એલન મસ્કને ભારતમાં ટેસ્લા કારમાં રોકાણનો અદાર પૂનાવાલાનો અનુરોધ

Wednesday 11th May 2022 07:40 EDT
 

લંડનઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ રવિવારે ટ્વિટર પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કને ભારતમાં મોટા પાયે ટેસ્લા કારના મેન્યુફેક્ચરિંગ માટે રોકાણ કરવા અનુરોધ કરી જણાવ્યું છે કે, આ રોકાણ તમારા માટે ‘શ્રેષ્ઠ રોકાણ’ બની રહેશે.

એલન મસ્ક યુએસસ્થિત ઓટોમોટીવ તથા ક્લીન એનર્જી કંપની ટેસ્લા ઇન્કોર્પોરેશનના સીઈઓ તેમજ બે અન્ય વેન્ચરો સ્પેસએક્સ તથા ધી બોરિંગ કંપનીના પણ વડા છે. મસ્કે હાલમાં જ ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. પૂનાવાલાએ ટ્વિટરના સંદર્ભે કહ્યું કે, જો ટ્વિટર સોદો ન થાય તો મસ્ક ભારતમાં ઉચ્ચ કક્ષાની ગુણવત્તાની ટેસ્લા કારના મોટા પાયે ઉત્પાદન માટે રોકાણ કરી શકે છે.

દરમિયાન, ગત મહિને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ટેસ્લા જો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું મેનુફેક્ચરિંગ કરવા ઇચ્છે તો કોઈ સમસ્યા નથી, પરંતુ તે ચીનથી આયાત કરી નહિ શકે. ઓગસ્ટમાં એલન મસ્કે જણાવ્યું હતું કે, ટેસ્લા ભારતમાં પોતાનાં વ્હિકલ મોકલવા ઇચ્છે છે, પરંતુ કોઈ અન્ય મોટા દેશ કરતાં ઇમ્પોર્ટ ડ્યુટી ખૂબ જ ઊંચી છે. હાલમાં સંપૂર્ણ આયાત કરાયેલી કાર CIF (કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેઇટ) સહિતની કાર ઉપર ભારત 40,000 ડોલરથી વધારે ઇમ્પોર્ટ ડ્યુટી લગાડે છે, અને તે રકમ કરતાં ઓછી કોસ્ટિંગ ઉપર 60 ટકા લગાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter