જગુઆર લેન્ડ રોવર વેચવાની અટકળોને ટાટાએ નકારી કાઢી

Saturday 18th May 2019 01:48 EDT
 
 

લંડનઃ ટાટા ગ્રૂપે બ્રિટિશ જગુઆર લેન્ડ રોવરને પ્યુજો અને વોક્સહોલના પેરિસસ્થિત ફ્રેંચ માલિક PSAને વેચવાની તૈયારીમાં હોવાની કે સોદાની નજીક હોવાની અફવા-અટકળોને નકારી કાઢી હતી. JLR માટે ટૂંક સમયમાં ડિલ સંભવિત હોવાનું સૂચવતો કથિત ‘પોસ્ટ સેલ ઈન્ટિગ્રેશન ડોક્યુમેન્ટ’ તૈયાર કરાયો હોવાના પ્રેસ એસોસિએશનના અહેવાલ બાદ આ પ્રતિક્રિયા આવી હતી.

બ્રિટનમાં ૪૦,૦૦૦થી વધુ કર્મચારીઓને રોજગારી પૂરી પાડતા અને મીડલેન્ડ્સના કાસલ બ્રોમવિચ અને સોલિહલમાં તથા મર્સીસાઈડના હેલવુડમાં કારનું ઉત્પાદન કરતાં બ્રિટનના સૌથી મોટા કાર નિર્માતાના ભવિષ્ય વિશે પ્રશ્રો સર્જાયા છે. ડિઝલ વાહનોના વેચાણમાં ઘટાડા અને ચાઈનીઝ માર્કેટ દ્વારા અનિશ્ચિત માગથી કંપની ભારે દબાણ હેઠળ છે. કંપનીએ ૨૦૧૮ના આખરી ત્રણ મહિનામાં ૩.૪ બિલિયન પાઉન્ડની પ્રિ-ટેક્સ ખોટ કરી હતી. જાન્યુઆરીમાં કંપનીએ જણાવ્યું હતું કે ૪,૫૦૦ કર્મચારીઓને છૂટા કરાશે.

કદાચ JLRની મુશ્કેલીઓને લીધે ટાટા આ બિઝનેસમાં નવા રોકાણકારને સામેલ કરે અથવા તો બિઝનેસ જ વેચી દેશે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે, ટાટાએ PSA સાથે વાતચીતના અહેવાલો નકારી જણાવ્યું હતું કે અફવાઓમાં કોઈ તથ્ય નથી.

PSAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની પાસે ઈન્ટિગ્રેશન ડોક્યુમેન્ટની કોઈ માહિતી નથી. પરંતુ, લાંબા ગાળા માટે વેલ્યુ સર્જાય તેવી કોઈ તક મળે તો અમે તૈયાર છીએ. કાર્લોસ ટેવરેસની માલિકીની PSAએ ૨.૨ બિલિયન યુરોના ડિલમાં ૨૦૧૭માં જનરલ મોટર્સ પાસેથી વોક્સહોલ અને ઓપેલ ખરીદી હતી. તે સાઈટ્રોજન અને DS બ્રાન્ડના માલિક પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter