જિયો હવે દેશની બીજી મોટી કંપની, ટાટાને પાછળ છોડી રિલાયન્સ સૌથી મોટું ગ્રૂપ

Wednesday 04th November 2026 04:56 EST
 
 

મુંબઇઃ રિલાયન્સ ગ્રૂપની ડિજિટલ સેવા કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે શેરમાર્કેટમાં ધમાકેદાર આગમન કર્યું છે. શેરબજારમાં પ્રવેશ સાથે કંપનીના શેર્સમાં 26.66 ટકાની તેજી જોવા મળી હતી. કંપનીનું માર્કેટ કેપ આઇપીઓના સમયે 10.3 લાખ કરોડ થયું હતું. રોકાણકારોની સંપત્તિમાં પણ 2.76 લાખ કરોડનો વધારો થયો હતો. આ ભારતીય શેરમાર્કેટના ઇતિહાસમાં કોઈ કંપનીના લિસ્ટિંગના પહેલા દિવસની સંપત્તિમાં થયેલો સૌથી મોટો વધારો છે.
જિયોના શેર 1,119 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇઝની તુલનાએ 1,358 (21.36 ટકા) પર લિસ્ટ થયા હતા. તે 27.23 ટકા ઉછળી રૂ. 1,423.80ના ઉચ્ચ સ્તર પર પહોંચ્યો હતો અને 26.66 ટકાની વૃદ્ધિ સાથે 1,417.35 રૂપિયા પર બંધ થયો હતો. શાનદાર લિસ્ટિંગની સાથે જિયો પ્લેટફોર્મ્સ ટેલિકોમ કંપનીઓના દબદબાને પણ બદલ્યો છે.
જિયો હવે બીજી સૌથી મૂલ્યવાન ભારતીય કંપની અને સૌથી મૂલ્યવાન ટેલિકોમ કંપની બની છે. તેણે ભારતી એરટેલને પણ પાછળ છોડી દીધી છે. લિસ્ટિંગ બાદ જિયોનું પેરેન્ટ ગ્રૂપ રિલાયન્સ જૂથ તાતા સમૂહને પાછળ રાખી દેશનું સૌથી મોટું કોર્પોરેટ જૂથ બની ગયું છે. જેપીએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપ 28.72 લાખ કરોડનું છે. ટાટા જૂથની માર્કેટ વેલ્યૂ 25 લાખ કરોડ છે. છેલ્લા એક દાયકામાં મહત્તમ સમય ટાટા ગ્રૂપ ટોપ પર હતું.
રિલાયન્સ વિશ્વની દિગ્ગજ કંપનીઓની હરોળમાં
જિયોના આગમન બાદ, રિલાયન્સ સાથે સંકળાયેલી 11 લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય અંદાજે રૂ. 30.25 લાખ કરોડ (318 બિલિયન ડોલર) સુધી પહોંચી ગયું છે. આ આંકડા સાથે, આ ગ્રૂપ કોકા-કોલા અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓની હરોળમાં આવી ગયું છે. આ કુલ મૂલ્યાંકન અમેરિકન રિટેલર હોમ ડેપોની લગભગ બરાબર હતું અને SAP, નેટફિલક્સ તથા ટોયોટા જેવી વૈશ્વિક કંપનીઓના બજાર મૂલ્યો કરતાં પણ વધારે હતું.
27 ઓક્ટોબરે અમેરિકન બજાર બંધ થયું ત્યારે હોમ ડેપોના 317.76 બિલિયન ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશનની ખૂબ નજીક હતું. અમેરિકન બજારમાં લિસ્ટેડ કંપનીઓના આધારે જોઈએ તો, આ આંકડો જર્મન સોફ્ટવેર કંપની SAP ($274.11 અબજ), સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફિલક્સ ($256.73 બિલિયન) અને ટોયોટા (S231.41 અબજ)ના મૂલ્યાંકન કરતાં વધુ હતો. જોકે, રિલાયન્સનું મૂલ્યાંકન ચીની ટેક્નોલોજી કંપની ટેન્સેન્ટના અંદાજે 442 બિલિયન ડોલર, કોકા-કોલાના 392.26 બિલિયન ડોલર અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલના 369.06 બિલિયન ડોલરના મૂલ્યાંકન કરતાં
ઓછું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter