લંડનઃ ગેસની જથ્થાબંધ કિંમતો આસમાને જઈ રહી છે ત્યારે ૧.૬ મિલિયન પરિવારનો ગ્રાહક સમુદાય ધરાવતા અને બ્રિટનમાં સૌથી મોટા સાતમા ક્રમના એનર્જી સપ્લાયર બલ્બનું આખરે પતન થયું છે. વૈશ્વિક અછતના પગલે ગેસની જથ્થાબંધ કિંમતો આસમાને પહોંચ્યા પછી ઓગસ્ટ મહિનાના આરંભથી અત્યાર સુધીમાં બંધ પડનારી ૨૩મી એનર્જી સપ્લાયર કંપની છે.
ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યા અનુસાર બલ્બના ગ્રાહકો માટે એનર્જી ખરીદવાનું ભંડોળ ઉભું કરવા કરદાતાઓના સેંકડો મિલિયન્સ પાઉન્ડ કાઢવા પડશે.એનર્જી સપ્લાયર બલ્બ દ્વારા સરકારની એનર્જી પ્રાઈસ મર્યાદા પર દોષનો ટોપલો ઢોળાયો છે જેના કારણે ઊંચા જથ્થાબંધ ખરીદીના ખર્ચને ગ્રાહકોના શિરે લાદી શકાતો ન હતો અને ભારે ખોટ ખાઈને એનર્જી પૂરી પાડવાની ફરજ પડતી હતી.
બલ્બની સ્થાપના ૨૦૧૫માં અમિત ગુડકા અને હેડન વૂડ દ્વારા ૨૦૧૫માં કરાઈ હતી. અમિત ગુડકાએ આ વર્ષની શરૂઆતમાં એક્ઝિક્યુટિવનો હોદ્દો છોડી દીધો હતો જ્યારે વૂડ તેનું ચીફ એક્ઝિક્યુટિવ પદ જાળવી રાખ્યું છે. બલ્બનો ઝડપી વિકાસ થયો હતો અને યુકેના એનર્જી માર્કેટમાં તેનો સપ્લાય હિસ્સો ૬ ટકા જેૉલો હતો. બલ્બના આશરે ૧૦૦૦ કર્મચારીની નોકરી જોખમમાં આવી શકે છે.


