બ્રસેલ્સઃ યુરોપમાં આ વર્ષે કાળઝાળ ગરમીએ લોકોને રાડ પડાવી દીધી છે. આથી પણ વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ ગરમીની અસર માત્ર તન-મન પૂરતી મર્યાદિત નથી રહી, તે અર્થતંત્ર, પાણી અને લોકોના જીવનને ખતરનાક રીતે પ્રભાવિત કરી રહી છે. યુરોપના 23 દેશોમાં આ વર્ષે રેકોર્ડ હીટવેવ નોંધાઈ છે. કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને ઘણા શહેરોમાં હોસ્પિટલો, વીજળી ગ્રીડ, પરિવહન અને ખેતી પર દબાણ વધ્યું છે. અલગ-અલગ અંદાજો મુજબ આ ગરમીથી 20 હજાર કરતાં પણ વધુ લોકોના મોતના દાવા કરાઈ રહ્યા છે.
આ ભીષણ ગરમીની યુરોપ પર ગંભીર આર્થિક અસર પડી છે. એલિયાન્ઝ રિસર્ચના મોડેલની ગણતરી મુજબ, હીટવેવથી યુરોપના અર્થતંત્રને રૂ. 11 લાખ કરોડ સુધીનો ફટકો પડી શકે છે. 2030 સુધીમાં યુરોપને રૂ. 61 લાખ કરોડ સુધીનું આર્થિક નુકસાન થઇ શકે છે. તેનું સૌથી મોટું કારણ ઉત્પાદકતામાં ઘટાડો, વીજળીની માંગમાં ઉછાળો, કૃષિ ઉપજમાં નુકસાન, પ્રવાસન પર અસર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું દબાણ છે. આર્થિક નિષ્ણાતોના મતે સંકટ અહીં જ અટકશે તેવું નથી. યુરોપિયન એન્વાર્યન્મેન્ટ એજન્સીનો અંદાજ છે કે આગામી વર્ષ સુધીમાં યુરોપની લગભગ 34 ટકા વસતી જળ સંકટની ઝપટમાં આવી શકે છે અને લોકો પાણી માટે ટળવળતા જોવા મળશે.


