લંડનઃ જીવનનિર્વાહની કટોકટી ચાલી રહી છે ત્યારે લોકો નાણા ખર્ચવામાં થોડી લગામ રાખે છે અને તેની અસર બજાર પર પણ થઈ છે. આમ છતાં, વેસ્ટ યોર્કશાયરના ઓટલી (Otley)માં એક દુકાન એવી છે જે ધમધોકાર ચાલે છે કારણકે ત્યાં બૂક્સ અને ચોકલેટ બાર્સથી માંડી ગોલ્ડ જ્વેલરી અને બાઈક્સ સહિતની દરેક વસ્તુનું વેચાણ માત્ર 20 પેન્સમાં કરવામાં આવે છે. પિતા અને પુત્રની જોડી સ્ટીવ અને સ્ટુઅર્ટ નેલ્સન દ્વારા સંચાલિત આ દુકાનનું નામ જ ‘The 20p Shop’ છે!
વેસ્ટ યોર્કશાયરનું ઓટલી એવું સ્થળ નથી જ્યાં તમે સહેલાઈથી બાર્ગેઈન કરી શકો પરંતુ, ‘બ્રિટનની સૌથી સસ્તી દુકાન’ તરીકે નામના મેળવી ગયેલી ‘The 20p Shop’ માં તમારે ભાવ કસવાની જરૂર રહેતી નથી કારણકે અહીં કોઈ પણ વસ્તુ -બૂક્સ અને ચોકલેટ બાર્સથી માંડી ગોલ્ડ જ્વેલરી અને બાઈક્સ સહિતની ખરીદી માત્ર 20 પેન્સમાં કરી શકાય છે. જીવનનિર્વાહની કટોકટીએ લોકોના ઘરના બજેટ ખોરવી નાખ્યા છે, ચેરિટી શોપ્સમાં વેચાણોમાં 10 ટકા વધારો થયો છે અને ઓછી કિંમતે માલસામાન વેચતાં B&M અને પ્રિમાર્ક જેવાં લોકપ્રિય રિટેઈલર્સ પણ ભાવ વધવાની ચેતવણી આપી રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે સૌથી સસ્તાં સુપરમાર્કેટ્સના માલસામાનમાં પણ ગયા વર્ષમાં 6થી 7 ટકાનો ભાવવધારો થયો છે ત્યારે મહામારીમાં ચાર મહિના ફરજિયાત બંધ રખાયેલી અને પાંચ વર્ષથી ચાલી રહેલી આ દુકાન ઉત્તરોત્તર લોકપ્રિયતા હાંસલ કરી રહી છે.
‘The 20p Shop’માં ગ્રીટિંગ્સ કાર્ડ્સ, બૂક્સ, કેલેન્ડર્સ, હેડફોન્સ, હેન્ડ સેનિટાઈઝરની બોટલ્સ અને ફેસ માસ્ક્સ સારી રીતે ગોઠવાયેલા રહે છે. ઘણી ચીજવસ્તુઓ પર £19.99નું ઓરિજિનલ પ્રાઈસ ટેગ પણ લગાવેલું જોવાં મળે છે. આ વસ્તુઓનું વેચાણ માત્ર 20 પેન્સમાં કેવી રીતે કરી શકો છો તેવા પ્રશ્નના ઉત્તરમાં સ્ટુઅર્ટ નેલ્સન (28 વર્ષ) કહે છે કે દરેક નાના બિઝનેસની માફક તેઓ પણ સંઘર્ષ કરે છે પરંતુ, તેમને મિલિયોનેર બનવાની મહત્ત્વાકાંક્ષા નથી. તેઓ સારામાં સારું બાર્ગેઈનિંગ કરીને તેમજ જથ્થાબંધ ખરીદી અને અન્ય દુકાનોએ કાઢી નાખેલા સામાન સહિત ચીજવસ્તુઓ લાવે છે અને મોટા ભાગના સામાનમાં એક પેન્સનો નફો મળી રહે છે.
જોકે, ઘણા લોકો આ દુકાનને ડોનેશન્સ પણ આપી જાય છે. તાજેતરમાં કોઈએ સ્ટોરને બાળકોની બે બાઈક્સ આપી હતી અને ગણતરીના કલાકોમાં તે વેચાઈ પણ ગઈ. ઘણા લોકો 20 પેન્સમાં વસ્તુ ખરીદી તેનો વધુ ભાવે સોદો પણ કરી નાખે છે. સ્ટુઅર્ટ કહે છે કે એક વ્યક્તિએ સ્ટોરને સોનાની રિંગ દાનમાં આપી હતી અને તેને 20 પેન્સમાં ખરીદનાર મહિલાએ 120 પાઉન્ડમાં તેનું વેચાણ કરી નાખ્યું હતું. શોપમાલિકોને લોકો તેમની શુભચેષ્ટાનો ગેરલાભ ઉઠાવતા હોવાની જરા પણ ચિંતા નથી. સ્ટુઅર્ટ કહે છે કે કોમ્યુનિટીને સસ્તું મળી રહે તે જ તેમનો આશય છે.