અસ્ડાના માલિક ઈસાબંધુઓની નવા ૩૦૦થી વધુ સ્ટોર્સ ખોલવાની યોજના

Wednesday 01st September 2021 05:46 EDT
 
 

લંડનઃ અસ્ડાના માલિક બિલિયોનેર ઈસાબંધુઓ- મોહસીન અને ઝૂબેર ઈસા તેમના EG ગ્રૂપના ફોરકોર્ટ્સમાં નવા ૩૦૦થી વધુ ‘અસ્ડા ઓન ધ મૂવ’ કોન્વેનીઅન્સ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે. તેમની માલિકીના આશરે ૪૦૦માંથી પાંચ પેટ્રોલ સ્ટેશન્સ પર સ્ટોર્સની સફળ ટ્રાયલ પછી આ નિર્ણય લેવાયો છે. પ્રથમ ‘અસ્ડા ઓન ધ મૂવ’ સ્ટોર ઓક્ટોબર ૨૦૨૦માં વોલસાલ ખાતે ખોલાયો હતો.

બિલિયોનેર ઈસાબંધુઓએ આ વર્ષે પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ TDR કેપિટલ સાથે મળી ૬.૮ બિલિયન પાઉન્ડમાં અસ્ડાને ટેકઓવર કર્યું હતું જેના પરિણામે બે દાયકામાં પ્રથમ વખત સુપરમાર્કેટ ચેઈનની માલિકી યુકે બહુમતી હસ્તક આવી હતી. કોમ્પિટિશન વોચડોગ (CMA)ની તપાસ પછી તેઓએ ટેકઓવર સોદો આગળ વધી શકે તે માટે આ વર્ષના જૂનમાં ૨૭ ફ્યૂલ સ્ટેશન વેચી દેવા સંમતિ દર્શાવી હતી. ટેકઓવરને CMA દ્વારા બહાલી વખતે EG ગ્રૂપ ૩૯૫ પેટ્રોલ સ્ટેશનનું સંચાલન કરતું હતું જ્યારે અસ્ડા હસ્તક ૩૨૩ પેટ્રોલ સ્ટેશન હતા.

અસ્ડાના નવા માલિકો હાઈ સ્ટ્રીટ્સ અને ટાઉનની બહારના રિટેઈલ પાર્ક્સ સહિતના સ્થળોએ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ સ્કવેર ફીટની વચ્ચેના સુપરમાર્કેટ્સ ખોલવાનું વિચારતા હોવાનું પણ બહાર આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter