મુંબઈઃ ભારતના 191 ધનિક વ્યક્તિઓએ ગત વર્ષે 10,380 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એડલગિવ-હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ-2025માં વિવિધ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ઉદારમના દાતાઓના નામ જોવા મળે છે, પરંતુ આ યાદીમાં એચસીએલ ટેકના સ્થાપક શિવ નાદર ફરી સૌથી મોટા દાનવીર તરીકે ઉભર્યા છે.
ઉદાર દિલના શિવ નાદરે ગયા વર્ષે દરરોજ સરેરાશ 7.4 કરોડનું દાન આપ્યું હતું. નાદર અને તેમનો પરિવાર પાંચ વર્ષમાં ચોથી વખત આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને રહ્યો છે. રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી આ યાદીમાં બીજા ક્રમે જ્યારે બજાજ ગ્રૂપ ત્રીજા ક્રમે છે.
આ યાદીમાં 24 મહિલાઓના નામ પણ જોવા મળે છે. મહિલાઓમાં રોહિણી નિલેકણી રૂ. 204 કરોડના દાન સાથે ટોચ પર છે. બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો રૂ. 83 કરોડના દાન સાથે બીજા ક્રમે છે.
દાનના આંકડાઓ પર નજર ફેરવતા જણાય છે કે છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીના દાનમાં 54 ટકા, ટોરન્ટના સુધીર મહેતાના દાનમાં 69 ટકા અને ગૌતમ અદાણીના દાનમાં 17 ટકાનો વધારો થયો છે.
ઝેરોધાના નિખિલ કામથ (39) અને નીતિન કામથ (46) સૌથી યુવા પરોપકારીમાં ટોચ પર છે. જેમણે રૂ. 147 કરોડનું દાન આપ્યું છે. જ્યારે 42 વર્ષના બિન્ની બંસલ રૂ. 18 કરોડના દાન સાથે બીજા ક્રમે રહ્યા છે. ઘણા અગ્રણી વ્યાવસાયિક મેનેજરોએ તેમની વ્યક્તિગત સંપત્તિમાંથી દાન આપ્યું છે.
નાદર પરિવાર આજેય અગ્રેસર
શિવ નાદર અને તેમનો પરિવાર વ્યક્તિગત દાનની યાદીમાં પણ ટોચ પર રહ્યા છે, વ્યક્તિગત રીતે રૂ. 2,537 કરોડનું દાન આપ્યું છે. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી અને તેમના પત્ની રોહિણી બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે, તેમણે 356 કરોડ અને 199 કરોડનું દાન આપ્યું છે.


