મુંબઇઃ દેશના સૌથી મોટા આઇપીઓનું બહુમાન મેળવનાર જિયો પ્લેટફોર્મ્સે શેરબજારમાં પ્રવેશ પૂર્વે જ વિક્રમોની હારમાળા સર્જી છે. રિલાયન્સ ગ્રૂપની આ કંપનીનો આઈપીઓ કુલ 22.19 ગણો છલકાઈ ગયો હતો. ઇસ્યુ ઓપન થયાના માત્ર 100 મિનિટમાં તો તે ભરાઇ ગયો હતો. પબ્લિક ઈશ્યૂ અંતર્ગત રૂ. 4.9 લાખ કરોડની જ્યારે એન્કર ઈન્વેસ્ટર પ્લેસમેન્ટની મળીને કુલ 7.4 લાખ કરોડની બિડ મળી છે. ઈશ્યૂ દરમિયાન કુલ 1.39 કરોડ અરજી થઈ હતી, જે અભૂતપૂર્વ છે. રિટેલ ડિમાન્ડ પણ રૂ. 25,867 કરોડની રહી હતી. જિયો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે. કંપની આ આઈપીઓ દ્વારા 30,213 કરોડનું ફંડ મેળવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો જેમાં બહુમતી હિસ્સો છે તેવી જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓ માટે કુલ 1.39 કરોડ અરજી મળી છે, જેણે અગાઉ વારી એનર્જીઝ (ઓક્ટોબર-2024)ના 97.34 લાખ અરજીના રેકોર્ડને ખાસ્સા માર્જિનથી તોડી નાખ્યો છે.
બજારમાં ઉપલબ્ધ ડેટા અનુસાર જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ કુલ 22.19 ગણો ભરાયો હતો. 19.75 કરોડ શેરની ઓફર સામે રોકાણકારોએ કુલ 438.3 કરોડ શેર માટે બિડ કરી હતી. ક્યુઆઈબીમાં ઈશ્યૂ 70.55 ગણો છલકાયો હતો. તેમણે 49.01 કરોડ શેરના રિઝર્વ્ડ ક્વોટા સામે 345.8 કરોડ શેર માટે બિડ કરી હતી. ક્યૂઆઈબીમાં જ સ્થાનિક ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ, બેન્ક, વીમા કંપનીઓએ 152.5 કરોડ શેર માટે બિડ કરી છે. એફઆઈઆઈએ 123.9 કરોડ શેર માટે બિડ કરી છે. મ્યુચ્યુઅલ ફંડ્સે 35.7 કરોડ શેર માટે બિડ કરી છે.
નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં ઈશ્યૂ 14 ગણો ભરાયો હતો. રિટેલ ઈન્ડિવિડ્યૂઅલ ઈન્વેસ્ટર કેટેગરીમાં ઈશ્યૂ 2.72 ગણો ઈશ્યૂ ભરાયો હતો. કર્મચારીઓ માટેના રિઝર્વ્ડ ક્વોટામાં ઈશ્યૂ 2.93 ગણો ભરાયો હતો. રિલાયન્સના શેરહોલ્ડર્સ માટેના પોર્શનમાં ઈશ્યૂ 7.60 ગણો ભરાયો હતો.
જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ દ્વારા 30,213 કરોડ એકત્ર કરશે. શેરની ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ 1,065થી 1,119 હતી. આ ઓફરમાં વધુમાં વધુ 27 કરોડ ફ્રેશ ઈક્વિટી શેરનો સમાવેશ છે. આઈપીઓ અગાઉ જિયો પ્લેટફોર્મ્સની 8110 કરોડની એન્કર બુકને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપની જેટલા શેર ફાળવવાની છે તેની સામે 30 ગણી માંગ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ તરફથી મળી હતી. જિયોને એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી 2.5 લાખ કરોડની બિડ મળી હતી.
જિયો ભારતના ડિજિટલ ટેલિકોમ્યુનિકેશન બજારમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તે 53.33 કરોડ ગ્રાહકોને સેવા આપે છે અને દેશના વાયરલેસ ડેટા ટ્રાફિકનો આશરે 60 ટકા હિસ્સો વહન કરે છે.
જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ પહેલાં જ અનેક રેકોર્ડ
• 4.9 લાખ કરોડની પબ્લિક બિડ અને એન્કર ઈન્વેસ્ટર્સની મળીને કુલ 7.4 લાખ કરોડની રેકોર્ડ બિડ
• ક્યુઆઈબીમાં ઈશ્યૂ 70.55 ગણો છલકાયો, એફઆઈઆઈએ 123.9 કરોડ શેર માટે બિડ કરી
• ભારતીય કોર્પોરેટ જગતનો સૌથી મોટો આઈપીઓ. રૂ. 30,213 કરોડનો આઈપીઓ, જે હ્યુન્ડઈના રૂ. 27,870 કરોડ કરતાં પણ મોટો છે.
• રૂ. 30,213 કરોડનો સૌથી મોટો ફ્રેશ ઈક્વિટી ઈશ્યૂ, જે અંતર્ગત કંપનીએ સંપૂર્ણ 27 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર ઓફર કર્યા છે
• સૌથી ઝડપી છલકાયેલો ઈશ્યૂ બન્યો. માત્ર 100 મિનિટમાં કંપનીનો આઈપીઓ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.
• એક્સચેન્જે સમય વધારવો પડ્યો હોય તેવો સૌપ્રથમ આઈપીઓ. બીએસઈ અને એનએસઈએ જિયોના શેર માટે જંગી માંગને ધ્યાનમાં લઈને સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી બિડ સ્વીકારી હતી. સામાન્ય રીતે સવારે 10થી સાંજે 5 વચ્ચે આ કામગીરી થાય છે.
• લિસ્ટિંગ સાથે સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી નવી કંપની બનશે. જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ સાથે તેનું માર્કેટ કેપ અંદાજે 10.3 લાખ કરોડ થવાની ધારણા છે, જે અત્યાર સુધીમાં નવી લિસ્ટેડ કંપનીનું સૌથી વધુ માર્કેટ કેપ બનશે અને લિસ્ટિંગ સાથે ટોચની ચાર કે પાંચ લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવશે.


