસ કરી સુધારો કરવા પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું. આ દંડના કારણે તેમના ૨૦૨૧ના બીજા ક્વાર્ટરના નફામાં ૧૦૦ મિલિન ડોલરનું ગાબડું પડશે. બીજી તરફ, UniCredit દ્વારા તેમના તરફથી કોઈ ગરબડ જણાતી ન હોવાથી યુરોપિયન કોર્ટમાં અપીલ કરાશે તેમ જણાવાયું હતું. નોમુરાએ ભવિષ્યમાં ઉચ્ચ સ્તરીય નીતિઓ જાળવવા તમામ પગલાં ભરવા ઉપરાંત, અપીલ કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter