મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના શેરબજાર પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયાના અહેવાલ છે. સંભવતઃ આ મહિનાના અંત સુધીમાં મૂડીબજારમાં મૂકાનારો આ આઇપીઓ ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત આઈપીઓમાંનો એક બની રહેશે.
વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ અને સંઘર્ષ વચ્ચે સેકન્ડરી માર્કેટમાં નિરાશા છે પરંતુ પ્રાઈમરી માર્કેટમાં રોનક છવાઈ છે. તાજેતરમાં એનએસઇના આઇપીઓની રજૂઆત બાદ ઓક્ટોબરમાં દેશનો સૌથી મોટો સરેરાશ રૂ. 32,000 કરોડથી વધુની સાઇઝનો જિયો પ્લેટફોર્મ્સનો આઇપીઓના ચક્રો ગતિમાન બન્યા છે. માર્કેટ નિષ્ણાતોના મતે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અને ત્રીજા સપ્તાહમાં ઇશ્યુ ખુલે તેવો અંદાજ છે. કંપનીનું વેલ્યુએશન સરેરાશ 12 લાખ કરોડ આસપાસ અંદાજવામાં આવી રહ્યું છે. એક અંદાજ મુજબ શેરની પ્રાઈસબેન્ડ રૂ. 1200-1300ની વચ્ચે રહે તેવો અંદાજ છે. ગ્રે માર્કેટમાં રૂ.150-200નું પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.
27 કરોડ નવા ઇક્વિટી શેર
જિયો પ્લેટફોર્મ્સે ગત 19 જૂનના રોજ સેબી સમક્ષ DRHP દાખલ કર્યું હતું. ત્યારબાદ, 28 ઓગસ્ટના રોજ સેબી દ્વારા ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ સ્વરૂપનો છે, જેમાં કંપની દ્વારા 27 કરોડ નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવશે. આમાં કોઈ ઓફર ફોર સેલ નથી, એટલે કે પ્રમોટર્સ કે જૂના રોકાણકારો પોતાના શેર વેચવાના નથી. આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળમાંથી મોટો હિસ્સો (આશરે રૂ. 27500 કરોડ) રિલાયન્સ જિયો ઈન્ફોકોમના દેવાને ચૂકવવા માટે ઉપયોગમાં લેવાશે.


