એશિયાના સૌથી ધનિક ૫૦ પરિવારમાં ભારતના ૧૪

Friday 27th November 2015 05:44 EST
 
 

સિંગાપોરઃ એશિયાના ૫૦ સૌથી ધનવાન પરિવારોની યાદીમાં ૧૪ ભારતીય પરિવારનો સમાવેશ કરાયો છે. જાણીતા બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા પ્રથમ વખત જાહેર થયેલી આ યાદીમાં સામેલ ભારતીય પરિવારોમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જ્યારે સંપૂર્ણ યાદીમાં તેઓ ત્રીજા સ્થાને છે. અંબાણી પરિવારની સંપત્તિ ૨૧.૫ બિલિયન ડોલર આંકવામાં આવી છે.

ટોપ-૧૦ સૌથી ધનવાન પરિવારોમાં અંબાણી ઉપરાંત પ્રેમજી પરિવાર ૧૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે સાતમા ક્રમે છે. મિસ્ત્રી પરિવાર ૧૪.૯ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૧૦મા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર યાદીમાં ટોચના ક્રમે સાઉથ કોરિયાનું સેમસંગ ગ્રૂપ છે, જેની સંપત્તિ તેના સમગ્ર દેશના જીડીપીના ૨૨ ટકા છે. યાદીમાં ૫૦ ટકા ધનવાન પરિવાર ચાઈનીઝ મૂળના છે, તેમ છતાં આ ૫૦ પૈકી એક પણ પરિવાર હાલમાં ચીનમાં રહેતો નથી.

યાદીમાં સામેલ અન્ય ભારતીય પરિવારોમાં ગોદરેજ પરિવાર (૧૫મો ક્રમ, ૧૧.૪ બિલિયન ડોલર સંપત્તિ), આર્સેલર મિત્તલના મિત્તલ (૧૯મો ક્રમ, ૧૦.૧ બિલિયન ડોલર), બિરલા (૨૨મો ક્રમ, ૭.૮ બિલિયન ડોલર), બજાજ (૨૯મો ક્રમ, ૫.૬ બિલિયન ડોલર), ડાબરના બર્મન (૩૦મા ક્રમે, ૫.૫ બિલિયન ડોલર), કેડિલાના પટેલ (૩૩મો ક્રમ, ૪.૮ બિલિયન ડોલર), આઈશરના લાલ (૪૦મો ક્રમ, ૪ બિલિયન ડોલર), શ્રી સિમેન્ટના બંગર (૪૨મો ક્રમ, ૩.૯ બિલિયન ડોલર), જિન્દાલ (૪૩મો ક્રમ, ૩.૮ બિલિયન ડોલર), મુંજાલ (૪૬મો ક્રમ, ૩.૨ બિલિયન ડોલર), સિપ્લાના હમીદ (૫૦મો ક્રમ, ૨.૯ બિલિયન ડોલર)નો સમાવેશ છે. સૌપ્રથમ વાર તૈયાર કરાયેલી આ યાદીમાં એશિયાના ૧૦ દેશોમાંથી ૫૦ પરિવારને પસંદ કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter