મુંબઇઃ ફરી એક વખત ગૌતમ અદાણી ભારતના ટોચના ધનિક બની ગયા છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 મુજબ, ગૌતમ અદાણીની સંપત્તિ 13 ટકા વધીને 9.22 લાખ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 10 ટકા ઘટીને 8.63 લાખ કરોડ થઇ ગઇ છે. ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા ભાઇઓ પ્રથમ વખત ટોપ-10 બિલિયોનેરની યાદીમાં સામેલ થયા છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1.89 લાખ કરોડને પાર થઇ છે. આ યાદીમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતા 1810 લોકો સામેલ છે. ટોપ-100માં ઉપરોક્ત સિવાય પંકજ પટેલ, ઇન્ટાસના હસમુખ ચુડગર, નિરમાના કરસન પટેલ, સન ફાર્માના દિલીપ સંઘવી, એમક્યોર ફાર્માના સતીષ-સુનીલ મહેતા, હિતેશ દોશી, અશ્વિન દાણી, કુશલ દેસાઈ, ભદ્રેશ શાહ સહિતના મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ સામેલ છે.
મહેતા પરિવારની સંપત્તિ વર્ષમાં 52 ટકા વધી
એક વર્ષમાં સુધીર-સમીર મહેતાની સંપત્તિ 52 ટકા વધી છે. તેઓ ગત વર્ષે યાદીમાં 25મા ક્રમે હતા, આ વખતે 10મા ક્રમે છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 65 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. તે સંપત્તિ વધવા મામલે દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતના રહેવાસી હોય તે મામલે મહેતા પરિવાર રાજ્યમાં બીજા ક્રમનો સૌથી ધનિક પરિવાર છે. જેબી કેમિકલ કંપની મર્જરથી સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો. ગ્રુપના મજબૂત દેખાવના કારણે રિચ લિસ્ટની યાદીમાં આગળ આવ્યા છે.
સૌથી વધુ બિલિયોનેર મુંબઇમાં
યાદીમાં કુલ 1810 બિલિયોનેર સામેલ છે. યાદીમાં 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ સામેલ છે. તેમની કુલ સંપત્તિ 187 લાખ કરોડ રૂપિયા છે. તે ભારતના જીડીપીના 50 ટકા બરાબર છે. દેશમાં સૌથી વધુ 465 બિલિયોનેર મુંબઈમાં, નવી દિલ્હીમાં 236માં છે.
AI આંત્રપ્રિન્યોર્સની અબજપતિમાં એન્ટ્રી!
યાદીમાં 19 બિલિયોનેર એવા છે, જેમનો મુખ્ય બિઝનેસ એઆઇનો છે. તેમની કુલ સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયા છે. તેમાં 15 ચહેરા પહેલી વખત સામેલ થયા છે. 28 વર્ષીય તનય કોઠારી, સહજ ગર્ગની એઆઈ કંપની વિસ્ત્ર ફ્લો છે. તેમની કુલ સંપત્તિ 8 હજાર કરોડથી વધુ છે.
દેશના ટોપ-5 ધનિક
નામ કંપની સંપત્તિ
ગૌતમ અદાણી - પરિવાર અદાણી ગ્રૂપ 9.22 લાખ કરોડ
મુકેશ અંબાણી - પરિવાર રિલાયન્સ 8.63 લાખ કરોડ
એલએન મિત્તલ - પરિવાર આર્સેલરમિત્તલ 3.39 લાખ કરોડ
સાયરસ પૂનાવાલા - પરિવાર સિરમ ઇન્સ્ટિટ્યૂટ 3.03 લાખ કરોડ
રોશની નાદર - પરિવાર એચસીએલ ટેક 2.78 લાખ કરોડ


