એશિયન શેફ જય મોરજારિયાને £૫ લાખના રોકાણની ઓફર

Wednesday 20th June 2018 07:13 EDT
 
 

લંડનઃ એશિયનશેફ જય મોરજારિયાએ બીબીસીના તદ્ન નવા ફૂડ શો ‘મિલિયન પાઉન્ડ મેનુ’માં પોતાના ઈસ્ટ એશિયન અભિગમ ‘ડાયનેસ્ટી’ને આગળ ધપાવીને અન્ય સેંકડો લોકોને પાછળ પાડી દીધા હતા. મોરજારિયાએ લંડન, એડિનબરા અને યુરોપમાં હોટલ્સ ધરાવતા ૫ સ્ટાર રોક્કો ફોર્ટ હોટલ ગ્રૂપના લીડિયા ફોર્ટ તરફથી ૫૦૦,૦૦૦ પાઉન્ડના રોકાણની ઓફર પણ મેળવી હતી.

મિલિયન પાઉન્ડ મેનુ માસ્ટર શેફ પ્રોફેશનલ્સ અને ડ્રેગન ડેન યુકેના ૧૨ જુદા જુદા ફૂડ કન્સેપ્ટ્સ આપે છે. તેમાં ભાગ લેનાર દરેકને માન્ચેસ્ટરના હાર્દ સમા વિસ્તારમાં આવેલી ૪૦ લોકોની ક્ષમતાવાળી પોપ – અપ રેસ્ટોરાં ત્રણ દિવસ સુધી પ્રાયોગિક ધોરણે ચલાવવા માટે અપાય છે. તેનો હેતુ સ્વાદરસિકો અને તમામ મહત્ત્વના રોકાણકારોના દિલ જીતી લેવાનો છે.

આ શોના પ્રથમ એશિયન સ્પર્ધક શેફ જયે જણાવ્યું હતું, ‘મારા પેરન્ટ્સની ઈન્ડિયન વેજિટેરિયન રેસ્ટોરાં અને કૂકિંગના વાતાવરણ વચ્ચે હું ઉછર્યો હોવાથી ભોજને મારા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પરંતુ, હવે હું તેને એક ડગલું આગળ લઈ જવા માગું છું અને મારા સ્વપ્નને હકીકતમાં સાકાર કરવા માગું છું. શો દરમિયાન મને મળેલા પ્રતિસાદ બદલ મને ખૂબ આનંદ થયો છે.’

સાત વર્ષ અગાઉ શેફ જયે લંડનમાં વેજિટેરિયન કૂકરી સ્કૂલ સૂત્ર કિચન શરૂ કરવા માટે રિટેઈલ બાયર તરીકેની પોતાની જોબ છોડી દીધી હતી.

મિલિયન પાઉન્ડ મેનુ શોના હોસ્ટ ફ્રેડ સીરીક્સે પણ જયના ફૂડનો સ્વાદ માણીને તેને અદભૂત અને સ્વાદિષ્ટ ગણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter