લંડનઃ દુનિયામાં બાળકોથી માંડી વરિષ્ઠોની લોકપ્રિય કેડબરી ચોકલેટ બનાવતી કંપની મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ હાલમાં કેડબરી ડેરી મિલ્ક, ચોકલેટ બાર, બિસ્કિટ, ટોબ્લેરોન અને મીની એગ ઉપરાંત તેના ઉત્પાદનમાં વપરાતી સામગ્રીનો સ્ટોક એકઠો કરી રહી છે. તેથી બ્રેક્ઝિટને કારણે તેના પુરવઠા અને કંપનીના બિઝનેસ પર કોઈ અસર પડશે નહીં.
મોન્ડેલેઝ યુરોપના પ્રેસિડેન્ટ હબર્ટ વેબરે જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રિટન અને યુરોપના બાકીના દેશો વચ્ચે કોઈ ડિલ થઈ નથી. નો ડિલની સ્થિતિમાં કંપની આગોતરા પગલાંના ભાગરૂપે ચોકલેટ બાર, બિસ્કિટ અને બેકિંગમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ એકત્રિત કરી રહી છે. માર્ચ, ૨૦૧૯માં બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જશે. તેને લઈને મોટી કંપનીઓ પણ તૈયારીઓ કરી રહી છે. બ્રિટિશ ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવાતી સુગર, કોકો, તથા ઘંઉં નિર્મિત વસ્તુઓનો મોટો હિસ્સો ઇયુમાંથી આયાત થાય છે. સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન ઓછું છે. તેથી કંપનીઓને ભય છે કે સામગ્રીની અછતના કારણે ઉત્પાદનમાં ઘટાડો થશે. કેડબરી માટે કોકોનું પ્રોસેસિંગ ચિર્કમાં થાય છે. માર્લબ્રુકમાં દૂધ અને સુગર મિક્સ કરવામાં આવે છે. તેમાંથી ચોકલેટનો બેઝ તૈયાર થાય છે. દૂધની વ્યવસ્થા સ્થાનિક સ્તરે કરવામાં આવે છે. ચોકલેટના પુરવઠામાં સંભવિત ઘટાડાની બાબતે વેબરે કહ્યું હતું કે ખાદ્ય સામગ્રી મામલે બ્રિટન આત્મનિર્ભર નથી.
મેન્યુફેકચરીંગ કંપનીઓ પણ સ્ટોક જમા કરશે
ફાર્મા અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરની કંપનીઓ પણ સ્ટોક એકત્રિત કરી રહી છે. બ્રેક્ઝિટ માટે બ્રિટિશ કંપનીઓની મદદ કરનારી કન્સલ્ટન્સી ફર્મ વેન ડિજિટલના માર્ક વોટરમેને જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ બાદ બિઝનેસની અનિશ્ચિતતાથી કંપનીઓ ચિંતિત છે. તેમના મતે સ્ટોક જમા કરવાથી તેમની અમુક મુશ્કેલીઓ હળવી બનશે. જોકે, કાચા માલના સંગ્રહથી કેશ ફ્લો પર દબાણ વધે તેવી શક્યતા છે. બ્રિટનના સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ અનુસાર કંપનીઓ ઇયુમાંથી આ પ્રકારે ૩ મહિનાનો સ્ટોક જમા કરે તો બ્રિટનની આયાત ખૂબ વધવાની શક્યતા છે.