આમિર, રણબીર, સચિન, આલિયાને તેજી ફળીઃ શેરબજારમાં માલામાલ

Wednesday 13th March 2024 06:42 EDT
 
 

મુંબઇઃ શેરબજારમાં તેજીને પગલે આઈપીઓ એટલે કે પ્રાઈમરી માર્કેટમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. ઢગલાબંધ કંપનીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે અને હજી અનેક કંપનીઓ લાઇનમાં ઉભી છે. બોલિવૂડ અને ક્રિકેટ જગતના ટોચના સ્ટાર્સ પણ આ તેજીથી અંજાઈ ગયા છે. આ પૈકી ઘણાંએ તો ઈશ્યૂ આવતા પહેલાં જ આવી કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જે પૈકી ઘણાંને તગડી કમાણી થઈ ગઈ છે.

આમિર ખાન અને રણબીર કપૂરે શેર એસએમઇ કંપની ડ્રોનઆચાર્ય એરિયલ ઇનોવેશન્સમાં રોકાણ કર્યું હતું. આમિરે 46,600 (0.26 ટકા) શેર સાથે ₹રૂ. 25 લાખનું રોકાણ આઈપીઓ પહેલાં કર્યું હતું. રણબીર કપૂરે 37,200 શેર (0.21 ટકા) સાથે ₹રૂ. 20 લાખનું રોકાણ કર્યું હતું. આમ બન્નેએ શેરદીઠ ₹રૂ. 53.59ના ભાવે પ્રી-આઈપીઓ ખરીદી કરી હતી. ડ્રોનઆચાર્યના શેરનું 23 ડિસેમ્બરે ₹રૂ. 102ના ભાવે લિસ્ટિંગ થયું હતું. સાતમી માર્ચે તેનો ભાવ રૂ. 155.85 હતો. આ રીતે લિસ્ટિંગથી અત્યાર સુધીમાં 45.52 ટકા વળતર મળ્યું છે. આ જ શેરમાં આમિર ખાનનું રોકાણ હાલમાં ₹72.62 લાખ થયું છે અને રણબીરનું ₹57.97 લાખ થયું છે. આમ, બન્નેને ત્રણ ગણો નફો થઈ ગયો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે આઝાદ એન્જિનિયરિંગના 4,38,120 શેર પ્રી-આઈપીઓમાં ખરીદ્યા હતા. સરેરાશ શેરદીઠ ₹114.10ના ભાવે તેણે આ શેર માર્ચ 2023માં ખરીદ્યા હતા અને ₹રૂ. 4.99 કરોડનું રોકાણ કર્યું હતું. 28 ડિસેમ્બરે તેનું લિસ્ટિંગ ₹રૂ. 720ના ભાવે થયું હતું. સાતમી માર્ચે તેનો ભાવ ₹રૂ. 1355.3 હતો. સચિનનું રોકાણ અત્યાર સુધીમાં કુલ ₹રૂ. 59.39 કરોડ થઈ ગયું છે, જે 12 ગણો નફો દર્શાવે છે.
આલિયા ભટ્ટે ફાલ્ગુની નાયરની કંપની નાઇકામાં જુલાઈ 2020માં ₹રૂ. 4.95 કરોડનું રોકાણ કર્યું હતું, જે આજે રૂ. 54 કરોડ થઈ ગયું છે. આમ, તેને 11 ગણો નફો મળી ગયો છે. કેટરીના કૈફે નાઇકા સાથે સંયુક્ત સાહસ કર્યું હતું, જેમાં ₹રૂ. 2.04 કરોડનું રોકાણ કર્યું હતું. તે વધીને આજે રૂ. 22 કરોડ થઈ ગયું છે. આમ, તેને 11 ગણો નફો થઈ ગયો. જોકે પછી નાઇકાના શેરમાં ખાસ્સું ધોવાણ થતાં તેને સંભવતઃ નુકસાન થયું હોઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter