ઇન્ફોસિસના પ્રમોટર્સે રૂ. ૬૫૦૦ કરોડમાં ૩.૩ કરોડ શેર વેચ્યા

Thursday 12th February 2015 05:58 EST
 
 

મુંબઈઃ ભારતની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસના સહસ્થાપકોએ લગભગ રૂ. ૬,૫૦૦ કરોડમાં કંપનીના ૩.૩ કરોડ શેર વેચ્યા છે. શેરવેચાણ બાદ હવે નારાયણ મૂર્તિ અને નંદન નિલેકણી સમાજસેવાનું કોઈ સાહસ શરૂ કરશે એવા અહેવાલો છે.

શેરવેચાણના બુક-રનિંગ એજન્ટ ડોઇચે બેન્કના જણાવ્યા અનુસાર સહસ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિએ લગભગ ૧.૨ કરોડ શેર, કે. દિનેશે ૬૨ લાખ શેર અને કે. શિબુલાલે ૨૪ લાખ શેરનું વેચાણ કર્યું છે. 

ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ એક અખબારને જણાવ્યું હતું કે, ‘હાલના તબક્કે આવી કોઈ યોજના (સમાજસેવા માટે કોઈ સંસ્થા શરૂ કરવાની) નથી. જોકે, અગાઉ ઇન્ફોસિસ ફાઉન્ડેશન અને અન્ય ઘણી પ્રવૃત્તિમાં અમે સાથે કામ કર્યું છે. આવા સરસ સાથીઓ સાથે કામ કરવામાં હંમેશા આનંદ મળે છે.’ મૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની નજર ઘણી રસપ્રદ તકો પર છે. જેથી દેશની પ્રગતિમાં યોગદાન આપી શકાય. જોકે, હાલના તબક્કે કંઈ કહેવું વહેલું ગણાશે.
નંદન નિલકણીએ જણાવ્યું હતું કે, ‘આ શેરવેચાણ કંઇ કંપનીમાં સ્થાપકોના અવિશ્વાસનો સંકેત નથી. અમે વ્યક્તિગત કારણોસર આંશિક હિસ્સો વેચ્યો છે અને આગામી સમયમાં અમે સમાજસેવાના કાર્યો ચાલુ રાખીશું. આ શેરવેચાણ પછી પણ અમારો પરિવાર કંપનીના સૌથી મોટા રિટેલ શેરધારકોમાં સામેલ છે. ઇન્ફોસિસના ભાવિ અને લીડરશિપ ટીમમાં અમને પૂરો વિશ્વાસ છે.’
મુંબઈ ખાતેની એક વિદેશી બ્રોકરેજના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ‘આ લોકોના શેર વેચાણને નેગેટિવ ગણવું જોઈએ નહીં. કારણ કે તેઓ સંસ્થાકીય રોકાણકાર નથી. તેઓ વ્યક્તિગત કારણોસર શેર વેચ્યા છે અને આ પગલું તેમને સમાજસેવાના કોઈ સાહસ માટે સાથે લાવી શકે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter