અદાણી અને રિલાયન્સ પાવર બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ સ્થાપશે

Wednesday 17th June 2015 09:40 EDT
 
 

ઢાકાઃ ભારતની બે ટોચની વીજ ઉત્પાદક કંપનીઓ અદાણી પાવર અને રિલાયન્સ પાવર બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા ૪૬૦૦ મેગાવોટની વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન બન્ને કંપનીઓએ સરકાર હસ્તકના બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (બીપીડીબી) સાથે સમજૂતીકરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
રિલાયન્સ પાવરે ૩ બિલિયન ડોલરના ખર્ચે ૩૦૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન માટે બીપીડીબી સાથે પાવર પ્લાન્ટના ચાર યુનિટના નિમાર્ણ માટે એમઓયુ કર્યા છે જ્યારે અદાણી પાવર ૧.૫ બિલિયન ડોલરના ખર્ચે ૧૬૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા સાથેના બે કોલ ફાયર્ડ પ્લાન્ટની સ્થાપના કરશે. અંતિમ કરાર સંપન્ન થયા બાદ પ્લાન્ટના નિમાર્ણકાર્યમાં ૧૩ મહિનાનો સમય લાગશે એમ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.
બીપીડીબીના ડાયરેક્ટર મહમ્મદ સેઇફુલે જણાવ્યું હતું કે પ્લાન્ટની સ્થાપના માટેની વિગતો પર ચર્ચાવિચારણા ચાલી રહી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ૭૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે તેમ છતાં દૈનિક માગ સામે ૧૫૦૦ મેગાવોટ વીજળીની અછત પ્રવર્તે છે. અદાણી અને રિલાયન્સ પાવરનું પ્લાન્ટનું નિમાર્ણકાર્ય એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ હાથ ધરશે. પાવરપ્લાન્ટના નિમાર્ણથી બાંગ્લાદેશની વીજળીની અછતમાં ઘણો ઘટાડો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter