ઉબેરને લંડનમાં ટેક્સી સર્વિસનું નવું લાઈસન્સ નહીં મળે

Sunday 01st December 2019 05:35 EST
 

લંડનઃ ઉબેરને લંડનમાં ટેક્સી સર્વિસ ચાલુ રાખવા માટે નવું લાઈસન્સ મંજૂર નહીં કરાય તેમ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા જણાવાયું હતું. TfLએ ઉમેર્યું હતું કે ઉબેરે તેના સંચાલનમાં ઘણાં ફેરફાર કર્યા હોવા છતાં એક લાઈસન્સધારક તરીકે તેનું ટેક્સી એપ ‘ચોક્કસ અને યોગ્ય’ નથી. ઉબેરે જણાવ્યું હતું કે તે આ નિર્ણય સામે અપીલ કરશે અને તે પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તેની સર્વિસ ચાલુ રાખી શકશે.

આમ તો સલામતીની ચિંતાને કારણે ઉબેરે ૨૦૧૭માં જ તેનું લાઈસન્સ ગુમાવી દીધું હતું, પરંતુ, તેને ૧૫ મહિનાનું એક્સ્ટેન્શન અપાયું હતું. ગયા સપ્ટેમ્બરમાં તેને વધારાના બે મહિનાનું એક્સ્ટેન્શન અપાયું હતું જે ૨૪ નવેમ્બરે પૂર્ણ થયું હતું.

TfLના લાઈસન્સીંગ, રેગ્યુલેશન એન્ડ ચાર્જિંગના ડિરેકટર હેલન ચેપમેને જણાવ્યું હતું,‘લંડનમાં પ્રાઈવેટ હાયર સર્વિસના નિયંત્રક તરીકે અમારે લાઈસન્સ ચાલુ રાખવા માટે ઉબેર યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય ૨૪મીએ જ લેવો જરૂરી હતો. સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.ઉબેરે સુધારા કર્યા છે. જોકે, ઉબેરે લાઈસન્સ અને ઈન્સ્યુરન્સ વિનાના ડ્રાઈવર્સની મીનીકેબમાં પેસેન્જરોને મુસાફરી કરાવી હતી તે સ્વીકારી શકાય તેમ નથી.’

ઉબેરે TfLના નિર્ણયને ‘અસાધારણ અને ખોટો’ ગણાવીને જણાવ્યું હતું,‘ છેલ્લાં બે વર્ષમાં અમે અમારા બિઝનેસમાં ઘણાં ફેરફાર કર્યા છે અને સલામતીના મુદ્દે યોગ્ય ધારાધોરણ ઘડી રહ્યા છીએ. છેલ્લાં બે મહિનામાં અમે લંડનના દરેક ડ્રાઈવરની ચકાસણી કરી છે અને અમારી પ્રક્રિયા વધુ મજબૂત બનાવી છે.’

લંડનમાં લગભગ ૪૫,૦૦૦ ડ્રાઈવર ઉબેર સાથે સંકળાયેલા છે અને તેનું લાઈસન્સ રદ થશે તો તે તમામને નોકરી ગુમાવવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter