જામનગરી બાંધણીને GI ટેગઃ ગુજરાતની નવમી પ્રોડક્ટ

Thursday 12th February 2015 06:01 EST
 
 

જામનગરઃ ‘સૌરાષ્ટ્રના પેરિસ’ જામનગરની ઓળખ સમાન વિખ્યાત ‘જામનગર-બાંધણી’ને જિયોગ્રાફિલ ઇન્ડિકેશન (જીઆઇ) ટેગ મળી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જીઆઇ ટેગ માટેની અરજીને ટેગ ઓફિસે મંજૂર કરી છે. આ સાથે ગુજરાતની નવમી પ્રોડક્ટે જીઆઇ ટેગ મેળવી છે. આ અગાઉ સંખેડા ફર્નિચર, ગીર કેસર કેરી, પાટણના પટોળાને જીઆઇ ટેગ મળ્યા છે.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ શ્રેણિક મહેતાને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું, ‘વર્ષ ૨૦૦૮માં અમે બાંધણીની જીઆઇ ટેગ માટે અરજી કરી હતી, પરંતુ તે વખતે અમે ગુજરાત બાંધણી તરીકે અરજી કરી હતી, જે મંજૂર રહી ન હતી કારણ કે અમે જામનગરની વિશેષતાને સમગ્ર રાજ્યની વિશેષતા ન બતાવી શકીએ જેથી જામનગર બાંધણી (ટાઇડ એન્ડ ડાય) તરીકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ફરી અરજી કરી હતી, જેને કાપડ મંત્રાલય અંતર્ગત આવતી ટેગ એન્ડ ટ્રેડમાર્ક કચેરીએ મંજૂરી આપી છે. જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળતા આ વિસ્તારની બાંધણીનું જામનગર બાંધણી તરીકે બ્રાન્ડિંગ કરી શકાશે.’
મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ મંજૂરીને પગલે હવે રાજકોટ કે ભૂજ જેવા અન્ય વિસ્તારોમાંથી કોઈ બાંધણી વેચનાર જામનગર બાંધણી તરીકે તેમની પ્રોડક્ટ વેચી નહીં શકે અને જામનગર બાંધણી તેની ઓળખ વધુ મજબૂત બનાવશે, જેના પગલે ઉદ્યોગો અને ૪૦,૦૦૦ જેટલા કારીગરોને ફાયદો થશે.’
રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગ્રૂપ વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘આખરે વિશ્વવિખ્યાત જામનગર બાંધણીને જીઆઇ ટેગ મળી અને હજારો કારીગરોને તેનો ફાયદો થશે.’
ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી કાયદા સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની કેટેગરીમાં જે તે વિસ્તારની ઓળખને આઇપીઆર કાયદા મુજબ પેટન્ટ ન કહેતાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનના રાઇટ્સ કહેવાય. આ રાઇટ્સ જામનગરના વેપારી એસોસિયેશન કે બાંધણી બનાવનારાઓના જૂથને મળશે. આનાથી તેમને કાયદા સામે રક્ષણ મળે છે. કોઈ ત્રાહિત વ્યક્તિ જામનગરની બનાવટ ન હોય અને તેને જામનગરની બાંધણી તરીકે વેચે તો તે ગુનો બને છે અને તેની સામે કાયદાથી રક્ષણ મળે છે.’
અત્યાર સુધીમાં ગુજરાતને કુલ નવ જ જીઆઇ ટેગ મળી છે, જેમાં વર્ષ ૨૦૦૮-૦૯માં સંખેડા ફર્નિચર, ખંભાતના અકીક અને કચ્છ એમ્બ્રોડરી નામની ત્રણ જીઆઇ પેટન્ટ મળી હતી. ૨૦૦૯-૧૦માં તંગલિયા શાલને હેન્ડીક્રાફ્ટ કેટગરીમાં, વર્ષ ૨૦૧૦-૧૧માં સુરત જરી ક્રાફ્ટ, વર્ષ ૨૦૧૧-૧૨માં ગીર કેસર કેરી, ભાલિયા ઘઉં, વર્ષ ૨૦૧૨-૧૩માં કચ્છી શાલ અને હવે વર્ષ ૨૦૧૪-૧૫માં જામનગર બંધાણીને જીઆઇ ટેગ મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter