જપાનને હચમચાવતું તોશિબાનું ૧.૨ બિલિયન ડોલરનું એકાઉન્ટીંગ સ્કેન્ડલ

Friday 24th July 2015 03:14 EDT
 
 

ટોકિયોઃ આશરે ૧.૨ બિલિયન ડોલરના આર્થિક કૌભાંડે જપાનના અર્થતંત્રને હચમચાવી નાખ્યુ છે. કૌભાંડ આચરનાર તોશિબા કોર્પોરેશનના સીઈઓ હિસાઓ ટાનાકા સહિત બીજા ટોચના અધિકારીઓએ મંગળવારે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરના વર્ષમાં જપાનનું આ મોટામાં મોટું આર્થિક કૌભાંડ છે.
રાજીનામું આપનાર સીઇઓ હિસાઓ ટાનાકાનો કાર્યભાર કંપનીના ચેરમેન સંભાળશે. સ્વતંત્ર તપાસમાં એવું બહાર આવ્યું હતું કે પાછલા કેટલાક વર્ષોથી કંપનીના નફાની રકમ વધુ પડતી બતાડવામાં આવતી હતી અને કંપનીના સીઈઓની જાણકારી હેઠળ જ આમ થતું હતું. ભરચક પત્રકાર પરિષદમાં પોતાની ભૂલોની કબૂલાત કરતાં તેમણે પ્રાયશ્ચિત રૂપે રાજીનામાની જાહેરાત કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા ટાનાકાએ કહ્યું હતું કે તોશિબાના ૧૪૦ વર્ષના ઈતિહાસમાં આ સૌથી દુઃખદ દિવસ છે. આનાથી કંપનીની બ્રાન્ડને બેહદ નુકસાન પહોંચ્યું છે. આ પ્રશ્નનું નિરાકરણ તત્કાળ આવે તેમ લાગતું નથી.
સીઇઓ ટાનાકાની સાથે તોશિબા કંપનીના બીજા આઠ ઉચ્ચ અધિકારીઓએ પણ રાજીનામા આપી દીધા હતા. કંપનીના હિસાબની ત્રીજા અને સ્વતંત્ર પક્ષ દ્વારા થયેલી તપાસમાં એમ જાહેર થયું હતું કે ૨૦૦૮ના નાણાકીય વર્ષથી આ લોકો નફાની રકમને ચડાવી ચડાવીને દર્શાવતા હતા. તોશિબાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૫૧.૮ બિલિયન યેન (૧.૨ બિલિયન ડોલર) જેટલો નફો વધારીને કંપનીને ચોપડે ખોટી રીતે દર્શાવ્યો હતો. અલબત્ત આ પ્રાથમિક અંદાજ છે.
તપાસકર્તા પેનલના એક અધિકારીએ કહ્યું હતું કે એક પ્રકારે વિશ્વમાં જપાનનું પ્રતિનિધિત્વ કરતી (તોશિબા) કંપની પાસે આ પ્રકારના વ્યવહારની અપેક્ષા નહોતી. તોશિબા જેવી સંસ્થાના સીઈઓ પાસેથી આ અનઅપેક્ષિત હતું.
પેનલના તારણને ટાનાકાએ રદિયો આપ્યો નહોતો, પરંતુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આર્થિક ગેરરીતિઓને ઉત્તેજન આપવાનો એમનો મુદ્દલે ઈરાદો નહોતો.
આ આંચકો લાગે તેવી બાબત સામે આવી હોવા છતાં તોશિબાના શેરનો ભાવ મંગળવારે ૬.૧૩ ટકા જેટલો વધ્યો હતો, કારણ કે છેલ્લાં કેટલાક સમયથી પ્રવર્તતી અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter